વાત અમારા સેસારની

   -   શૈલા મુન્શા

 હાથી ભાઈ તો જાડા,
લાગે મોટા પાડા,
આગળ ઝૂલે લાંબી સૂંઢ,
પાછળ ઝૂલે ટૂંકી પૂંછ!

     આ બાળગીતની પંક્તિ અમારા સેસારને જોઈ સહજ જ યાદ આવી જાય.

      સેસાર સદાય હસતો ને ગોળમટોળ મેક્સિકન છોકરો. હાથીભાઈની જેમ ડોલતો ડોલતો ચાલે. બે વર્ષ અમારા PPCD(Pre-primary children with disability) ક્લાસમાં રહ્યો. આ ક્લાસના બધા છોકરા માનસિક રીતે પછાત નથી હોતા. ઘણા બોલતા મોડા શીખે અથવા થોડો વર્તણુક ને તોફાન નો પ્રશ્ન હોય.

    સેસાર જ્યારે ત્રણ વર્ષ ની ઉંમરે ક્લાસમાં આવ્યો ત્યારે એક ઘડી ખુરસી પર બેસે નહિ, ટેબલ નીચે ભરાઈ જાય કે પછી આખા રૂમમાં દોડાદોડી. વાચા પણ ખુલી નહોતી. અંગ્રેજી જરાય સમજે નહિ. ઘરેથી સાથે લાવેલું રમકડું જો એની પાસેથી લઈ લઈએ તો રડીને, ચીસાચીસ કરીને આખો ક્લાસ માથે લે.

    ધીરે ધીરે અમારી મહેનત રંગ લાવી. તોફાનો થોડા કાબુમાં આવ્યા. ક્લાસની રીતભાત પ્રમાણે વર્તતાં શીખ્યો. બોલતાં શીખ્યો. સવારે ક્લાસમા આવે ત્યારે બધાને  એટલા લહેકા થી કહે ” Good Morning”

       પાંચ વર્ષનો આ નટખટ સેસાર એના નિર્દોષ હાસ્યથી આપણો ગુસ્સો ભુલાવી દે. બધા સાથે તરત દોસ્તી કરી દે. એની પ્રગતિ જોઈ એને અમે ૮.૦૦ થી ૧૨.૦૦ નિયમિત છોકરાઓના ક્લાસમાં મોકલવાનું શરૂ કર્યું. ચપળ એટલો કે બધાની ખબર રાખે અને ક્લાસમાં કાંઈ પણ નવુ દેખાય તો એની નજરે તરત ચઢી જાય.

    હમણાં અમારા ક્લાસમાં ટ્રીસ્ટન કરીને નવો છોકરો થોડા દિવસથી આવ્યો છે. પહેલે દિવસે જ સેસાર બાજુના ક્લાસમાંથી પોતાનો કલર બોક્ષ લેવા આવ્યો અને ટ્રીસ્ટન ને જોઈને કહે “આ શું છે?” આ કોણ છે કહેવાને બદલે જાણે કોઇ અચરજની વસ્તુ જોઈ હોય એવો એનો ભાવ હતો.

     ગયા અઠવાડિયાથી સેસાર ઘણો માંદો હતો. લગભગ પાંચેક દિવસ પછી એ સ્કુલમાં આવ્યો. સવારે મેં એને બસમાંથી ઊતરતા જોયો હતો. માંદગીને લીધે સૂકાઈ ગયો હતો. ગોળમટોળ ચહેરો નાનો થઈ ગયો હતો, પણ એનુ હાસ્ય એવું જ સુંદર હતુ.

     સવારે તો એ સીધો બાજુના ક્લાસમા જતો રહ્યો જ્યાં રોજ સવારે જાય, પણ બપોરે જેવો ક્લાસમાં આવ્યો કે, તરત મને વળગીને કહે “હાય મીસ મુન્શા Happy Valentine’s day.”

     આજે તો ૧૬મી તારીખ થઈ અને વેલેન્ટાઇન તો ૧૪મી તારીખે હતો પણ કેવી એની યાદશક્તિ! સાથે સાથે મને કહે હું બધા માટે સ્પાઈડર મેન ના ગીફ્ટ કાર્ડ પણ લાવ્યો છું.
કેટલી એ બાળકને આ દિવસ ઉજવવાની તાલાવેલી. આ દિવસ પ્રેમનો દિવસ ગણાય છે.
મારા માટે સેસારની એ વહાલભરી બાથ થી મોટો કોઈ વેલેન્ટાઈન નથી. 

     બે વર્ષમાં તો એણે એટલી પ્રગતિ કરી કે, ઊઘડતી સ્કૂલે અમે એને  એને રેગ્યુલર કિંડર ના ક્લાસમા મોકલ્યો. અને  એની બહેન પણ આ વર્ષે સ્કુલ મા Pre-K માં દાખલ થઈ.
ગઈકાલે અમારી સ્કુલમા ઓપન હાઉસ હતું. સ્કુલ ખુલે લગભગ મહિનો થયો એટલે મા બાપ ટીચર ને મળવા આવે અને પોતાના બાળક ની પ્રગતિ વિશે જાણે, સલાહ સૂચન મેળવે.

     અમે અમારા ક્લાસમાં અમારા વાલીઓ સાથે વાત કરતાં હતા,  ત્યાં જાણે તુફાન મેલ ધસી આવ્યો હોય તેમ, સેસાર ધસી આવ્યો, આવી ને મને જોરથી વળગી પડ્યો. એનો એ જ લહેકો ને એ જ હસતો ગોળમટોળ ચહેરો “Hi Ms Munshaw!” કહેતાં તો તુફાન મેલની જેમ કંઈ કેટલાય સવાલો ને કેટલી વાતો એનુ અડધું સ્પેનિશ ને અડધા અંગ્રેજીમાં બોલી કાઢ્યું. ક્લાસમાં નવા ટીચરને જોઈ કહે, "મીસ મેરી ક્યાં છે? આ કોણ છે?" મારો હાથ પકડી મને કહે, "ચાલો તમને મારી બેન પાસે લઈ જઉં."

     પોતે મોટો ભાઈ અને આ સ્કુલ  જાણે એની પોતાની હોય  એવી બહાદુરી એ બેન પાસે બતાડવા માંગતો હતો. એની મમ્મી ને મળી તો મને કહે સેસાર તમને ખુબ યાદ કરે છે. ઘરમાં પણ દરેક વાતમાં ક્યાંક ને ક્યાંક તમારો ને મેરી નો ઉલ્લેખ આવે જ. હું તો જોતી જ રહી ગઈ. 

     બે વર્ષ પહેલાનો સેસાર મને યાદ આવી ગયો. જરા સરખી લાગણીની આ બાળકો કેટલી મોટી કિંમત આપે છે, એક નમણું હાસ્ય કે બાથમા જકડીને વરસતું વહાલ.

તેમનો બ્લોગ અહીં....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *