કસરત

 - જિગીષા પટેલ

વ્હાલા બાળમિત્રો,

      તમે આ કહેવત સાંભળી છે ને? “પહેલું સુખ તે જાતે નર્યા” આનો અર્થ છે જેનું શરીર તંદુરસ્ત હશે, તે દુનિયામાં સૌથી વધારે સુખી માણસ ગણાય. તમારી પાસે ખૂબ પૈસા હોય, મોટરગાડી, જમીન જાયદાદ હોય; પણ જો તમારું શરીર તંદુરસ્ત ન હોય તો તમે કશું માણી ન શકો. આ તંદુરસ્તી મેળવવા શું કરવું પડે?

કસરત

     કસરત એ દરેકે દરેક જણે કેળવવા જેવી ખૂબ અગત્યની હોબી છે. ખરેખર તો એ જરૂરિયાત છે.  કસરત કરવા માટે તમે કોઈપણ વસ્તુ કરી શકો. દોડવું, ચાલવું, તરવું, જીમમાં જવું, સાઇકલ ચલાવવી, ડાન્સ કરવો, કોઈપણ મનગમતી રમત રમવી, યોગાસન/ તાઈ ચી કરવા કે કરાટે કરવું. આવી તમને મન ગમતી કોઈપણ કસરત કરી તમે તંદુરસ્ત રહી શકો છો. કસરત જુદા જુદા પ્રકારની હોય છે.

(૧) એરોબિક કસરત- એરોબિક એટલે દોડવું, તરવું, ડાન્સ કરવો કે કોઈ પરસેવે રેબઝેબ થઈ જવાય તેવી રમત રમવી કે, જેથી તમારી છાતી ધમણની જેમ ચાલે તેવી કસરત. આ કસરત કરવાથી તમારા હ્રદયમાં લોહીનું પમ્પિંગ જલ્દી થાય છે. તમારાં ફેફસા અને હાડકાં પણ મજબૂત થાય છે. તમને ખૂબ પરસેવો થાય છે. તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ જલ્દી થવાથી તમે ચિંતામુક્ત થઈ આનંદિત થઈ જાઓ છો. તમારા શરીર ને મગજ ને ખૂબ ઑક્સિજન મળે છે. તેનાથી તમારી યાદશક્તિ વધે છે. તમે વધુ સારું ભણી શકો છો ને વધુસારું વિચારી શકો છો. તમે પરીક્ષા વખતે એક સાથે છ કલાક ભણો તેના બદલે ત્રણ કલાક ભણી વચ્ચે અડધો કલાક ક્રિકેટ રમી ફરી ત્રણ કલાક ભણશો તેા તમે વધુ સારી રીતે આનંદથી, વધુ યાદ રાખી ભણી શકશો. રમત રમવાથી ઊંઘ પણ સરસ આવી જશે. પરીક્ષાની ચિંતા દૂર થઈ, તમે સવારે તાજા માજા થઈ
પરીક્ષા આપી શકશો. કસરતથી તમારી જીવન જીવવાની શક્તિ ને ઉત્સાહ વધી જાય છે.

(૨)સ્ટ્રેન્થ અને ફ્લેક્સિબિલિટી કસરત- સ્ટ્રેન્થ કસરત એટલે વજન ઊંચકવું, ઊઠબેસ કરવી, યોગના જુદા જુદા આસનો કરવા, ડમ્બેલ્સ સાથે કસરત કરવી. આ કસરત કરવાથી તમારા મસલ્સ મજબૂત થાય છે. તમારી ફ્લેક્સિબિલિટી વધે છે. તમારાં હાડકાં મજબૂત બને છે. તમારું posture સરસ બને છે. તમે છાતી કાઢીને ટટાર ઊભા રહી શકો છો, જેથી તમારો દેખાવ સારો લાગે છે. ઝૂકી ગયેલા ખભા અને ખૂંધો ચાલતો માણસ કરતા કસાયેલ શરીરવાળો માણસ વિશ્વાસથી ભરપૂર લાગે છે. ઉમરલાયક વડીલોને સાંધા જકડાઈ જાય અને સંધિવાની તકલીફમાં હલન ચલન અને ચાલવાની તકલીફ હોય, ત્યારે આ કસરત ખૂબ મદદરુપ થાય છે. બધાં જ રમતવીર ક્રિકેટર, દોડવીર, હોકી કે ફૂટબોલ પ્લેયર અને ડાન્સર અને એકટરને પણ આ કસરત કરવાથી બહુ ફાયદો થાય છે. સૂર્ય નમસ્કાર, જુદા જુદા યોગના આસનથી શરીરના મસલ્સ ને સાંધા મજબૂત બને છે.

(૩) બેલેન્સ- બેલેન્સ કસરત એટલે એક પગ પર ઊભા રહેવું જેવી શરીરમાં બેલેન્સ વધારવાની કસરત. આ કસરત થી તમારા મસલ્સ તાકાતવાન બને છે. એકાગ્રતા વધે છે. જે બાળક તોફાની હોય તેને એકાગ્ર કરવામાં મદદરૂપ થાય છે. ટેનિસ,બાસ્કેટબોલ અને ફૂટબોલના રમતવીર માટે આ ખૂબ જરુરી કસરત છે. મોટી ઉમરના વડીલો ને ચાલવા માટે ને ઊઠબેસ કરવામાં તકલીફ થાય તે માટે આ કસરત અગત્યની છે. જેને પેટ પરની ચરબી ઊતારવી હોય, તેને પણ આ કસરત કરવી જરુરી છે.

      આમ જુદી જુદી કસરત કરવાથી તમારું શરીર કસાયેલ,સ્ફૂર્તિ અને શક્તિથી ભરપૂર બને છે. તમારી રોગ પ્રતિકાર કરવાની શક્તિ વધે છે. તેથી તમે માંદા ઓછા પડો છો.તમે કસરત કરો એટલે એન્ડ્રોફીન નામનો સ્ત્રાવ શરીરમાં ઝરે છે જેથી તમે ખુશ રહો છો.  જીવનમાં વધુ ઉત્સાહ સાથે નવી નવી વસ્તુ જાણવા, શીખવા ને કરવા પ્રેરાઓ છો.

    તો ચાલો મિત્રો આજથી નક્કી કરી લો કે, તમે નિયમિત તમને મનગમતી કસરત કરશો.

     -   'બેઠક' પર તેમના લેખ 

--
--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *