શબ્દ -૧, પ્રાર્થના

   દેવિકા ધ્રુવ       

પ્રિય બાળકો,

      આજે વહેલી સવારે તમે યાદ આવ્યાં અને થયું તમારી સાથે કંઈક વાતો કરું. સૌથી પહેલા તો તમે આ ઈવિદ્યાલય પર જે ભણી રહ્યા છો તેને માટે અભિનંદન આપી દઉં. કારણ કે એમાં જાતજાતનું  કેટલું બધું શીખવાનું મળે છે! 

       તમારી જેમ એમાંથી હું પણ શીખું છું હોં. એક વાત કહું ? મને સૌથી વધારે પ્રાર્થના વિભાગ ખૂબ ગમ્યો. તમને ખબર છે પ્રાર્થના એટલે શું? ચાલો એના વિશે થોડી વાતો કરીએ.   

     આમ તો પ્રાર્થના એટલે બે હાથ જોડીને, આંખો બંધ કરીને ભગવાન પાસે કંઈ માંગવું તે એવો એનો અર્થ થાય. આપણે સૌ નાનપણથી આ કરીએ છીએ અને એનો અર્થ પણ જાણીએ છીએ. પણ આજે આપણે એના વિશે થોડી વધારે વાતો જાણીએ.

     એક નવાઈની વાત કહું? બહુ હસતાં નહિ.  થોડું મલકી લેજો જરૂર. આપણે આ ’પ્રાર્થના’ શબ્દ કેટલી સહેલાઈથી બોલી શકીએ છીએ પણ અમેરિકનો કે બીજી પરદેશી પ્રજાને તો એ બોલતા પણ ન આવડે અથવા બહું અઘરી લાગે. કેવી નવાઈની વાત હેં?

   હા,તો આ પ્રાર્થના શબ્દનું મૂળ ક્યાંથી આવ્યું? પહેલાં આ શબ્દને છૂટો પાડીએ.

પ્ર+અર્થ + અન+આ

સંસ્કૃત ભાષામાં .....

  • પ્ર એટલે સૌથી સારું,ઉત્તમ,શ્રેષ્ઠ
  • અર્થ એટલે માંગવું તે
  • અન એટલે પણું+માંગવાપણું
  • આ એટલે સ્ત્રી જાતિનો પ્રત્યય -  પ્રાર્થના 'કેવી' એમ કહેવાય.
     આ રીતે આખો શબ્દ થયો પ્રાર્થના. પ્રાર્થનાના પણ ઘણાં શબ્દો છે. દા.ત. વંદના,સ્તુતિ કરવી, શ્લોક ગાવો, મંત્ર બોલવો, બંદગી કરવી, સ્તવન કરવું, વિનંતી કે અરજ કરવી, ભજન ગાવું વગેરે. વળી પ્રાર્થનાનો અર્થ માંગણી ખરી. પરંતુ ગમે તેની પાસે માંગીએ તે પ્રાર્થના ન કહેવાય. માત્ર ઈશ્વર સામે જે વાતો કરીએ, ઈચ્છા કરીએ, કોઈનું શુભ ઈચ્છીએ કે ક્યારેક કંઈક માંગીએ અને તે પણ ખરા દિલથી તેને જ પ્રાર્થના કહેવાય. 
     હવે સવાલ થાય કે ઈશ્વર એટલે કોણ? બરાબર ને? તો એનો જવાબ એવો છે કે, કોઈએ એને જોયો નથી પણ દરેક ક્ષણે એનો અનુભવ થાય છે. એણે જ આખું જગત રચ્યું છે અને એણે જ આપણને આ વિશ્વમાં જન્મ પણ આપ્યો છે ને? તમારી સાથે આ વાત કરું છું ને બાળકો? તો પેલી પ્રાર્થનાની પંક્તિ સંભળાઈ કે,
“મંદિર તારું વિશ્વ રૂપાળું..સુંદર સર્જનહારા રે”
[ આખી પ્રાર્થના આ રહી .]
     તો આ સર્જનહારને જે વિનંતી થાય કે એની પ્રશંસા થાય કે એની પાસે કંઈક માંગણી થાય અને તેનો આભાર પણ મનાય -  તેનું નામ પ્રાર્થના. પ્રાર્થનામાં ખૂબ શક્તિ છે પણ એ ખૂબ જ ભાવથી, અંતરથી થવી જોઈએ.

      બીજી એક વાત એ કે પ્રાર્થના કોઈપણ જગાએ થાય અને કોઈપણ રીતે થાય. એવું જરૂરી નથી કે એ માત્ર મંદિરમાં જ થાય. હા, મંદિરમાં જઈને કરીએ તો એક સરસ મઝાનું પવિત્ર વાતાવરણ લાગે અને કદાચ સૌની સાથે ભાવપૂર્વક પણ થાય. પણ એ હંમેશા જરૂરી નથી. આપણે તો નિશાળોમાં પણ પ્રાર્થના કરીએ જ છીએ ને? અને ઘરમાં પણ. બરાબર? પ્રાર્થના ખરેખર તો ઈશ્વર સાથેનો સંવાદ છે.

     'એ સાંભળે?' - એવો તમને સવાલ થશે. હા, એ ચોક્કસ સાંભળે. એની તો બહુ બધી વાતો છે અને ઘણી લાંબી છે. ક્યારેક એ વાતો પણ કરીશું. પણ આજે તો પ્રાર્થના વિશે જ વિચારીશું.

                     

       બીજું, તમને ખબર છે બહુ મોટી મોટી અને મહાન વ્યક્તિઓએ પોતાના અનુભવ પછી પ્રાર્થના માટે બહુ સરસ લખ્યું છે. કોઈકે કહ્યું છે કે, પ્રાર્થના સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ  છે. મહાત્મા ગાંધીજી તો કહેતા કે, પ્રાર્થના એ આત્માને સ્વચ્છ કરવાની સાવરણી છે. આપણા મોટા કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું કે, હે ઈશ્વર,મારા આનંદ અને શોકને હું  સહેલાઈથી સહી શકું એવું મને બળ આપ,  સેવાનું કામ કરી શકું એવી મને શક્તિ આપ.  કેટલી ઊંચી પ્રાર્થના?

     આવી પ્રાર્થના કર્યા પછી મન ખૂબ પ્રસન્ન પ્રસન્ન થઈ જાય. હિન્દી ભાષામાં પણ એમ કહેવાય છે કે -

જિસકા રબ હો ઈસકા સબ હો.

      રબ એટલે કે જેને પ્રાર્થના કરીએ છીએ તે પરમ શક્તિ - ઈશ્વર. વળી કોઈકે તો  એક મઝાની વાત કરી કે, પ્રાર્થના એ ઈશ્વરનો મોબાઈલ નંબર છે!  તો તમે પણ મોબાઈલ સાથે જોડાશો ને?!

  It is a greatest wireless connection and nearest approach to God.

    મારી ગમતી એક પ્રાર્થનાઃ

ના માંગુ ધન વૈભવ એવા, મન દેખી મલકાય,
ભલે રહું હું દીન તોય લઉં ના,ગરીબ કેરી હાય !
એવું હૈયાનું બળ આપ, પ્રભુજી ! ... માગું 

ઉંચા નીચા ભેદ ન જાણું,સૌને ચાહું સમાન
સૌને આવું હું ખપમાં મુજ, કાયા વજ્ર સમાન
એવું શરીરનું બળ આપ, પ્રભુજી ! ... માગું

કરતાં કાર્ય જગે સેવાનાં,જો કદી થાકી જવાય
કાયા થાકે મન નવ થાકે ,જીવતર ઉજળું
એવું મનનું બળ તું આપ, પ્રભુજી !

માંગુ હું તે આપ…

ચાલો, ફરી કોઈ બીજી વાત કરવા મળીશું. આવજો.

તેમનો બ્લોગ - શબ્દોને પાલવડે 

2 thoughts on “શબ્દ -૧, પ્રાર્થના”

  1. બહુ જ સુંદર અને વિગતવાર માહિતી મળી. આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *