- રાજુલ કૌશિક
સમયની સાથે તાલ મેળવવાની કે જે તે ક્ષેત્રમાં ટકી રહેવાની મહત્વાકાંક્ષા પરિપૂર્ણ કરવા માટે કેટલી માનસિક સજ્જતા રાખવી પડે - એનાથી આજે કોણ અજાણ છે? કેટલાક એવા છે જેમના પર પોતાના સપના સાકાર કરવાની ભરચક જવાબદારીઓ છે; અને એને પહોંચી વળવાની મથામણના લીધે માનસિક તાણ અનુભવે છે.
તો કેટલાક એવા ય છે જેમની પાસે કલ્પના કરતાં ય વધુ સમૃદ્ધિ છે, સાત પેઢી ખાય તો ય ન ખૂટે એવા ધન ભંડાર ભરેલા છે ત્યારે એમને સમય અને પોતાની શક્તિનો ક્યાં ઉપયોગ કરવો એની મથામણ છે.
એવા જ એક ધનાઢ્ય પરિવારની મહિલા માનસચિકિત્સક પાસે પહોંચી. અત્યંત મોંઘા અને બ્રાન્ડેડ વસ્ત્રોમાં સજ્જ એવી મહિલાને પોતાને એવું લાગતું હતું કે, એનું જીવન અર્થહિન છે. કોઇ ધ્યેય વગરના જીવનને લીધે એ અત્યંત નાસીપાસ થઈ ગઈ હતી. નાસીપાસ થયેલી વ્યક્તિને ક્યાં ભગવાન યાદ આવે અથવા મનોચિકિત્સક યાદ આવે.
મનોચિકિત્સક એટલે તો ખબર છે ને? તન માંદુ હોય તો તનના ડૉક્ટર પાસે જઈએ; એવી રીતે મન માંદુ હોય તો મનના ડૉક્ટર પાસે જવું પડે ને? અને હા! મન માંદુ એનો અર્થ એ નહીં કે ગાંડપણની અવસ્થા પણ મન અસ્ત-વ્યસ્ત રહેતું હોય, મનની સ્થિતિ ડામાડોળ હોય. મનમાં આડા-અવળા વિચારોના લીધે કશું ગમતું ના હોય એવી સ્થિતિ.
હવે મનોચિકિત્સકો શું કરે? સૌથી પહેલાં તો એ પેશન્ટની પુરેપુરી વાત શાંતિથી સાંભળે. એની તકલીફોને સમજે એટલે આ કેબિનમાં માનસચિકિત્સક પાસે આવતી વ્યક્તિ એની બધી વાત કરી લે ત્યાં સુધી માનસચિકિત્સકે શાંતિથી એ મહિલાની વાત સાંભળી લીધી. ત્યાર બાદ ડૉક્ટરે એમની ઓફિસ સાફ કરતી બાઇને બોલાવી. ધનાઢ્ય મહિલાને કહ્યું કે, "હું ઇચ્છું છું કે કોઇપણ ટ્રીટમેન્ટ ચાલુ કરું એ પહેલા આની વાત સાંભળી લો."
કામ કરતી બાઇએ પોતાના હાથમાંથી સફાઇનાં સાધનો એક બાજુ મૂક્યા અને વાત માંડી. હવે પૈસાપાત્ર વ્યક્તિને ઓફિસ સાફ કરતી વ્યક્તિની વાત સાંભળવી પડે એ ગમે? પણ ડૉક્ટર પાસે આવ્યા એટલે ડૉક્ટર જે કહે એ પ્રમાણે કરવું તો પડે જ ને? એટલે એણે ઓફિસ સાફ કરતી બાઈને પોતાની વાત કરવા હા પાડી.
એ બાઈના કહેવા પ્રમાણે એનો પતિ થોડા સમય પહેલા કેન્સરથી બિમારીમાં ઝઝૂમીને મૃત્યુ પામ્યો હતો. એનો દિકરો કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. હવે એની સાથે કોઇ નહોતું, એની પાસે કશું જ નહોતું. આ બેવડા આઘાતના લીધે એ એવી તો સન્ન થઈ ગઈ હતી કે એના કહેવા પ્રમાણે રાતે એ સૂઇ પણ શકતી નહોતી, ખાવાની પણ સૂધ રહી નહોતી. એ સ્મિત કોને કહેવાય એ ભૂલી ગઈ હતી. જીવવા માટે કોઇ કારણ નહોતું. અત્યંત હતાશાએ એને ઘેરી લીધી હતી અને પરિણામે એને પોતાના જીવનનો અંત આણવાની ઇચ્છા થઈ આવતી.
પછી એક દિવસ એવું બન્યું કે એ ઘેર પાછી વળતી હતી ત્યારે બિલાડીનું એક નાનકડું બચ્ચુ એની પાછળ પાછળ એના ઘર સુધી આવી ગયું. “ કોને ખબર કેમ પણ મને એ બચ્ચાની દયા આવી ગઈ." - એ બાઇએ પોતાની વાત માંડી. "બહાર સખત ઠંડી હતી એટલે મેં એને ઘરની અંદર લીધું. એક પ્લેટમાં થોડું દૂધ ભરીને એની પાસે મુક્યું. બચ્ચાએ પળવારમાં બધુ દૂધ ચાટી પ્લેટ સફાચટ કરી દીધી પછી એ મારા પગ પાસે બેસીને મારા પગને ચાટવા માંડ્યુ. કેટલાય સમય પછી મારા ચહેરા પર સ્મિત ફરક્યું. એ પછી મને વિચાર આવ્યો કે જો આટલા નાના બચ્ચા માટે આટલું અમસ્તું કર્યું તો મને મારું ખોવાયેલું સ્મિત પાછું મળ્યું તો વધારે લોકો માટે જો કંઇ કરી શકું તો કદાચ મારા મનને વધુ આનંદ મળશે. એટલે બીજા દિવસે મેં થોડા બિસ્કિટ બેક કર્યા અને મારા પાડોશી જે કેટલાક સમયથી પથારીમાં હતા એમના માટે લઈને ગઈ. કોઇક છે જે તમારી પરવા કરે છે એ વિચારથી એ રાજી થયા. એમનો રાજીપો જોઇને મને પણ આનંદની સાથે સંતોષ થયો. તે દિવસથી હું અન્ય કોઇ માટે કંઇ સારુ કરવાનો પ્રયત્ન કરું છું, કોઇને પણ મારાથી બની શકે એટલી મદદ કરવા પ્રયત્ન કરું છું અને એના લીધે એમને ખુશ જોઇને મને પણ ખુશી મળે છે. આજે મને લાગે છે કે મારાથી વધારે સારી ઊંઘ ભાગ્યેજ કોઇને આવતી હશે. અન્યને ખુશી આપવાથી આનંદ શું છે એ મને સમજાયું છે. આજે મને મારા જીવવાનો મતલબ સમજાયો છે.”
બાઇએ પોતાની વાત પુરી કરી અને એની વાત સાંભળીને પેલી શ્રીમંત મહિલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.એને સમજાયું કે, એની પાસે દુનિયાભરની એ તમામ ભૌતિક વસ્તુઓ હતી - જે એ પૈસા ખર્ચીને ખરીદી શકતી હતી. પણ એણે જે ખોયું હતું એ દુનિયાભરનો પૈસો ભેગો કરીને પણ ખરીદી શકે એમ નહોતી.
સીધી વાત-
આપણે કેટલા ખુશ છીએ એના પર જીવનની સાર્થકતા નિર્ભર નથી પણ આપણા થકી બીજા કેટલા ખુશ થઈ શકે છે એમાં જીવનની સાર્થકતા છે. પ્રસન્નતા એ મંઝિલ નથી પણ એક સફર છે કે જેમાં આપણે જેટલાને સામેલ કરી શકીએ સુખ એટલું બેવડાય છે. સુખની સફરને કાલ પર નિર્ભર ન રાખી શકીએ. એ તો આજે જ, આ ક્ષણથી શરૂ થવી જોઇએ. પ્રસન્નતાનો પ્રવાસ અન્ય કોઇ સમય પર અવલંબિત ન રાખતા આજથી – આ ક્ષણથી અમલમાં મુકવાનો પ્રયાસ છે- પ્રસંગ છે. તમારી પાસે શું છે એના કરતાં તમે શું કરી શકો છો એમાં પ્રસન્નતા સમાયેલી છે.