પદ્મશ્રી રવિન્દ્ર કોલ્હે

સાભાર - શ્રીમતિ અંજના શુકલ 

બે રુપિયાની ફી લેતો ડોકટર બન્યો પદ્મશ્રી 


     ૧૯૮૫માં રેલ્વેમાં કામ કરતા દેવરાવ  કોલ્હે નાગપુર મેડિકલ કોલેજમાં ડોકટરી શિખતો પુત્ર રવિન્દ્ર ડોકટર બનીને પોતાના ગામમાં દવાખાનું શરુ કરે તેની રાહ જોતાં હતા ! 
રવિન્દ્ર તેના મેડિકલના પુસ્તકો સાથે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેના પુસ્તકો પણ વાંચતો હતો અને મનોમન ગરીબોની સેવા કરવામાં જીવન ખર્ચી નાંખવાનું નક્કી કરતો હતો.  
      ગરીબો તો ઠેર ઠેર મળી રહે પણ કયા કેવા ગરીબોની સેવા કરવી તે રવિન્દ્ર નક્કી કરી શકતો ન હતો. તે ગાળામાં રવિન્દ્રના હાથમાં David Werner નામના લેખકનું Where There Is No Doctor નામનું પુસ્તક આવ્યું તેના કવરપેજ પરના ફોટામાં ચાર માણસ એક બિમારને ઉપાડીને લઈ જતા હતા અને કેપ્શનમાં લખ્યું હતું Hospital 30 Miles Away. આ પુસ્તકે રવિન્દ્રને સેવા કયા કરવી તે બતાવી દીધું. 

     ડોકટર બન્યા પછી રવિન્દ્ર અમરાવતીથી ટ્રેનમાં હરિસલ પહોંચ્યો અને ત્યાંથી ૪૦ કિ.મીટર ચાલીને બેરાગર  પહોંચ્યો. બેરાગરમાં પ્રાથમિક સારવારનું દવાખાનું શરુ કર્યા પછી રવિન્દ્રને ખ્યાલ આવ્યો કે માત્ર એમબીબીએસના અભ્યાસથી અહીં 
સેવા થઈ શકે તેમ નથી તેથી રવિન્દ્રે ફરી અભ્યાસ ચાલુ કરી MDની ડિગ્રી હાંસલ કરી અને સાથે સાથે મેટરનીટી,સર્જરી એકસ રે અને સોનોગ્રાફીની ટેકનીક પણ શીખી લીધી.

      બેરાગર પરત જતાં અગાઉ સાથે કોઈ સાથીદારને લઈ જવાનો વિચાર આવતા ડો.રવિન્દ્રે જીવનસાથીની પસંદગી શરુ કરી. જીવનસંગિની બનવા માટે ડો.રવિન્દ્રની ચાર શરત હતી - 
૧) જરુર પડતા ૪૦ કિલોમિટર ચાલવાની તૈયારી હોવી જોઈએ 
૨) પાંચ રુપિયામાં રજીસ્ટર લગ્ન કરવાની તૈયારી હોવી જોઈએ 
૩) દર મહિને માત્ર રુ૪૦૦માં ઘર ચલાવવાની તૈયારી હોવી જોઈએ 
૪) જરુર પડે તો ગરીબોને સેવા કરવા ભીખ માંગવાની તૈયારી હોવી જોઈએ 

     આવી અઘરી શરતો પાળવા કોણ તૈયાર થાય? એક સો કન્યાઓ તૈયાર થઈ નહી રવિન્દ્રની આશા પણ તુટવા લાગી ત્યાંજ એક શહેરમાં સારી એવી પ્રેકટીસ કરતી ડો.સ્મિતાએ તૈયારી બતાવી. ડો.રવિન્દ્ર અને ડો.સ્મિતા મેરેજ રજીસ્ટર કરાવીને બેરાગર ઉપડી ગયા. 
        વરસો સુધી માત્ર બે રુપિયાની ફીથી બેરાગરવાસીઓને સારવાર કરી તો બેરાગરવાસીઓ તેમના પશુઓની દવા કરવાની માંગણી પણ કરવા માંડ્યા તો ડો. રવિન્દ્ર વેટેનરી પુસ્તકોનો અભ્યાસ કરીને ગામના પશુઓના પણ ડોકટર બની ગયા પછી ખેડુતોને સારી ખેતી કરવાનું શિખવાડવા માટે એગ્રિકલ્ચરના પુસ્તકો વાંચી ગામના ખેડુતોને આધુનિક ખેતી કરતા કર્યા. 

    એક વખત એક મંત્રી બેરાગર પહોંચી ગયા અને ત્યાં ડો.રવિન્દ્રને ઝુંપડામાં રહેતા જોઈ તરત જ પાકું મકાન બાંધી આપવાનો વાયદો કરવા લાગ્યા તો ડો.સ્મિતાએ જણાવ્યું કે અમારે મકાનની જરુર નથી,રોડ બનાવી આપો ઈલેક્ટ્રિક લાવી આપો. 

     મંત્રીજી વાયદા પુરા કરે તેવા હોવાથી આજે બેરાગરમાં રોડ અને વિજળી પહોંચી ગઈ છે.

       ૩૭ વરથી નિસ્વાર્થ સેવા કરતાં ડો.રવિન્દ્ર કોલ્હેને આ વરસે સરકારે પદ્મશ્રી એવોર્ડ આપીને સન્માન કર્યું. યુવાન વયે ગાંધી વિચાર પચાવી જનાર ડો.રવિન્દ્ર બેરાગર ગામના લોકો માટે તો ગાંધી જેવા મહાત્મા જ છે. 

        ડો.રવિન્દ્ર અને ડો. સ્મિતા આદિવાસી વિસ્તારના બદલે શહેરના વિસ્તારમાં ડોકટરી કરી હોત તો આજે બંગલામાં રહેતા હોત, સારુ ખાતા પીતા અને પહેરતા પણ હોત. પરંતુ હજારો મેડિકલ વિધાર્થીઓને ના સુઝે તે જ ડો.રવિન્દ્રને સમજાય !

     ડો.રવિન્દ્રને પદ્મશ્રી બન્યાના અભિનંદન આપવા કરતાં તેમના ગાંધીમય જીવનને ધન્યવાદ આપવાનું મન થાય છે. સાથે સાથે તેમની પત્ની ડો.સ્મિતાને પણ શત શત વદંન કરવાનું દિલ થાય છે. 

ડો. ટકવાનીના  મૂળ લેખ પર અહીં

On .Milaap

--
--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *