આપણે દર્શા બહેન કિકાણીને 'વાર્તા મેળા' ના સંચાલક તરીકે જાણીએ છીએ. છેલ્લા ત્રણ વર્ષથી બાળકોમાં લેખન - સર્જન શક્તિ વિકાસ પામે તે માટે તેઓ આવા મેળા યોજે છે. આ વર્ષે એમણે એક નવો પ્રયોગ હાથમાં લીધો છે. તેમના જ શબ્દોમાં -
આજના માહિતી વિસ્ફોટના સમયમાં બાળકો ચારેબાજુ ઊભરાતી માહિતીમાં એટલા બધા અટવાઈ ગયા છે કે મૌલિક વિચારવાનું તેમણે ઓછું કરી નાખ્યું છે, અને મૌલિક લખવાનું તો લગભગ બંધ થઈ ગયું છે. આજનો જમાનો તૈયાર મેસેજીસનો છે. આવા સમયમાં જો બાળકને નાનપણથી પોતાના વિચારો પોતાના શબ્દોમાં પ્રગટ કરવા પ્રોત્સાહિત નહીં કરીએ, તો મોટું થતાં તે જાતે વિચારવાની ક્ષમતા ગુમાવી બેસશે. એક વિચારહીન સમાજની કલ્પના કેટલી ભયજનક છે?
આવી પરિસ્થિતિમાં બાળકોને મૌલિક અને રચનાત્મક લેખન તરફ દોરી જવા માટે છેલ્લા ત્રણ વર્ષથી અમે વાર્તા લેખન સ્પર્ધા યોજી રહ્યા છીએ. સ્પર્ધાની વિગતો ગુજરાતભરમાં અનેક શાળાઓ સુધી માત્ર ઈ-મીડિયાની મદદથી પહોંચાડીએ છીએ. ઘણી ગુજરાતી વેબસાઇટે અમને મદદ કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસમાંથી પણ અમને સારી મદદ મળે છે. સમસ્ત ગુજરાતના ૨૨ જિલ્લાઓમાંથી અને મુંબઈથી થઈ ૧૦૦ થી પણ વધુ શાળાઓ માંથી લગભગ ૧૪૦૦ વાર્તાઓ અમને પહેલા પ્રયાસમાં મળી.
અંગ્રેજી માધ્યમની શાળાઓમાંથી પણ સરસ વાર્તાઓ આવી. ગુજરાતી માધ્યમની સારી શાળાઓએ આને એક પ્રોજેક્ટ તરીકે પ્રમોટ કર્યો. અને બાળકોને નવું લખવા પ્રેર્યા. બીજા વર્ષે અમે દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ આ સ્પર્ધામાં આવરી લીધા.પહેલા અને બીજા વર્ષની ઇનામી વાર્તાઓ વાર્તામેળો-૧અને ૨ ના નામે વિચાર વલોણું એ પબ્લિશ કરી છે.
ત્રીજા વર્ષે અમે શિક્ષકોને પણ આ સ્પર્ધામાં સાંકળી લીધા છે. જો શિક્ષકો સારું લખશે તો બાળકોને સારું લખવા જરૂર પ્રેરણા આપશે. અમારા આ વિચાર સાથે ઘણા શિક્ષકો સહમત છે. જોઈએ આ વર્ષે અમને કેવો પ્રતિસાદ મળે છે!