સ્વયંસિદ્ધા – ૯

    -    લતા હીરાણી

 ‘ક્રેઇન’ બેદી

      ૧૯૮૨માં નવી દિલ્હીમાં એશીયાઈ રમતોત્સવ યોજાયો હતો. સમગ્ર દિલ્હીમાં આ રમતોત્સવની જોરશોરથી તૈયારીઓ ચાલતી હતી. એશિયાભરના ખેલાડીઓ તથા દેશ-વિદેશના અનેક મહાનુભાવો આ રમતોત્સવમાં આવવાનાં હતાં. દિલ્હી શહેર દેશ-વિદેશના ખેલાડીઓ,અગ્રણી મહેમાનો, મહાનુભાવો અને દર્શકોને કારણે છલકાઈ જવાનું હતું. આ બધાને પહોંચી વળવા માટે દિલ્હીની ટ્રાફિક વ્યવસ્થા મોટે પાયે વધારવી પડે. ટ્રાફિક વ્યવસ્થાનું કામ કિરણ બેદીને સોંપવાનું આવ્યું અને કિરણ બેદીએ વાહનવ્યવહાર ખાતાના નાયબ પોલીસ કમિશનર તરીકે કામગીરી સાંભળી.

      દિલ્હીનો ટ્રાફિક એટલે માતેલો સાંઢ. એને નાથવો કપરો. એની વ્યવસ્થા કરવી અઘરી. ભલભલા નિષ્ઠાવાન અધિકારીઓ પણ ખાસ અસરકારક પરિણામ બતાવી શક્યા નહોતા.

      પ્રજામાં ટ્રાફિક અંગેની શિસ્તનો સંપૂર્ણ અભાવ હતો. આમેય ટ્રાફિકની શિસ્ત આપણા દેશમાં ક્યાંય જોવા મળતી નથી. પછી એ પાટનગર દિલ્હી હોય કે મહાનગર અમદાવાદ!

     પ્રજાની અશિસ્ત અને વહીવટીતંત્રની શિથિલતા ઉપરાંત દિલ્હી માટે એક ત્રીજી પણ સમસ્યા હતી. દિલ્હી શહેર ભારતની રાજધાની છે. દેશના ટોચના નેતાઓ, પ્રધાનો અને ઉચ્ચ કક્ષાના અમલદારો દિલ્હીમાં રહે. આમાંના કેટલાક કાયદાને માન આપે નહીં. સામાન્ય પ્રજાજનનું જે થવાનું હોય તે થાય પરંતુ આવા અધિકારીઓ પોતાની વિશેષ સવલતો મેળવવા માટે ખાસ આગ્રહી. તેઓ નિયમપાલનની એસીતેસી કરીને વર્તે. દિલ્હીના ટ્રાફિકની આ હતી ત્રીજી સમસ્યા.

      આવી પરિસ્થિતિમાં કિરણ બેદીએ નાયબ પોલીસ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો. એમની કાર્યશૈલી અનોખી હતી. ઉપરછલ્લી કોઈ વાત નહીં. તેઓ માનતા કે દરેક કાર્યના મૂળમાં ઊંડા ઊતરવું જોઈએ. એને પૂરેપૂરું સમજીને આગળ વધવું જોઈએ. આ અંગે જે કઇ કરવું પડે એ કરવું જોઈએ. ટ્રાફિક નિયમનનું કામ સમજવા રસ્તા પર ફરવું પડે. એરકંડીશન્ડ ઓફિસમાં બેસી ફાઈલો જોઈ નિર્ણયો ન લેવાય. તાપમાં ફરીને પરસેવો પાડવો પડે ત્યારે ટ્રાફિક વ્યવસ્થા અંગે પૂરો ખ્યાલ આવે.

     એમણે અધિકારીઓને બોલાવ્યા. પોતાના વિચાર અને કામ કરવાની પદ્ધતિ સમજાવ્યાં. ચર્ચા કરીને એમણે સહુને વિશ્વાસમાં લીધાં. અધિકારીઓ કિરણ બેદીની કાર્યશૈલીથી  પ્રભાવિત થયાં.

     એક નાની બસમાં કિરણ બેદીએ હરતી-ફરતી ઓફીસ બનાવી. પોતે જીપમાં બેસીને રાઉન્ડ પર નીકળે. અધિકારીઓ સાથે સાથે જુદા જુદા સ્થળે ફરે. ટ્રાફિકની અવ્યવસ્થાવાળા અને ગીચ વિસ્તારોમાં ફરીને બરાબર નિરીક્ષણ કરે. ટ્રાફિક સમસ્યાઓનાં કારણો તપાસે અને નિવારણો વિચારે. ત્યારબાદ ઓફિસમાં બેસી સૌની સાથે ચર્ચા કરી નિર્ણયો લે.

     કર્મચારીઓની એક મુશ્કેલી હતી. ટ્રાફિકના નાના ગુના પર કાર્યવાહી બહુ લાંબી ચાલતી. નાની સરખી ભૂલ માટે પણ પળોજણનો પર નહીં. ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વ્યક્તિને સ્થળ પર ચલન આપવામાં આવતું. પછી એની વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય. કોર્ટમાં કેસ ચાલે અને ત્યારબાદ નિયમભંગ કરનારને સજા થાય.

       આમાં એવું બનતું કે દંડ કરતાં આ લાંબી પ્રક્રિયામાં વધુ ખર્ચ થતો અને સમય જતો. વાહનચાલક આરોપી ઘણી વાર છૂટી જતો. આમ કીડીને મારવા માટે તોપ ફોડવા જેવો ઘાટ થતો.

      ક્યારેક માથાભારે વ્યક્તિ પોલીસની નજર સામે જ ચલન ફાડીને ફેંકી દેતો. આવે સમયે પોલીસ કર્મચારીની સ્થિતિ લાચાર બની જતી.આ બધાંને કારણે કર્મચારીઓનો કામ કરવાનો ઉત્સાહ ઘટી જતો. કર્મચારીઓની આ મુશ્કેલીઓનો કિરણ બેદીએ આગવી રીતે ઉકેલ આણ્યો. એમણે સ્થળ પર જ ફરિયાદનો નિકાલ થાય એવી વ્યવસ્થા ગોઠવી. નિયમભંગ કરનારને સ્થળ પર જ ચલન આપી દેવાતું અને ત્યાં જ એની પાસેથી દંડ વસૂલ કરાતો. આને કારણે આખી કાર્યવાહી સરળ બની.

      કિરણ બેદી સવારમાં પાંચ વાગે ઉઠી જતા. છથી સાત દરમિયાન તેઓ ઓફિસનું કામ જોઈ લેતાં. સ્ટાફને આપવાની તમામ સૂચનાઓ તેઓ રેકર્ડ કરાવી દેતાં. આઠ વાગતાં જ તેઓ લાઉડસ્પીકરવાળી પોતાની ગાડીમાં દિલ્હીના માર્ગો પર ઘૂમવા લાગતાં. જ્યાં જ્યાં જે જે સુધારાઓની જરૂર લાગે એની નોંધ કરતાં રહેતાં. પોતાના કર્મચારીઓ બરાબર ફરજ બજાવે છે કે નહીં એની તપાસ કરતાં રહેતાં. દિલ્હીમાં વાહન ચલાવનારાઓને રોજ ક્યાંક કિરણ બેદીનાં દર્શન થતાં રહેતાં અને એમાં જો કોઈએ નિયમભંગ કર્યો તો એનું આવી બન્યું !

    એશીયાઇ રમતોત્સવ પહેલાં કિરણ બેદીને ટ્રાફિક નિયમનની કામગીરી સોંપાઈ અને એ પછી એમને આ અંગે તાલીમ લેવા જવા માટે પરદેશથી ઘણાં આમંત્રણો આવવા માંડ્યાં. પરદેશ જવાની આટલી બધી તકો હતી પરંતુ કિરણ બેદીની રગરગમાં પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા ભરી હતી. એમણે પૂરા વિનય સાથે પરદેશનાં તમામ આમંત્રણોનો અસ્વીકાર કર્યો. એશીયાઇ રમતોત્સવ વખતે ટ્રાફિકની વ્યવસ્થા અડચણ વિના સારી રીતે જળવાઈ રહે એ માટે તેઓ કૃતનિશ્ચયી હતાં.

     કેટલાક વરિષ્ઠ અધિકારીઓ એવું ઇચ્છતા હતા કે કિરણ બેદી પરદેશ જાય. જેથી કોઈ અવ્યવસ્થા થાય તો દોષનો ટોપલો તેમની માથે ઢોળી શકાય, પરંતુ કિરણ બેદી આ બધું બરાબર સમજતાં હતાં. કોઈની ખોટી ચાલમાં ફસાય એમ નહોતાં.

     ગાડીઓ ખોટી જગ્યાએ પાર્ક કરી દેવાની લોકોની આદત ટ્રાફિક વ્યવસ્થા કરનારાઓ માટે અને બીજા લોકો માટે પણ માથાના દુખાવા સમાન બની રહે છે. કિરણ બેદીએ શરૂઆતમાં લોકોને પૂરી ચેતવણી આપી દીધી પછી મોટી મોટી ક્રેઈનો (ઊંટડા) મંગાવી લીધી. કાયદાનો ભંગ કરી ખોટી જગ્યાએ વાહન પાર્ક થયેલું દેખાય એટલે ટ્રાફિક કર્મચારીઓ ક્રેઇન દ્વારા ખેંચી એને નજીકના પોલીસથાણે પહોંચાડી દેતા. દંડ ભર્યા પછી જ આવું વાહન પાછું મેળવી શકાતું. પોલીસ કર્મચારીઓ અને આમજનતા બંને માટે આ પદ્ધતિ ઘણી અસરકારક સાબિત થઈ. ટ્રાફિકની સમસ્યા ઘટી, વ્યવસ્થા વધી અને દિલ્હીની જનતાએ કિરણ બેદીને એક નવું નામ આપી દીધું,

‘ક્રેઇન બેદી’.

માહિતી વિકિપિડિયા પર આ રહી.

--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *