- રાજુલ કૌશિક
વિદ્યાર્થીઓ, તમને ખબર છે પહેલાં અમે સ્કૂલે જતાં ત્યારે ખભે લટકાવવાની સ્કૂલબેગમાં પાઠય-પુસ્તકો, નોટ, કંપાસ અને લંચ બોક્સ લઈને જતાં. આજે અહીં જોઉ છું, તો ઘેર ઘેર બધા વિદ્યાર્થીઓ લેપ-ટોપ લઈને બેઠા હોય. એમાં જ હોમ-વર્ક કે પ્રોજેક્ટ વર્ક કરતાં હોય છે. એટલે આજે કોઈના માટે લેપ-ટોપ, કમ્પ્યુટર કે મોબાઈલનો ઉપયોગ નવાઈની વાત નથી રહી અને પછી તો ભણવાનું પતે એટલે એના સિવાય પણ બીજું કંઇને કંઇ પોતાના રસ મુજબ શોધીને જોયા કરતાં હોય છે. મારી વાત સાચી છે ને?
તો ચાલો મને કહો તો કે, કોની કોની પાસે મોબાઈલ છે ? કોણ કોણ વોટ્સેપ અને ફેસબુક પર કંઈકને કંઈક જોયા વાંચ્યા કરે છે? પણ સાથે તમને એ ય કહું કે મોબાઈલ પર પણ જે કંઇ જોઈએ કે વાંચીએ છીએ, એમાં જોક્સ કે વિડીયો ઉપરાંત પણ કંઈક સરસ મઝાની વાતો મુકાતી હોય છે. એની તો સૌને ખબર છે ખરીને? હું પણ લેપ-ટોપ પર કે મોબાઈલ પર મારી ગમતી વાતો વાંચું છું અને વિડીયો પણ જોતી હોઉં છું. આજે મેં પણ ઘેર બેઠા આવી સોશિયલ ગંગામાં ડૂબકી મારી, તો મને એમાંથી સરસ કામની વાત આજે જોવા મળી. મને તો ગમી તમને ય ગમશે.
એક કૉર્પોરેટ કંપનીના મોટા હૉલમાં કંપનીના લગભગ બધા મેમ્બરને એકઠા કરવામાં આવ્યા હતા. પ્રસંગ હતો - એ સૌને મોટિવેટ કરવાનો. હૉલમાં અર્ધ ગોળાકારે ગોઠવાયેલી બેઠક પર સૌ મોટી કંપનીને છાજે એવા સુટ-કોટ-ટાઇમાં બિરાજમાન હતા. હવે તો કૉર્પોરેટ કંપનીમાં કામ કરતા સભ્યોની માનસિક તેમજ શારીરિક સ્વસ્થતાને મહત્વ આપવાનું ચલણ અને વલણ વધતું જાય છે. ( સારી વાત છે નહીં?)
પ્રવક્તાએ( સ્પીકરે) સ્ટેજ પર આવીને માઇક હાથમાં લેતા આ પ્રસંગને અનુરૂપ પ્રસ્તાવતા બાંધી. થોડી મહત્વની વાતો કરીને સૌને એમની સાથે સાંકળી લેતા એક ઘોષણા કરી.
“આજના આ પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણા આજના આ મહત્વના કાર્યક્રમ તરફ આગળ વધતા પહેલા હું ઇચ્છીશ કે, અહીં ઉપસ્થિત સન્માનીય સભ્યો આપની જગ્યાએથી ઊભા થઈને હૉલમાં હાજર સૌ કોઈને મળે, હાથ મિલાવે અથવા એકમેકને ભેટે.”
આ માટે પાંચ મિનિટ ફાળવવામાં આવી હતી. સમય પૂરો થતા સૌ પોત-પોતાની બેઠક પર ગોઠવાયા. પછી પ્રવક્તાએ( સ્પીકરે) ફરી એકવાર માઇક હાથમાં લેતા ઘોષણા કરી.
“આપ સૌને ખાતરી છે કે આપે સૌને મળી લીધું છે? કદાચ તમારો જવાબ હશે હા. પણ હું કહીશ કે ના. કારણ આપ સૌએ મોટાભાગનાને તો મળી લીધું પરંતુ હું પણ અહીં હાજર જ હતો તેમ છતાં મને તો કોઇ મળવા આવ્યું જ નહીં. એટલું જ નહીં પણ કેટલાક એવા સભ્યો પણ હતા કે, જે પોતાની જગ્યાએ જ બેસી રહયા હતા એમને પણ કોઇ મળવા ગયું નહી. કારણ?”
હૉલમાં તો કોઇની પાસે જવાબ હતો જ નહીં.
પ્રવક્તાએ( સ્પીકરે) પોતાની વાત આગળ વધારતા કહ્યું, “કારણ માત્ર એટલું જ કે મોટાભાગના સૌ પોતાની આસપાસ સુધી જ વિસ્તરેલા હોય છે. મોટા ભાગનાને પોતાના વર્તુળથી બહાર નિકળીને અન્ય સુધી પહોંચવામાં રસ નથી હોતો. કેટલાક એવા હતા, જે પોતાની જગ્યાએથી ઊભા જ નહોતા થયા. જે ઊભા નહોતા થયા એમને સામે ચાલીને મળવા કોઇ આગળ વધ્યુ નહી.
સીધી વાત-
દોસ્તી માટે જો હાથ લંબાવીએ તો જ દોસ્ત મળી રહેશે. તાલી એક હાથે ક્યારેય વાગતી જ નથી. સંબંધો વિકસાવવા માટે અંતરથી અને અંદરથી ખુલવાની જરૂર છે. આ વાત છે અપેક્ષા વગર, આપમાંથી બહાર આવી અન્ય સુધી પહોંચવાની. સ્વથી માંડીને સર્વ સુધી વિસ્તરવાની. દરેક સંબંધને જો નફા-નુકશાનના ત્રાજવે તોળવામાં આવશે, તો શક્ય છે કે, સાચો અને સારો સંબંધ ક્યાંય પામી નહી શકીએ. ક્યારેક સ્વાર્થ વગરના પણ સંબંધ વિકસી શકે છે એવું સમજી લેવાની ય જરૂર છે.
તો ચાલો આજથી જ આપણે શરૂઆત કરીએ અને પોતાના વર્તુળમાંથી બહાર આવીને બીજાની સાથે પણ સરસ સંબંધ કેળવીએ.
હા..ત્રણે વીડિયો સરસ છે.
સ્વ થી સર્વ સુધી જવાય તો અહંથી સોહમ સુધીનો આનંદ મળે…
ખુબ સરસ વિડીઓ.