અન્ઝરઅહેમદખાન બલોચ

     -    રમેશ તન્ના 

સાભાર -  શ્રીમતિ રાજુલ કૌશિક

  અમદાવાદમાં જૂહાપુરામાં રહેતા 19 વર્ષના અન્ઝરઅહેમદખાન બલોચ નામના વિદ્યાર્થીએ માયાળુ જંગલ નામની નવલકથા લખી છે. આ નવલકથા તે પોતે જ પ્રકાશિત કરશે અને ઈ-બુક પર બનાવશે. એમેઝોન પર તેને વેચવા માટે પણ મૂકશે. તેણે શહેરની જાણીતી એફ.ડી.હાયરસેકન્ડરી સ્કૂલમાંથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ કર્યું છે.

    આ પહેલાં તેણે માત્ર 17 વર્ષની ઉંમરે સુંદર વિજ્ઞાન નવલકથા અંતની શરૂઆત લખી હતી. 23 પ્રકરણમાં પથરાયેલી આ નવલકથા 120 પેજમાં આલેખાઈ હતી. એ નવલકથાને જબરજસ્ત પ્રતિસાદ મળતાં અન્ઝરને પ્રોત્સાહન મળ્યું અને તેણે બીજી નવલકથા પણ લખી. નવલકથા લખવાનું તેને એટલું ગમે છે કે તેણે ત્રીજી નવલકથા પણ લખી રાખી છે. પહેલી નવલકથાની જેમ તે સાયન્સ ફિકશન છે.

     હજી ત્રીજી નવલકથાને અન્ઝરે કોઈ નામ આપ્યું નથી. વિજ્ઞાનિક માનસ ધરાવતા એન્ઝરે શાળા દરમિયાન અનેક નવા અને માૈલિક પ્રયોગો પણ કર્યા છે. દરિયાના પાણીને નોરમલ પાણી કેવી રીતે બનાવી શકાય તેનો તેણે સફળ પ્રયોગ કર્યો હતો.

ઓછું બોલતા અન્ઝરમાં સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ ભારોભાર છે.

      પોતાના દીકરાને સાહિત્યસર્જન માટે પ્રેરણા, પ્રોત્સાહન અને વાતાવરણ આપનારાં તેમનાં માતા નાઝેેમાબાનુનું થોડા સમય પહેલાં અમવા સંસ્થા તરફથી એક ખાસ એવોર્ડ આપીને સન્માન કરાયું ત્યારે હોલમાં ઉપસ્થિત અનેક મુસ્લિમ માતાઓએ તાળીઓના ગડગડાટથી હોલને છલકાવી દીધો હતો. અમવા સંસ્થાનાં સ્થાપક ડો. મહોરુનિસાબહેન દેસાઈએ આખો ઉપક્રમ ગોઠવ્યો હતો. તેમણે કહ્યું કે આ સન્માન બીજી માતાઓ માટે પણ પ્રેરણારૃપ બનશે તેની મને ખાતરી છે. 

     અંતની શરૃઆત નામની આ નવલકથા લેખક અન્ઝર અહેમદખાને માત્ર એક મહિનામાં પૂરી કરી હતી. આ નવલકથા ભાવિ સમયકાળમાં પ્રસરે છે જ્યાં અતિ શક્તિશાળી બનેલી મનુષ્યજાતિ ઓક્સિજન વિના જીવી શકે છે અને પોતાનાં દરેક કાર્ય તે રોબોટ પાસે જ કરાવે છે. લેખકની કલ્પન અને લેખન શૈલી બન્ને ખૂબ જ સરળ છતાં રોચક છે.

     એક વખત અન્ઝરને પોતાની શાળામાં કવિતા લખીને જવાની હતી. તેણે પોતાની માતાને મદદ કરવા કહ્યું. કપડાં ધોતાં ધોતાં માતા નાઝેેમાબાનુએ થોડીક પંક્તિઓ લખાવી. આ પંક્તિઓ દીકરા અન્ઝર માટે ખૂબ જ પ્રોત્સાહક રહી. એફ.ડી. હાયરસેકન્ડરી સ્કૂલમાં તો સર્જનાત્મકને છૂટો દોર આપતું વાતાવરણ હતું જ. શાળાના આચાર્ય મોહંમદહુસેન ગેણા, સૈયદ ઈમરાન સાહેબ, શકીલ મનિયાર સાહેબ વગેરેએ લેખકને પૂરો સહયોગ આપ્યો.

     આ પુસ્તકની હસ્તપ્રતને કેટલાક પ્રકાશકો પાસે મોકલવામાં આવી, પણ કોઈ પ્રકાશક પ્રકાશન માટે તૈયાર ના થયો. છેવટે શાળાએ જ તેનું પ્રકાશન કર્યું.  લેખક કહે છે કે, વિજ્ઞાનનો હજી પણ ઘણો વિકાસ થવાનો છે, પણ તેનો ઉપયોગ ગરીબ લોકોના કલ્યાણ માટે વધુ થવો જોઈએ. બીજું વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણ પ્રકૃતિ અને પર્યાવરણને નુકશાન ના થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. લેખક કહે છે કે આ પૃથ્વી પર જન્મનારી દરેક વ્યક્તિએ કશુંક ખાસ કામ કરવું જોઈએ. માત્ર ચીલાચાલુ જિંદગીનો કોઈ અર્થ નથી.

      વાહ, અન્ઝર વાહ, જો આ મિજાજ અને રૂઆબ ભારતના બધા યુવાનો રાખે તો આપણા દેશની મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ આવી જાય.

(પોઝિટિવ મિડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, 9824034475)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *