- નીલમ દોશી
દૃષ્ય - ૧
રવિભાઇ: સંજુ અને અંજુના પપ્પા.
રાધિકાબહેન: સંજુ અને અંજુની મમ્મી.
સંજુ, અંજુ: જોડિયા ભાઇ બહેન, લગભગ દસથી અગિયાર વરસની ઉમર.
શિવ: સંજુની જ ઉંમરનો છોકરો. અંધ છે.
રિયા: બહેરી, મૂંગી છોકરી ( લગભગ એ જ ઉમરની )
પાવન: લંગડો છોકરો..( દસથી અગિયાર વરસનો )
સ્થળઃ સંજુનું ઘર....મધ્યમ વર્ગનો હોય તેવો દીવાનખંડ. સામાન્ય ફરનીચર ગોઠવેલું છે.
પડદો ખૂલે છે ત્યારે સંજુ અને અંજુ બંને ભાઇ , બહેન મોટેથી કવિતા પાકી કરતાં દેખાય છે.
( મોટેથી કવિતા ગાય છે. )
ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ;
ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ.
સંજુ: અરે, અંજુ, તારે કવિતા પાકી થઇ ગઇ ?
અંજુ: મને તો આ કવિતા પહેલેથી જ આવડે છે. કેમકે મને આ કવિતા બહું ગમે છે.
સંજુ: મને તો કંટાળો આવે છે. લપ લાગે છે મને તો. થાકી ગયો કવિતા પાક્કી કરી કરીને.
અંજુ: લપ કે વગર લપ..કરવાની તો છે જ. કાલે ટીચર બધાની મોઢે લેવાના છે. યાદ છે ને? સંજુ: હા, પ્રયત્ન તો કરું છું. પણ મને કંઇ તારી જેમ કવિતા ગમે નહીં. મને તો ગણિતના દાખલા કરવાના હોય તો મજા આવે. પેલા, નિલયને કેવી મજા. તેના સર તો તેને ઘેર આવીને ભણાવી પણ જાય..અને હોમવર્ક પણ કરાવી જાય. એને છે કોઇ ચિંતા ?
અંજુ: અરે, બાબા, નિલય લાખોપતિનો દીકરો છે. આપણા મમ્મી, પપ્પા પાસે થોડા એટલા પૈસા છે ?
સંજુ: એ જ દુ:ખ છે ને ? આપણી પાસે છે શું ? નથી કાર, નથી બંગલો, નથી નોકર, નથી કોમ્પ્યુટર, નથી વિડિયો ગેઇમ, નથી સારી મ્યુઝિક સીસ્ટમ, નથી ઘણાં બધા કપડાં, નથી બૂટ મોજાના ઢગલા.
અંજુ: હા, પણ બે જોડી બૂટ તો છે. અને એમ તો કપડાં પણ કયાં નથી ?
સંજુ: હા, જે થોડા ઘણાં છે એ જ વારાફરથી પહેર્યા કરવાના. પપ્પા કહેશે એ પૂરા થશે પછી જ બીજા લેવાના. અરે, નિલયને ઘેર જઇને જુએ તો ખબર પડે કે કેટલા કપડાં અને કેટલા જોડી બૂટ મોજાથી એનાં કબાટો ભર્યા છે!
અંજુ: હા, ભાઇ, તારી વાત તો સાચી છે. પણ શું થાય ?
સંજુ: ( થોડા ગુસ્સાથી ) અને આપણે તો કંઇ પણ લેવું હોય તો બધામાં મમ્મી, પપ્પાને પૂછવાનું. ને પપ્પાની કોર્ટમાંથી મનાઇ હુકમ આવી જ જાય. આપણી પાસે વાપરવાના પૈસા પણ કયાં હોય છે કયારેય ?
અંજુ: ( થોડો વિચાર કરતાં ) હા, એ વાત ખરી છે. પણ આમ તો આપણે તો પૈસાની જરૂર પણ કયાં પડે છે ? મમ્મી ઘેરથી જ સરસ નાસ્તો લંચ બોક્ષમાં આપે જ છે ને?
સંજુ: પપ્પાને તો કહેવું જ નકામું. કંઇ પણ કહીએ એટલે ઉપદેશ થઇ જાય શરૂ. “સાદું જીવન અને ઉચ્ચ વિચાર...: ( ચાળા પાડે છે. ) પોતાને કંઇ લઇ ન દેવું પડે ને એટલે. બાકી મને બધી ખબર છે હોં. આપણા પપ્પા પાસે પણ સાવ પૈસા નથી એવું નથી જ હોં.
અંજુ: એ તો મને ખબર નથી. પણ મમ્મી, પપ્પા પાસે પણ કંઇ એટલા બધા કપડાં કે સાડીઓ નથી હોં. તેઓ પણ બહું લેતા નથી હોં.
સંજુ: કયાંથી લે ? કંજૂસ છે કંજૂસ...ન કયાંય હોટલમાં લઇ જાય કે ન પિકચરમાં લઇ જાય.
અંજુ: હા, મમ્મી હમેશાં કહેતી હોય, ‘ બહારનું ખાવાનું સારું ન હોય. અને પિકચર તો ઘેર ટી.વી. માં જોઇ લેવાય. ’
સંજુ: હા, શિખામણોનો તો પાર જ કયાં છે ? નિલયના ઘેર તો એને જે કરવું હોય તે કરે. જયારે ટી.વી. જોવું હોય, બહાર જવું હોય, બધી છૂટ. આપણે તો બધામાં નિયમો. (ગુસ્સાથી મોં બગાડે છે. )
અંજુ: નિલયના મમ્મી, પપ્પા તો ઘેર હોય છે જ કયાં ? એટલે નિલય પોતાને ગમે તે કર્યા કરે.
સંજુ: શાંતિ.! કોઇ ટકટક કરવાવાળું ઘરમાં હોય જ નહીં. આપણે તો કંઇ પણ કહીએ એટલે લેકચર ચાલુ. મને તો કયારેક એવો ગુસ્સો આવે છે કે આપણા મમ્મી, પપ્પા જ આવા કંજૂસ કેમ ?
અંજુ: આમ તો આપણા મમ્મી, પપ્પા બહુ સારા છે. મને તો બહું વહાલા છે.
સંજુ: એની કયાં ના છે ? મમ્મી, પપ્પા તો મને યે વહાલા છે જ. પણ ખબર નહીં પૈસા ખરચવાની વાત આવે ત્યારે ...
અંજુ: હા, બાકી રોજ આપણને કેવું સરસ બનાવીને જમાડે છે. બધું ઘેર બનાવી આપે જ છે ને ?
સંજુ: એ બધું સાચું. પણ કહેશે, વધારે કપડાંને શું કરવા છે ?
અંજુ: એક જોડી બૂટ, એક જોડી ચપ્પલ હોય એટલે ઘણું. બરાબર ?
સંજુ: અને કહીએ તો કહેશે કે, ‘ લોકોને પૂરું ખાવા કે પહેરવા નથી મળતું ત્યારે આપણે એવા ખોટા ખર્ચા કરાય ? બસ, તેમને તો બીજાની જ પંચાત કરવી છે. ( ગુસ્સે થાય છે. ) આપણી તો કોઇ વાત સાંભળે જ શાના?
અંજુ: મમ્મી તો મને હમેશા એમ જ કહે કે તમે તો નશીબદાર છો.
સંજુ: નશીબદાર...! ( ચાળા પાડે છે. ) બે ચાર જોડી કપડામાં નશીબદાર બની ગયા!
આગળ વાત આવતા રવિવારે