દુનિયાની સફર – ૧૨

     -    કલ્પના દેસાઈ

https://www.filmibeat.com/hollywood/news/2015/hollywood-celebrities-who-have-the-weirdest-of-weird-phobias-205019-pg1.html

ડર

 

     આજે આપણે આપણા સૌના ઈન્ટરનેશનલ ડરની વાત કરીએ. દરેકને પોતાની સાથે ને સાથે રહેતો કોઈ ને કોઈ ડર કે ભય સતાવતો જ હોય. ચાહે તે પછી આગ, પાણી, ખાડો, ટેકરો, અજવાળું, અંધારું કે ભીડ અને એકાંત પણ કેમ ન હોય? ભલભલા સમજદાર, હોશિયાર કે બહાદુર વ્યક્તિને પણ માનવામાં ન આવે એવા ડર સતાવતા હોય છે. તો આજે આપણે જઈએ સીધા હૉલીવુડ સ્ટાર્સની દુનિયામાં. પડદા પર જાતજાતના સ્ટન્ટ્સથી, અવનવા જાદુથી દુનિયાને ડોલાવનારા, પોતે શેનાથી ડોલી જાય છે? કોણ એમને થથરાવે છે?

      સંગીતની દુનિયાનો બેતાજ બાદશાહ માઈકલ જૅક્સન, જેના ડાન્સ સ્ટેપ્સની આજે પણ નકલ થયે રાખે છે, તેને વિમાનમાં ઊડવાનો ડર લાગતો! જે લગભગ આખી દુનિયા ઘુમી વળેલો તે માઈકલ જૅક્સન ડરપોક? નક્કી પ્લેનમાંય એ પગ ઊંચા લઈને કાન પર હાથ દઈને ને માથે ઓઢીને મનમાં રામ/રહીમ/જિસસ નામ જપતો બેસી રહેતો હશે. એક જ વાર જો એ એમ વિચારી લેત કે મોત તો ગમે ત્યાં આવી શકે, જે જીવન હાથમાં છે તે જ એના કરતાં મજેથી જીવી લઉં તો આરામથી બધી જ હવાઈસફર એણે આનંદથી માણી હોત.

      નાનપણમાં માર તો સૌને પડ્યો હોય પણ શેનાથી પડ્યો હોય તે બહુ મહત્વનું બની જાય. બિલી બૉબ થોર્નટનને જૂના ફર્નિચરની બીક લાગતી! એવા ફર્નિચરની હાજરીમાં ન તો એ શ્વાસ લઈ શકતો કે ન એ શાંતિથી જમી શકતો. બની શકે કે નાનપણની કોઈ ધમાલ વખતે બાપાએ ખુરશી જ ઊંચકીને એને બીવડાવ્યો હશે. બાપાઓ સાવધાન!

      વૂડી એલન–એક દિગ્ગજ કલાકાર, રાઈટર, એક્ટર, ડાઈરેક્ટર, મ્યુઝિશિઅન, કૉમેડિઅન ને એવી જ કેટલીય બહુમુખી પ્રતિભાનો માલિક જાતજાતનાં જીવડાંથી બીતો! જો કે, અમુક જીવડાં ઝેરી આવે ખરાં. અરે, એ સિવાય પણ લિસ્ટ લાંબું છે. પાણીમાં રહીને મગરથી બીવા જેવું, વૂડીભાઈને તો સૂર્યપ્રકાશની પણ બીક, કૂતરાંની બીક, હરણ અને બાળકોનોય ડર, ઊંચાઈ કે નાનો રૂમ, ભીડ અને કૅન્સરની પણ બીક. ઓહોહો! વૂડીભાઈએ તો કામ શી રીતે કર્યું હશે? જ્યાં જાય ત્યાં બીતા બીતા જ ને ચકળવકળ નજરે જ ફર્યા હશે. ખેર, કોને શાનો ડર લાગે ને શાનો નહીં તે વિશે કંઈ કહી ન શકાય. આપણે બીજાની ટીકા કે મશ્કરી કરીએ પણ અંદરખાને આપણે કેટલાં ડરપોક તે આપણે જ જાણીએ.

      ડૅવિડ બૅકહૅમ–ફૂટબૉલની દુનિયાનો નંબર વન સ્ટાર. કોઈ વસ્તુ અસ્તવ્યસ્ત પડી હોય કે કોઈ કામ પણ વ્યવસ્થિત ન થયું હોય તો એનો પિત્તો જાય! સફળ જિંદગી અને પ્રેમાળ પરિવાર હોવા છતાં સતત ડૅવિડને એક ભય સતાવે કે બધે બધું બરાબર ને વ્યવસ્થિત તો હશે ને? અલા ભાઈ! તું તો ગભરાય ને સાથેવાળાનેય ગભરાવે. થોડું ઘણું તો અસ્તવ્યસ્તેય હોવું જોઈએ ને? એમ ઈસ્ત્રીબંધ ગડી કરેલી જિંદગી જીવવાની શું મજા? રમતમાં પરફેક્શન જરૂરી છે તે અમે માની લીધું ને તો જ તું નંબર વન બન્યો પણ પછી હળવો થા ને ભાઈ. આરામથી રહે. ફૅમિલીને ટેન્શન ના આપ.

      સરકસના જોકર તો બાળકોના સૌથી પ્રિય. આવા જોકરથી કોણ જાણે કેમ પણ અત્યંત સફળ ફિલ્મ ‘પાયરેટ્સ ઓફ ધ કેરેબિઅન સી’નો લોકપ્રિય કલાકાર જૉની ડેપ ખૂબ ગભરાય. નક્કી બાળપણમાં કોક ડરામણી ફિલ્મ જોઈ હશે અથવા તો કોઈ જોકરે એને શૂટિંગ દરમિયાન પૈસા–બૈસા માગીને ધમકાવ્યો હશે. કોણ જાણે!

      પામેલા એન્ડરસન– સુંદરતાની મહારાણી કે સૌંદર્યની દેવી! જ્યારે બીજી સ્ત્રીઓ એને જોઈને એના જેવી સુંદર બનવાની રાત દિવસ કોશિશ કરે ને આયનાની સામેથી હટે નહીં ત્યારે પામેલા? પામેલાને તો આયનાની જ બીક! કદાચ એવું હોઈ શકે કે, એક દિવસ તો એ જ આયનો પામેલાના ચહેરા પરની કરચલી કે એના સફેદ વાળની લહેરાતી લટ બતાવીને એની મશ્કરી કરવાનો છે એવો એને વહેમ ભરાઈ ગયો હશે? કે અંદાજ આવી ગયો હશે? એના કરતાં દેખવુંય નહીં ને દાઝવુંય નહીં.

      એટલે ડરની તો આવી કેટલીય અજબગજબ કહાણી આપણી અંદર ને બહાર પડેલી મળી આવે. હવે ચોર જો પોલીસની બીક રાખે કે, પોલીસ લાંચ લેવાની બીક રાખે તો સિસીસ્ટમ ખોરવાઈ જાય. બાળકો માબાપની બીક રાખે તો પરસ્પરનો પ્રેમ ખોરવાઈ જાય. પતિ–પત્ની કે સાસુ–વહુ એકબીજાથી ગભરાતાં થઈ જાય તો જીવનમાં મજા જ શું રહે? કે એની જ મજા છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *