સ્વયંસિદ્ધા – ૧૨

    -    લતા હીરાણી

ગણવેશનું ગૌરવ

      ગણવેશ- યુનિફોર્મ,  શબ્દ સાંભળતાં જ શાળાનાં વિદ્યાર્થીઓ નજર સમક્ષ આવી જાય. ગણવેશ એ વિદ્યાર્થીની ઓળખ છે. ગણવેશના નિયમ પાછળની ભાવના એ છે કે, અમીર-ગરીબ સહુ સમાન દેખાય. એમની વચ્ચે ભેદભાવ ન રહે. ગણવેશ પહેરનારને પોતાની જવાબદારીનો ખ્યાલ રહે, પોતાની ફરજનું ભાન રહે.

      કિરણ બેદી વિદ્યાર્થી હતાં ત્યારથી એમને પોતાના ગણવેશ માટે ઘણો આદર હતો. ગણવેશ પહેરવા અંગે તેઓ સતત જાગ્રત રહેતાં. એમાં વળી એન.સી.સી.માં જોડાયા પછી એમનો ગણવેશપ્રેમ વધી ગયો હતો. જેટલો ઉત્સાહ અને આનંદ એમને પરેડમાં જવાનો થતો હતો એટલું જ ગૌરવ એમને ગણવેશ માટે રહેતું હતું.

      ગણવેશમાં એમને દેશપ્રેમ અને કર્તવ્યનિષ્ઠાનો સંદેશ સંભળાતો. તેઓ માનતાં કે ગણવેશ પહેરવાથી વર્તન આપોઆપ શિસ્તબદ્ધ થાય છે અને વ્યક્તિના વિચારોમાં પણ પરિવર્તન આવે છે. સારી ભાવનાઓ પ્રબળ બને છે. આ બધું ત્યારે જ સમજાય કે જયારે વ્યક્તિને પોતાના ગણવેશનું ગૌરવ હોય.

      કિરણ બેદીને ગોવામાં પણ વાહનવ્યવહારનિયમનની કામગીરી સોંપાઈ હતી. ક્રેઇન બેદી તરીકેની એમની ખ્યાતી ગોવાવાસીઓ સુધી પહોંચી ગઈ હતી. ગોવામાં પણ ટ્રાફિકની બાબતમાં એટલી જ અવ્યવસ્થા  પ્રવર્તતી હતી. કિરણ બેદીના આગમન સાથે જ લોકોને એવી આશા બંધાઈ હતી કે હવે વાહનવ્યવહાર શિસ્તબદ્ધ થઈ જશે અને એમની મુશ્કેલીઓ દૂર થઈ જશે.

     કિરણ બેદીને ખ્યાલ આવ્યો કે, ગોવામાં પરિસ્થિતિ ઘણી ખરાબ હતી. ટ્રાફિક વિભાગ પાસે કર્મચારીઓની સખત તંગી હતી. કોઈ પણ શાખામાં અધિકારીઓ કે કર્મચારીઓની સંખ્યા પૂરતી નહોતી. પૂરતા કર્મચારીઓ વગર કેવી રીતે સારું પરિણામ આપી શકાય? પોલીસકર્મચારીઓની સ્થિતિ જોતાં એમને અત્યંત નિરાશા ઊપજી. જેમની પાસેથી એમને કામ લેવાનું હતું અને જવાબદારી સોંપવાની હતી. એમને જોઇને જ ત્રાસ થઈ જાય એવું હતું. ફાટેલી,ગંદી-ગોબરી, ચોળાયેલી, ઢંગધડા વગરની ખાખી વરદીઓ. એવી જ સડિયલ ટોપીઓ અને એના ગુજરીબજારમાંથી લાવ્યા હોય એવાં જોડાં. કમર પર લબડી રહેલા પેટ અને એના પર લટકી રહેલા પટ્ટા. આંખોમાં બધો સમય રહેતું નશાનું ઘેન અને ચહેરા તદ્દન નિસ્તેજ.

       આવા ચીંથરેહાલ પોલીસો પ્રજા વચ્ચે જઈને કેવી રીતે કાયદો અને વ્યવસ્થા જાળવે? રસ્તા પર આવા પોલીસો ફરતા હોય તો જનતા પર કેવી અસર થાય? એક તો ઓછી સંખ્યા અને વધારામાં આવો લઘરવઘર વેશ! લોકો પાછળથી પોલીસના આવા દિદારની મજાક પણ ઉડાવતા હતા. સ્વાભાવિક છે કે આવા પોલીસદળમાં આત્મસમ્માન જેવું કશું બચ્યું ન હોય.

    કિરણ બેદીએ સૌ પ્રથમ કાર્ય પોલીસદળને સુધારવાનું કર્યું. એમના માટે નવા સારા યુનિફોર્મની વ્યવસ્થા કરી અને એમને સમજાવ્યું કે, ગણવેશ કેટલા ગૌરવની ચીજ છે. પોલીસ માટે એની વરદી સૌથી અગત્યની બાબત છે. વરદી તો પોલીસની શાન છે. જે પોલીસ કર્મચારી વરદીનું મૂલ્ય ન સમજે એણે આ નોકરી નહીં કરવી જોઈએ. લોકો વ્યક્તિને નહીં, વરદીને સલામ કરે છે.

     એમનું સ્પષ્ટ માનવું હતું કે પોલીસકર્મચારી જો લઘરવઘર કપડાંમાં ફરશે તો લોકોની નજરમાં એનું કોઈ સ્થાન નહીં રહે. લોકો એને ગણકારશે નહીં. પોલીસ કર્મચારીઓ વ્યવસ્થિત,સુઘડ અને સ્વચ્છ વરદીમાં શિસ્તબદ્ધ રીતે પ્રજા વચ્ચે દેખાવા જોઈએ. દૂરથી જ લોકોને એમની જાણ થવી જોઈએ. એમનાં વાણી, વર્તન અને વ્યવહારમાં શિસ્તનો આગ્રહ પ્રગટ થવો જોઈએ. તો જ જનતાને શિસ્ત પાળવાની જરૂર લાગે એમણે પોલીસ કર્મચારીઓને આ બધી વાત સમજાવી.

     એમની વાતની ધારી અસર થઈ, કેમ કે એમની કથની અને કરનીમાં કોઈ અંતર હતું નહીં. તેઓ જે માનતા તે કહેતા અને જે કહેતા તે કરી પણ બતાવતા. એમને જે યોગ્ય લાગતું તે કામ દિલ રેડીને કરતા. આ જ કારણ હતું કે એમની વાતની એમના હાથ નીચેના કર્મચારીઓ પર જાદુઈ અસર થતી.

     ધીરે ધીરે પોલીસ કર્મચારીઓના વર્તનમાં નોંધપાત્ર ફેરફાર થવા લાગ્યો. એમના મનમાં જમા થયેલી આળસ અને શિથિલતા દૂર થઈ અને એની જગ્યાએ સ્ફૂર્તિ અને શિસ્ત દેખાવા લાગ્યાં. થોડાં પણ મક્કમ કર્મચારીઓએ સમગ્ર વાતાવરણ બદલી નાખ્યું. કર્મચારીઓની સંખ્યા તો વધારી શકાઈ નહોતી પરંતુ એમની અસરકારકતા અનેકગણી વધારી શકાઈ હતી.

      આવી જ અસર પ્રજા પર થઈ. લોકોએ કિરણ બેદીની ખ્યાતિ તો સાંભળી હતી. બહુ ઓછા સમયમાં એમણે પહેલાનાં લઘરવઘર લથડતા પોલીસોને બદલે વ્યવસ્થિત અને વરદીમાં શિસ્તબદ્ધ પોલીસોને નિહાળ્યા. વાતાવરણ બદલાઈ ગયું. કિરણ બેદીને પૂરો સહકાર આપવાની લોકોમાં તમન્ના જાગી. કિરણ બેદીની શક્તિનો પરિચય એમની નજર સમક્ષ હતો.

      કિરણ બેદીને એમની મિઝોરમ બદલી થઈ ત્યારે આવો જ અનુભવ થયો હતો. ત્યાં પણ ગોવા જેવી જ પરિસ્થિતિ હતી. કર્મચારીઓ સંખ્યામાં ઓછા અને કાર્યમાં અત્યંત શિથિલ હતા. શિસ્ત કે ફરજપાલનની વૃત્તિનું નામનિશાન જોવા મળતું નહોતું.

      એમણે વારંવાર બેઠકો યોજી. દરેક કર્મચારી, સાવ નીચલી પયારીનો હોય તો પણ પોતાને મળી શકે અને પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકે એવી વ્યવસ્થા ગોઠવી. આને કારણે કર્મચારીગણનો ઉત્સાહ વધી ગયો. ઉપરી અધિકારી સાથેનું અંતર ઘટતાં એમનામાં સલામતીની ભાવના વધી અને એમની કાર્યક્ષમતા વધી.

     કિરણ બેદી જે કોઈ સ્થળે ફરજ બજાવતા ત્યાં નાના કર્મચારીઓ એમને દેવીની જેમ પૂજવા લાગતા એનું કારણ આ હતું. નીચલી પાયરીના પોલીસોમાં એમણે આત્મસમ્માન અને વિશ્વાસ જગાવ્યો હતો. આવું કામ અત્યાર સુધી કોઈએ કર્યું નહોતું. જનતા પોલીસને દુશ્મન માનતી હતી. કિરણ બેદીએ એમને મિત્ર અને માર્ગદર્શક બનાવી દીધા.

       કર્મચારીઓ પાસેથી વધુમાં વધુ અને સારામાં સારું કામ કેવી રીતે લઈ શકાય એ સમજવા માટે એમણે મોટા મોટા સફળ ઔદ્યોગિક ગૃહોની મુલાકાત લીધી. જાતતપાસથી વિગતો જાણી. ઝીણામાં ઝીણી બાબતોમાં પૂરતો રસ લઈને પોતાનાં તારણો આપ્યાં, જેમાં મુખ્ય બાબતો આ પ્રમાણે હતી.  

  1.  સંસ્થામાં સૌએ ગણવેશ પહેરવો જોઈએ. ગણવેશ પહેરવાથી જુસ્સો વધે છે, શિસ્તની ભાવના ખીલે છે. પોતાના કામનું ગૌરવ અનુભવાય છે અને સૌમાં સમાનતાની ભાવના વિકસે છે.
  2.  સંસ્થાના કર્મચારીઓ કામ શરૂ કરે એ પહેલાં થોડી કસરત કરે એ જરૂરી છે. આનાથી એમની સ્ફૂર્તિ વધે છે. એમનામાં ભાઈચારાની અને સંઘબળની(ટીમની) ભાવના વિકસે છે. ‘સૌ સાથે મળીને કામ કરીએ અને ઉત્તમ પરિણામ લાવીએ’ એવું વાતાવરણ સર્જાય છે.
  3.  સૌનું ભોજન તથા સૌની કામ કરવાની જગ્યા એકસરખી હોવી જોઈએ. ઉપરી કે આધીન(Subordinate)  નો ભેદભાવ નહીં હોવો જોઈએ.
  4.  સંસ્થામાં દરેક કર્મચારી પોતાને યોગ્ય લાગે તે સૂચન કરી શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. આનાથી સંસ્થાના વિકાસમાં પોતાનો પણ ફાળો છે એવી ભાવના વધે છે. કર્મચારીઓ પોતાના કાર્યક્ષેત્ર અંગે વધુ સજાગ બને છે.
  5.  હાથ નીચેના કર્મચારીની ગેરહાજરીમાં અધિકારી પોતે તેનું કામ સંભાળી લે. આનાથી કર્મચારીના મનમાં પોતાના અધિકારી માટે માન, વિશ્વાસ અને ગૌરવ વધી જાય છે.

      કિરણ બેદીએ આ અને આવાં અનેક માર્ગદર્શક તારણો આપ્યાં. એમણે પોલીસતંત્રનો નૈતિક જુસ્સો વધાર્યો અને એમનાં કાર્યોને ગુણવત્તા બક્ષી. કોઈ પણ સંસ્થા આ બાબતોને અનુસરે તો સંસ્થાના વિકાસપથમાં આ સોનેરી સિદ્ધાંતો બની શકે.

કિરણ બેદી વિશે વિકિપિડિયા પર આ રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *