- નીલમ દોશી
દૃષ્ય - ૨
અંજુ: અને પાછી મમ્મી તો એમ પણ કહે કે પિકચર થિયેટરમાં જોઇએ કે ઘેર શું ફરક પડે? કેટલા પૈસા બચી જાય?
સંજુ: હા, બસ..એમની પાસે તો એક જ વાત.
અંજુ: અને એમ પણ કહે જ છે ને કે થમ્સ અપ કે એવા કોઇ કોલ્ડ્રીંક પીવાય જ નહીં.
સંજુ: “ લીંબુ પાણી અને છાશ જ સૌથી સારા....! ‘ ( ચાળા પાડી ને )
અંજુ: "અને સ્કૂલમાં સરખું ભણીએ તો ટયુશનની જરૂર જ ન રહે.! “
સંજુ: ‘ સખત મહેનતનો કોઇ વિકલ્પ નથી. ‘
અંજુ: “ દિવાળીમાં કે કોઇ પણ પ્રસંગે ફટાકડા ફોડીને ક્ષણિક આનંદ માટે પૈસાનો ધુમાડો કરાય જ નહીં. પર્યાવરણ પણ બગડે..અને પૈસા પણ બગડે..એના કરતાં એટલા પૈસા બચાવીને એમાંથી ગરીબ બાળકોને કંઇક લઇ આપવાનું. “
સંજુ: બસ..બસ..હવે બહુ થઇ ગયા. આ બધા મમ્મી, પપ્પાના રોજના ડાયલોગ..( મોઢું બગાડે છે.) કંજૂસ, સાવ કંજૂસ.
( ત્યાં મમ્મી, પપ્પા આવે છે. હાથમાં ઘણાં બધા બોક્ષ છે. )
મમ્મી: શું ચાલે છે બેટા, લેશન પૂરું થઇ ગયું ? કવિતા પાકી થઇ ગઇ ?
અંજુ: હા, મમ્મી, બરાબર પાકી થઇ ગઇ.
સંજુ: (રોષથી ) અને તમારા ડાયલોગનું રીહર્સલ પણ થઇ ગયું.
પપ્પા: એ વળી શું ?
સંજુ: કંઇ નહીં..એમ જ.
અંજુ: ( પપ્પાના હાથમાં રહેલ આટલા બધા બોક્ષ જોઇને પૂછે છે. ) મમ્મી, આજે આટલા બધા બોક્ષમાં શું લાવ્યા છો ? અમારે માટે નવા કપડાં ?
મમ્મી: ના, તમારી પાસે તો હજુ પૂરતા કપડાં છે જ.
(સંજુ, બહેન સામે જોઇ મોં બગાડે છે.અને ઇશારો કરે છે. )
પપ્પા: એક મિનિટ. હું હમણાં આવું છું હોં. બહાર કોઇને ઊભા રાખી ને આવ્યો છું. જરા લેતો આવું.
( પપ્પા જાય છે. )
સંજુ: બહાર કોણ છે ?
મમ્મી: ( હસી ને ) મહેમાન છે.
અંજુ: મહેમાન ? કોણ છે ? હમણાં પપ્પા આવે એટલે જાતે જ મળી લેજો.
સંજુ: મમ્મી, આ બોક્ષમાં શું છે ?
મમ્મી: એ રહસ્ય હમણાં થોડી વારમાં ખૂલશે મહેમાન આવી જાય એટલે.
સંજુ: આ આજે શું સસપેન્સ છે ?
અંજુ: મમ્મી, આ શું રહસ્ય છે ?
મમ્મી: (હસીને ) બેટા, ઇન્તઝાર કરો. ધીરજના ફળ મીઠા હોય છે.
( ત્યાં પપ્પા આવે છે. સાથે બે છોકરાં અને એક છોકરી છે. પપ્પાએ એક છોકરાનો હાથ પકડયો છે. છોકરો અંધ છે. બીજો છોકરો લંગડાતો આવે છે. સાથે એક છોકરી પણ છે. બધા લગભગ સંજુની ઉમરના જ છે. ચારે તરફ જોતાં જોતાં થોડા સંકોચાતાં અંદર આવે છે. પપ્પા તેમને ખુરશી પર બેસાડે છે. )
પપ્પા: ( સંજુ, અંજુ ને કહે છે. ) લો, આ આવી ગયા, મહેમાન.
અંજુ: પપ્પા, આ કોણ છે ?
પપ્પા: ( હસે છે. ) કહ્યું તો ખરું કે મહેમાન છે.
સંજુ: એ તો ઠીક...પણ આ લોકો કોણ છે ?
પપ્પા: તમારા દોસ્ત. જો, આનું નામ શિવ છે. ( અંધ છોકરાને બતાવે છે. ) એ જન્મથી જોઇ શકતો નથી. પણ બહુ સરસ ગાય છે. અને આ છે પાવન. તેને પોલિયો થવાથી બરાબર ચાલી શકતો નથી. પણ તે સરસ મજાની કવિતાઓ લખે છે. અને આ છે મીઠડી દીકરી રિયા. ( બતાવે છે.) તે બોલી કે સાંભળી નથી શકતી. પણ બહુ હોંશિયાર છોકરી છે. તે પેઇન્ટીંગસ બહુ સરસ બનાવે છે.
( પછી તે બાળકોને ઓળખાણ કરાવે છે. )
અને રિયા, આમનાં નામ સંજુ અને અંજુ છે. હવે તમે બધા મિત્રો. ગમશે ને તમને ? ચાલો, તમે લોકો થોડી વાર વાતો કરો. ત્યાં હું ને મમ્મી હમણાં આવીએ.
( મમ્મી, પપ્પા બંને અંદર ઘરમાં જાય છે. )
પાવન: નમસ્તે.
( ઉભો થવા જાય છે. ત્યાં અંજુ તેને બેસાડી છે. )
અંજુ: નમસ્તે. તમે નિરાંતે બેસો.
સંજુ: તમે લોકો અમારા મમ્મી ,પપ્પાને કેવી રીતે ઓળખો ?
શિવ: તમને નવાઇ લાગતી હશે નહીં ? કે અમે કોણ છીએ ? કયાંથી આવ્યા છીએ ? કયાં રહીએ છીએ ? અને અહીં કેમ આવ્યા છીએ ? બરાબર ને ?
પાવન: તમારા બધા પ્રશ્નોના જવાબ અમે આપીશું.
અંજુ: તમને લોકોને કયારેય જોયા નથી એટલે.
શિવ: તમારા મમ્મી, પપ્પા તો વરસોથી; અમે નાનકડા હતા ત્યારથી અમારી પાસે દર રવિવારે આવે છે.
સંજુ: તમારી પાસે ? કેમ ? સમજાયું નહીં.
પાવન: અમે લોકો અનાથ છીએ. અમારા જેવા અપંગ બાળકોની સંસ્થામાં રહીએ છીએ. તમારા મમ્મી, પપ્પા અમારા ત્રણેનો ભણવાનો ને બધો જ ખર્ચો આપે છે. અને દર રવિવારે અમને મળવા પણ આવે છે. અમારી સંસ્થામાં ઘણાં સારા માણસો આ રીતે એક, બે કે ત્રણ કે પોતાની શક્તિ અને ભાવના મુજબ બાળકોને આ રીતે દત્તક લે છે.
સંજુ: દત્તક લે એટલે ?
શિવ: એટલે અમે રહીએ ત્યાં સંસ્થામાં જ, પણ અમારો ભણવાનો, જમવાનો બધો ખર્ચો તમારા મમ્મી, પપ્પા આપે છે.
પાવન: ખર્ચો આપનારા તો ઘણાં છે. પરંતુ તમારા મમ્મી, પપ્પા તો દર રવિવારે અમારી પાસે આવે છે. વાતો કરે છે ને દર વખતે અમારા માટે કંઇક ગીફટ પણ લાવે છે. આ રવિવારે તેમણે અમને કહ્યું કે, હવેથી દર રવિવારે અમારે અહીં આવવાનું થોડો સમય તમારી સાથે રમવા. કે કયારેક તમે લોકો પણ અમારી સંસ્થામાં...અમારા ઘરમાં અમારી સાથે રમવા આવશો. આપણે મિત્રો બનીશું ને ?
અંજુ: ચોક્કસ.
સંજુ: આજથી આપણે મિત્રો. પણ હેં શિવ, તું જોઇ નથી શકતો તો તને દુ:ખ નથી થતું?
શિવ: પહેલાં થતું હતું. પણ હવે સ્વીકારી લીધું છે. ઇશ્વરે જે નથી આપ્યું, એ ભૂલીને જે આપ્યું છે તેનો ઉપયોગ કરતાં અમને શીખડાવ્યું છે. અને તેથી અમે આનંદથી જીવી શકીએ છીએ.
પાવન: તમને ખબર છે..આ શિવ કેટલું સરસ ગાઇ શકે છે. આ મહિને તો એ ટી. વી. પર પણ ભજન ગાવા જવાનો છે.
સંજુ: અરે, વાહ !
શિવ: અને આ પાવન સરસ કવિતા, વાર્તા બધું લખે છે. અને આ અમારી મીઠડી બહેન રિયા તેના પેઇન્ટિંગનું તો હમણાં એકઝીબીશન થવાનું છે. તે બોલી કે સાંભળી નથી શકતી; પણ સમજી બધું શકે છે. રિયા પાસે જઇ તેને ઇશારાથી...હોઠ ફફડાવીને કહે છે.
( રિયા પોતે સમજી ગયાનો સંકેત કરે છે. )
સંજુ: એ તમારી બહેન છે ?
પાવન: અમારે અનાથને વળી સગાં ભાઇ બહેન કેવા ? પણ અમે ભાઇ બહેનથી પણ વિશેષ સ્નેહથી રહીએ છીએ.
સંજુ: ( રિયા પાસે જઇને ) રિયા, આજથી તું અમારી પણ બહેન.
રિયા: ( ખુશ થઇ સંજુનો હાથ પકડી પોતાની લાગણી વ્યકત કરે છે. )
અંજુ: ( શિવ અને પાવન પાસે જાય છે. ) અને આજથી આપણે બધા સાચા મિત્રો. શિવ અંજુના ચહેરા પર હાથ ફેરવે છે. સ્પર્શથી ઓળખવાનો પ્રયત્ન કરે છે.