- રાજુલ કૌશિક
એક મઝાની વાત કહું? આપણે કેટલી વાર એવું વિચારીએ છીએ ને કે આપણી પાસે હજુ ઘણો સમય છે, થઈ પડશે. આ કામ તો કરતાં તો શી વાર? કરી લઈશું ગમે ત્યારે પણ એક વાત આપણે હંમેશા ભૂલી જઈએ છીએ કે આ જે સમય આપણા હાથમાં છે, એ ક્યારેય પાછો મળવાનો નથી.
સમયનું મૂલ્ય કેટલું હોય એ તો, જે અણી ચૂક્યો હોય એ જ સમજી શકે. ઘણીવાર એવું બને કે જરા અમસ્તા મોડા પડીએ અને આપણે ટ્રેન કે પ્લેન ચૂકી જઈએ.
એક સમય હતો જ્યારે નાટકોની દુનિયામાં આઈ.એન.ટીનું નામ પ્રસ્થાપિત હતું. હવે આ નાટ્યકંપનીનો એક નિયમ કે બરાબર નવના ટકોરે નાટ્યગૃહના દરવાજા બંધ થઈ જતા. એક મિનિટ પણ મોડા પડો તો ય તમારા માટે એ દરવાજા ખૂલતા નહીં. અંતે પ્રથમ અંક પુરો થયા પછી જ જ્યારે નાટ્યગૃહનો દરવાજો ખુલે, ત્યારે પ્રવેશ મળે. એટલે કે એક મિનિટનું મોડું અને એક અંક ગુમાવાની સજા.
આમ પણ આપણે સમયાંતરે સાંભળતા આવ્યા છીએ કે “ટાઇમ ઇઝ મની” મતલબ સમય પણ નાણાં જેટલો જ કિમતી છે. એ વાત સમજવા માટે અને આ સમયનું મૂલ્ય સમજવા માટે એક ઘટના તરફ નજર નાખીએ. અમેરિકાના કેલિફોર્નિયામાં ૧૯૮૪માં જુલાઇની ૨૮ થી ૧૨ મી ઓગસ્ટ સુધી ઑલિમ્પિક રમત મહોત્સવનું આયોજન થયું હતું. એમાં ખાસ કરીને ભારતવાસીઓ માટે તો અત્યંત મહત્વની ક્ષણો હતી કારણકે ત્યારે ભારતના ટ્રેક ક્વીન- દોડ રાણી તરીકે જાણીતા થયેલા પી.ટી.ઉષા એમાં ભાગ લઈ રહ્યા હતા.
ઓગસ્ટની ૯મી તારીખે મહિલાઓની ૪૦૦ મીટરની દોડમાં ભાગ લેવા પી.ટી. ઉષા ટ્રેક પર આવ્યા. સ્ટેડિયમમાં અને ટી.વી.ની સામે બેઠેલા સૌ ભારતવાસીઓની નજર અને આશા એમના પર મંડાયેલી હતી. ઉચાટ અને ઉત્તેજનાની એ ક્ષણો હતી. સીગ્નલ મળતાં જ પી.ટી. ઉષા બંદૂકમાંથી વછુટેલી ગોળીની જેમ દોડ્યા.
સૌને એમ જ હતું કે તેઓ જ મેડલ જીતશે. પરંતુ ટેલિવિઝન પર જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે એ સાવ જ અણધાર્યુ હતું. કારણકે પી.ટી. ઉષા પ્રથમ નહીં પણ ચોથા સ્થાને હતા. એમની સાથે દોડમાં ભાગ લઈ રહેલા રૂમાનિયાના ક્રિસ્ટીનાએ છેલ્લી પળે કૂદકો મારીને ૪૦૦ મીટરની દોડમાં ત્રીજો નંબર અને મેડલ જીત્યા હતા. એક જ સેકંડના ૧૦૦મા ભાગના સમયે પી.ટી. ઉષા હારી ગયા હતા. હવે સમજાય છે ને કે
એક સેકન્ડના ૧૦૦માં ભાગની પણ કિંમત કેટલી મોટી અને મહત્વની હોઇ શકે.
સીધી વાત - ભાથામાંથી એકવાર નિકળી ચૂકેલું તીર કે, નદીમાં વહી ગયેલું પાણી પાછાં વળતાં નથી. એમ જ તકદીરમાંથી સરી ગયેલો સમય પણ ક્યારેય પાછો આવતો નથી.
જે સમય સાચવે એને સમય સાચવે.