- નિરંજન મહેતા
કોણીએ ગોળ લગાડવો
તમે તમારી કોણી પર ગોળ લગાડી તેને ખાવાનો પ્રયત્ન કરો. ગમે તેટલી મહેનત કરશો પણ તમારૂં મોઢું ત્યાં સુધી નહીં પહોંચે અને ચીપકેલો ગોળ એમને એમ જ રહેશે.
આ જ રીતે કોઈની પાસે કામ કરાવવું હોય; પણ તેને બદલે કશું આપવાનું વચન અપાય પણ તે વચન પૂર્ણ થાય તેની કોઈ ખાત્રી ન હોય ત્યારે આ શબ્દો બોલાય છે કે કોણીએ ગોળ ચોટાડ્યો.
આનો ઉત્તમ દાખલો છે ચૂંટણી વખતે મત મેળવવા અપાતાં અનેક વચનો જે સામાન્ય માણસ પણ જાણે છે કે, કશું મળવાનું નથી અને આ વ્યક્તિ આપણને કોણીએ ગોળ ચોટાડી ચાલતી પકડશે પછી પાંચ વર્ષ પછી ફરી મત લેવા આવી જશે.
આ જ રીતે પિતા પોતાના બાળકને કહેશે કે, તું પરિક્ષામા ૯૦% ઉપર માર્ક્સ લાવીશ તો તને સાઈકલ ભેટ આપીશ. પિતાને ખબર છે કે તેનો દીકરો ૭૦%થી ૮૦% માર્ક્સ લાવવાની ક્ષમતા ધરાવે છે એટલે તે ૯૦% ઉપર માર્ક્સ લાવે તેની શક્યતા નથી. પણ દીકરો સાઈકલ મેળવવાની હોંશમાં વધુ ધ્યાનથી ભણશે પણ વ્યર્થ કારણ તે ૯૦% ઉપર માર્ક્સ નહીં લાવી શકે અને તેનું સાઈકલ મેળવવાનું સ્વપ્ન સ્વપ્ન જ રહેશે.
અંગ્રેજીમાં આના જેવી કહેતી છે 'STICK AND CARROT.'
કુંભાર પોતાના સુસ્ત ગધેડાને દોડાવવા એક લાકડીના છેડે ગાજર દોરીથી બાંધી તે લાકડી તેની ડોક પર બાંધે છે જેથી તે ગાજર ગધેડાની નજરમાં રહે અને તેને મેળવવા ઝડપથી દોડે. પણ તે ગાજર તેની નજરથી થોડા અંતરે હોઈ તેને મેળવવાની તેની બધી મહેનત નકામી બની રહે છે.