- નિરંજન મહેતા
આગ લાગે ત્યારે કૂવો ન ખોદાય
આ કહેવતનો અર્થ છે કે, કોઈ પણ બિના બનવાની હોય તેની જાણ હોય તો તે બિના બનવાની રાહ ન જોતા તેનો સામનો કરવાની પૂર્વ તૈયારી કરવી જરૂરી છે.
અગાઉના વખતમાં ગામડાં હતા ત્યાં પાણી માટે કૂવો ખોદેલો રહેતો. હવે જ્યારે ક્યારેય પણ ગામમાં ક્યાંય આગ લાગે તો તે બુઝાવવા પાણીની જરૂર પડે - જે નજીક્ના કૂવામાંથી લેવાતું. 'આગ લાગશે ત્યારે તે માટે કૂવો ખોદશું.' એ મુર્ખામી છે અને એટલે તે પહેલેથી ખોદી રાખવો જોઈએ. પહેલેથી કૂવો ન હોય અને આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસીએ તો ક્યારે તે ખોદાઈ રહે, ક્યારે તેમાં પાણી આવે અને ક્યારે તે પાણી આગ બુઝાવવા માટે ઉપયોગમાં લેવાય?
માટે કહેવાય છે કે આગ લાગે ત્યારે કૂવો ન ખોદાય.
આપણી રોજબરોજની પ્રવૃત્તિમાં પણ આ લાગુ પડે છે. તમે બહારગામ જવાના હો અને તે માટે લઇ જવાના કપડાં અને અન્ય સામાન વ્યવસ્થિત છે કે નહીં તે આગળથી જોઈ રાખવું જરૂરી છે કારણ જવાને દહાડે તમે તે બધું ભેગું કરવા રહેશો તો કેટલીક ચીજો લેવાની ભુલાઈ પણ જાય. અથવા તે ઘરમાં ન હોય અને તે જરૂરી હોય તે લેવા દોડાદોડ જવું પડે.
આ જ રીતે પરીક્ષાને દિવસે પુસ્તક ખોલી અભ્યાસ કરો તો તે અભ્યાસ અધુરો જ રહેવાનો અને પરીક્ષામાં નિષ્ફળતા મળવાની.
તે જ રીતે યુદ્ધ થશે ત્યારે શસ્ત્રો ખરીદશું તેમ વિચારીને કોઈ રાષ્ટ્ર યોગ્ય કે સમયસર પગલાં ન લે તો જરૂર તેને યુદ્ધમાં હાર જ મળવાની. આ માટે તો ઘણા વખત પહેલાં તૈયારી કરવી જરૂરી છે.