- નિરંજન મહેતા
ઉપરનું ચિત્ર જાણીતી ફેશન બ્લોગર (Kyrzayda Rodriguez) ક્યાર્ઝાયદા રોડ્રીગઝનું છે. ડોમિનિકન અને ઇટાલિયન પિતા અને માતાનું સંતાન આ મહિલા અમેરિકા સ્થિત હતી અને તે પોતાના બ્લોગ દ્વારા શારીરિક સ્વસ્થતા (Fitness), પ્રવાસન (Travel) અને સુંદરતા (Beauty) વિષેનાં વીડિઓ મુકતી હતી. તે ઇન્સ્તાગ્રામ અને ટ્વીટર પર બહુ જાણીતી હતી અને દુનિયાભરમાં તેના અનેક ફોલોવાર હતાં.
જ્યારે તેને ખબર પડી કે તેને પેટનું કેન્સર છે અને તે પણ ચોથા તબક્કાનું ત્યારે વિના સંકોચ તેણે પોતાના બ્લોગ પર આ વાત જાહેર કરી અને પોતાની કષ્ટદાયક પરિસ્થિતિમાં પણ પોતાના બ્લોગ પર દરરોજ ઉપર જણાવેલ ત્રણ વિષયોને લગતા વીડિઓ મુકવાનું મૃત્યુ પરંત ચાલુ રાખ્યું.
લગભગ એક વર્ષની બીમારી બાદ ૪૦ વર્ષની યુવા વયે તે મૃત્યુ પામી ત્યારે આ અત્યંત ધનાઢ્ય મહિલાએ મૃત્યુ પહેલા એક અત્યંત સંવેદનશીલ નિવેદન આપ્યું હતું જે વાસ્તવિક અને ધ્યાન લેવા જેવું છે. તેણે જણાવ્યું હતું કે,
- મારા ઘરની બહાર એક નવી મોટરકાર ઊભી છે જે મારી આ સ્થિતિમાં કશું કરી શકે તેમ નથી.
- મારી પાસે દરેક પ્રકારના ડીઝાઈનર કપડાં છે, પગરખાં અને બેગો છે પણ તે પણ મારા માટે કશું કરી શકે તેમ નથી.
- મારા બેંકના ખાતામાં પુષ્કળ પૈસો જમા છે પણ તે પણ મારા કામમાં આવે તેમ નથી.
- મારી પાસે એક સંપૂર્ણ અદ્યતન સગવડોવાળું ઘર પણ છે પણ તે હવે મારા માટે કોઈ કામનું નથી કારણ હું હાલમાં હોસ્પીટલના એક મોટા જોડિયા ખાટલામાં સુતી છું.
- એમ તો હું ધારૂં તો ગમે ત્યારે હવાઈસફર કરી શકું પણ હવે તે વ્યર્થ છે.
હું એ કહેવા માંગુ છું કે તમારી પાસે ભલે કોઈ વસ્તુ ન હોય અને તે માટે તમને કોઈ કાંઈ કહે તો તે માટે ખરાબ ન લગાડતાં. તેને બદલે તમારી પાસે જે વસ્તુઓ છે તેનાથી સંતોષ પામો, જો તમારા માથે છત હોય તો ક્યા પ્રકારનું ફર્નીચર છે તે ભૂલી જાઓ.
જીવનમાં મહત્વની ચીજ છે પ્રેમ. તમારી પાસે જે છે તેને ચાહો અને તેને જાળવી રાખો. કારણ તે હમેંશા તમારી પાસે નહીં રહે અને જ્યારે તમને તેની જરૂર હશે ત્યારે તે કોઈ અન્ય સ્થળે જતું રહ્યું હશે.