શિખામણ

- રાજુલ કૌશિક        

       સંત એટલે કોણ? હંમેશા આપણે સંત શબ્દ સાંભળીએ એટલે મનમાં એવો જ વિચાર આવે કે મંદિરમાં ભગવા કે સફેદ કપડાં પહેરીને ભગવાનની સેવા-પૂજા કરતાં હોય કે હાથમાં મંજીરા કે એકતારા લઈને ભજન ગાતા હોય અથવા સભામાં આધ્યાત્મિક પ્રવચન કરતાં હોય. બરાબર ને? ના પણ દર વખતે એવું ય નથી હોતું.

      સંસારમાં રહીને પણ સાધુ જેવો સ્વભાવ રાખીને, સદવિચાર, સદકાર્ય કરે એ પણ સંત હોઈ શકે.

      સંત હોય એટલે ભિક્ષા -ગોચરી માંગીને જ પેટપૂજા કરે એવું પણ માની લેવાનું કોઈ કારણ નથી. એ પણ જીવનનિર્વાહ માટે કામ કરતાં જ હોય છે. આજે આપણે એવા જ એક સંતની વાત કરવી છે.    સંત તિરુવલ્લુવરનું નામ સાંભળ્યું છેકદાચ ના પણ સાંભળ્યું હોય. એ હતા તો સાદા સીધા વણકર. જીવન નિર્વાહ માટે દરેકને કંઇક તો કામ-કાજ કરવું જ પડે છે ભાઈ. એ સંત હોય તો વળી એ વધારે શાંતિથી અને સારી રીતે કામ કરે. બરાબર ને?     

     હા, તો આ સંત તિરુવલ્લુવર જુલાહા આજીવિકા માટે અત્યંત ધીરજથી સૂતરના તાંતણા વણવાનું કામ કરતા હતા. એ કામ ધીરજ ઉપરાંત શ્રમ અને ખંત પણ માંગી લે એવું હતુ. એ સમયે બાંધેલી બજાર જેવી કોઈ નિશ્ચિત જગ્યાઓ નહી હોય એટલે એ એક સમયે પોતાની હાથવણાટની સાડી બજારમાં વેચવા નિકળ્યા.

       એટલામાં એક યુવકે આવીને સાડીની કિંમત પૂછી. વેચવાની ચીજ હોય એના ભાવ તો હોય ને?

       સંતે જવાબ આપ્યો….“ બે રૂપિયા.”

       યુવક જરા જુદી જાતનો નિકળ્યો. એને સાડી લેવા કરતાં સંતને હેરાન કરવાનો ઇરાદો હશે એટલે એણે એ સાડીના બે ટુકડા કરી નાખ્યા અને પૂછ્યું, “ હવે કેટલી કિંમત થઈ?” સંતે જવાબ આપ્યો, "એક રૂપિયો.”

        યુવકે એટલેથી ન અટકતાં ફરી એ સાડીના બે ટુકડાને ચાર ટુકડામાં વહેંચી નાખી અને પૂછ્યું, “ હવે ?” સંતે અપાર શાંતિથી જવાબ આપ્યો. “આઠ આના.” ફરી ચાર ટુકડામાંથી આઠ ટુકડા કર્યા અને પૂછ્યું, “ ચાર આના.”

      યુવક સંતને ઉશ્કેરવા સાડીના ટુકડાઓને પણ ટુકડાઓમાં વહેંચતો ગયો. અંતે સાડી લીરે લીરા થઈ ગઈ. યુવકે એ લીરાનો ગોળો વાળ્યો અને કહ્યું હવે આમાં બચ્યું છે શું કે આના પૈસા આપવાના હોયતેમ છતાં સંત મૌન રહ્યા.

     થોડા અહંકાર અને વધારે તુચ્છકાર સાથે એ યુવકે બે રૂપિયા સંત તરફ ફેંક્યા અને કહ્યું, “ આ લો તમારી સાડીની કિંમત.” 

     લો, બોલો - આવું કોઈ તમારી સાથે કરે તો તમે શું કરો?

     પણ આ તો સંત હતા એટલે યુવકની આટલી ઉધ્ધતાઇ જોઇને પણ જરાય અકળાયા વગર સંતે કહ્યું,“ બેટાજ્યારે તેં સાડી ખરીદી જ નથી ત્યારે તારી પાસે પૈસા કેવી રીતે લેવાય?” હવે યુવાન શરમિંદગી અનુભવી રહ્યો. પોતાના અપકૃત્ય બદલ ખુબ દુઃખી થઈને રડી પડ્યો અને માફી માંગી.

      જરા દુઃખી થઈને ભીના અવાજે સંતે એ યુવકને કહ્યું, “ બેટાહવે તારા આ બે રૂપિયાથી થયેલી ક્ષતિ તો ભરપાઇ થવાની નથી. જરા વિચારી જો આ કપાસ ઉગાડવામાં સૂતર કાંતવામાં અને સાડી વણવામાં કેટલા પરિવારોએ પરિશ્રમ વેઠ્યો હશે ?” 

     યુવકે અપાર વેદના સાથે કહ્યું,“ ત્યારે તમે મને રોક્યો કેમ નહીં?”

     સંતે ખુબ સરસ જવાબ આપ્યો,“ રોકી શક્યો હોત તો પણ, તું તે સમયે તો ના જ રોકાત. પરસ્પર જીવન પ્રત્યે સાધી શકાય એવી આસ્થાની એ પળ ચૂકી જવાત. અત્યારે જે સંવેદનશીલતા, જે દુઃખ કે વેદના તું અનુભવી રહ્યો છું તે કેળવવાની તક પણ ચૂકી જવાત.”

સીધી વાત છે ભાઈ-

      જે સમયે લોઢું ગરમ હોય ત્યારે જ ઘણ મારવાનો અર્થ, બાકી તો સઘળા ઘા વ્યર્થ. સમજને સ્વીકારવાની શાણપણભરી માનસિકતા પર પહોંચેલી વ્યક્તિ માટે તો ઇશારો પણ કાફી છે. નાસમજ માટે તો આખી ગીતા વાંચવી પણ અર્થહીન છે.

      સમજની ભૂમિકાએ પહોંચ્યા પહેલાં એને ભાષણ આપવું પત્થર પર પાણી.   દેશી તળપદી ભાષામાં કહીએ તો...

ભેંશ આગળ ભાગવત. 

તેમનો બ્લોગ - રાજુલનું મનોજગત

--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *