આ પપ્પા એટલે?

   -  એક વિચારક   ( સક્ષમ સામાયિકમાં કોલમ લેખક)     

  • આ પપ્પા એટલે ?
  • પપ્પા એટલે ખાલી એક નામ ?
  • પપ્પા એટલે ખાલી એક દેખાવ ?
  • પપ્પા એટલે ખાલી એક પદ ?
  • પપ્પા એટલે ખાલી બાયોડેટામાં જોડવું પડતું એક નામ?

ના ….

      પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેકટિકલ પ્રેરણાદાયી પુસ્તક. આપણી સૌથી મોટી તકલીફ એ છે કે, આપણામાંથી ઘણા લોકો  પુરાણો વાંચવાની અને સમજવાની વાતો કરે છે, પણ ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા.

      આ પપ્પા નામે પ્રોફાઇલને ક્રેડિટ સાથે બહુ લેવાદેવા નહી.  મા ને ઇશ્વર માની લેનાર સમાજ પપ્પાને પપ્પા જ સમજે કારણ કે, આ પપ્પાએ કોઇ દિવસ પોતાની જાતને એ કેટેગરી માંટે નોમિનેટ કરી જ નથી.

       "ખબરદાર જો આમ કર્યુ છે તો... આવવા દે તારા પપ્પાને.. બધ્ધું જ કહી દઇશ." આવા વાક્યો દરેક મા એ કયારેક ને કયારેક પોતાના બાળકને નાનપણમાં કહ્યાં જ હશે. નછૂટકે પણ પેલો ઓફિસમાં  ફેમિલી માટે કમાતો બાપ બાળકનો અજાણ્યો દુશ્મન બની ગયો હોય છે. અને બાળક સાથેનું આ છેટું ઘણું લાંબુ ચાલે છે. ઘણા કિસ્સાઓમાં તો બાપની ખરી કિમત સમજાય છે, ત્યાં સુધીમાં બાપ ખીલી ટાંગેલ ફોટો બની ગયો હોય છે.

      બાકી પપ્પા  તો એવા પરમેશ્વર છે, જેને પામવા વ્રત, ઉપવાસ કે અધરા શ્લોકના ગાન કરવા નથી પડતા.  આપણી તકલીફમાં આપણા ખભાને ટેકો દેવા એ જીવતો દેવ હાજરાહજૂર જ હોય છે.

        ડૉ.નિમિત્ત ઓઝાએ લખેલ એક સરસ વાત યાદ આવે છે કે,

      ઘરની બહાર નીકળતા ખાડો આવે ને પડી જવાય તો "ઓ મા" બોલાય છે પણ અજાણ્યા જ રસ્તો ક્રોસ કરતા ટ્રક છેક પાસે આવી જાય ત્યારે તો મ્હોં માથી "ઓ બાપ" જ સરી પડે છે.

       આ એ વાત ની સાબિતી છે કે, નાની નાની તકલીફોમાં મા યાદ આવે; સાહેબ! પણ જીવનની અધરી અને મોટી તકલીફોમાં તો બાપ જ યાદ આવે છે. પપ્પા નામના પરમ મિત્રને ઓળખવાની કળા મોટા ભાગે યુવાનીમાં કેળવાતી જ નથી. બાકી એ વાત ખરી કે આ ઉમરમાં  પપ્પા ભણાવા કરતા ગણાવે છે વધુ. 

      કોઇ બાપ પાર્ટ ટાઇમ નોકરી કરતો હશે પણ પિતૃત્વતો ફુલ ટાઇમ જ કરતો હશે. કારણકે ખેતરમાં હળ ચલાવતો કે પછી ઓફિસમાં ઓવરટાઇમ કરતો બાપ આખરે તો દિકરા કે દિકરીને સઘળી સવલતો આપવા જ સજ્જ થતો હોય છે.

      આપણી યુવાનીમાં કરેલી ભૂલોથી ટાયર્ડ થઇ જતો બાપ ચિડાઇને પિતૃત્વથી રિટાયર્ડ નથી થઇ જતો. એને પળે પળ આપણને કશું એટલા માટે શીખવાડવું છે કે, જીવનમાં જ્યાં જ્યાં એણે પીછેહઠ ભરી છે ત્યાં ત્યાં;  આપણે ડગલું ન ભરી દઇએ.  બુદ્ધિનું બજેટ ખોરવ્યા વિના આપણી બાહોશતા અકબંધ રહે તેવા પ્રયત્નો એ સતત કરતો રહે છે. 

      આ કારણોસર એ મોટાભાગે કડક વલણ અપનાવે. એટલેજ એ છપ્પનની છાતીમાં રહેલું લીસ્સું માખણ આપણને મોટાભાગે ઓળખાતું નથી.

  • આ પપ્પા એટલે ૯ વાગે ટીવી બંધ કરીને જબરજસ્તી ભણવા બેસવાનો ઓર્ડર નહી પણ ભણતરની કિંમત સમજાવતુ સુવાક્ય.
  • આ પપ્પા એટલે અકબર બાદશાહની વાતોમાં રહેલી પેલી બીરબલની શીખ ..જે જીવતા શીખવાડે.
  • આ પપ્પા એટલે રાત્રે જંયા સુધી ઘરે ન આવીયે ત્યાં સુધી સતત ચાલતો હિંચકાનો કિચુડ કિચુડ અવાજ.
  • આ પપ્પા એટલે મમ્મી કરતા પણ વધૂ વ્હાલની ઉપર પહેરેલૂં કડકાઇનું મ્હોરું.
  • આ પપ્પા એટલે એકવાર ખાઇ લીધા પછી મમ્મીથી સંતાડીને બીજી વાર અપાતી ચોકલેટ.
  • આ પપ્પા એટલે એવી પર્સનાલીટી જે ફેશન ન કરતી હોવા છતાય આપણા સ્ટાઇલ આઇકોન બની જાય.
  • આ પપ્પા એટલે આપણને કદિયે પડી ન જવા દેતો સાઇકલની સીટની પાછળથી પકડેલો મજબુત હાથ...

     આખરે પપ્પા ઍટલે પપ્પા.  બસ આમ જુવો તો કશું જ નહી અને આમ જુવો તો બધુંજ.

      હજીયે સમય છે. જો પપ્પા નામનું લાગણીનું સરનામું જીવંત બનીને ઘરમાં પોતાની મીઠાશ ફેલાવતું હોય, તો આ લેખ પૂરો વાંચીને એને જઇને એક વાર કોઇજ કારણ વગર ભેટી જોજો. 

      એ પપ્પા નામના પુસ્તકમાં એવુ સરસ મઝાનું પાનુ જોડાશે જે જીવનભર વાંચવું ગમશે.

 જનનીની જોડ જગે મહીં જડે રે લોલ! 

      અને એવી ઘણી ભાવસભર કવિતાઓ અને લેખો 'મા' માટે સકારણ અને યોગ્ય રીતે લખાયા છે - લખાતા રહેશે.

પણ....
'બાપ' ની થોડીક  વાત
આમ લખાય

'આ બાપ' ને ગમ્યું!

-- --

One thought on “આ પપ્પા એટલે?”

  1. shared on facebook with comment:”BAP RE BAP–AA BAP uper no lekh jarur Vanchjo –ane Kale Sarve BAAP ne jadu Nee Jappi AAPJO– Anthava Teni Chabi Uper Ful-Haar paheravjo…JoJo-LIKE karya Vagar na jata !!!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *