સ્વયંસિદ્ધા – ૧૩

    -    લતા હીરાણી

આત્મબળની અગ્નિપરીક્ષા

      માનવીનું સાચું બળ શરીરમાં નથી હોતું, એના આત્મામાં હોય છે. હૈયામાં અખૂટ હિંમત  ભરી હોય તો માનવી ભયંકર પરિસ્થિતિ સામે પણ ઝઝૂમી શકે છે. શરીર તંદુરસ્ત હોય પરંતુ મન ડરપોક હોય તો શારીરિક બળ કશા કામનું નથી. આથી જ કહ્યું છે ને...

‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.’

       અનેક એવા મહામાનવોનાં દષ્ટાંત આપણી સામે છે કે જેમનાં શરીર કૃશ હોવા છતાં એમણે અસાધારણ કાર્યો કરી બતાવ્યાં હોય, અદભુત સિદ્ધિ મેળવી હોય. મહાત્મા ગાંધી , શ્રી વિનોબા ભાવે, શ્રીમદ રાજચંદ્ર, મીરાબાઈ જેવાં અનેક ઉદાહરણ આપી શકાય.

      કિરણ બેદીમાં ભારોભાર આત્મબળ ભર્યું હતું. એમને પોતાની જાતમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી. પોતાની શક્તિમાં અખૂટ વિશ્વાસ હતો. એમના મનમાં ડર કે ભયનું નામનિશાન નહોતું. સંઘર્ષોની સામે લડી લઈ ફરજપાલનના માર્ગે મક્કમ પગલાં ભરવાની એમનામાં ખુમારી ભરી હતી.

       ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતાં એ સમય દરમિયાન પંજાબનાં રમખાણો ડામવા એમણે અત્યંત કડક પગલાં લીધેલાં. આના પરિણામે શીખો એમનાથી ખૂબ નારાજ થયા હતા. અમુક કટ્ટરવાદી શીખોના મનમાં એમની સામે વિદ્રોહ જાગી ઉઠ્યો હતો.

      ૧૯૭૯ના નવેમ્બરની પાંચમી તારીખની આ ઘટના છે. પંજાબના અકાલી દળના શીખો હાથમાં ખુલ્લી તલવારો સાથે રાષ્ટ્રપતિભવન તરફ ધસી આવ્યા. શીખોનું મોટું ટોળું હતું. વ્યક્તિગત રીતે માનવી ગમે એટલો સમજદાર કેમ ન હોય, ટોળામાં એની બુદ્ધિ બહેર મારી જાય છે. અંગ્રેજીમાં કહેવત છે – ‘Mob has no mind’ અર્થાત્ ટોળાંને દિમાગ નથી હોતું.

     રાષ્ટ્રપતિ ભવનની પાસે જમા થયેલું શીખોનું મોટું ટોળું જાણે યુદ્ધનું મેદાન હોય એમ હોંકારા-પડકારા કરી રહ્યું હતું. બધાનું લોહી ઉકળતું હતું. લડાઈ ચાલી રહી હોય અને સામે રહેલા દુશ્મનોનો સંહાર કરવાનો હોય એવું ઝનૂન ટોળાં પર સવાર થઈ ચૂક્યું હતું.

      મનમાં આવું ઝનૂન હોય અને હાથમાં શસ્ત્ર હોય પછી પરિણામ વિશે કંઈ કલ્પી ન શકાય. કંઈ પણ બની શકે તેવી પરિસ્થિતિ હતી. સૂર્યનો પ્રકાશ શીખોના હાથમાંની ખુલ્લી તલવારોને વધુ ચમકાવતો હતો. વાતાવરણ પ્રતિક્ષણ ભયાનક બનતું જતું હતું. આવા વિફરેલાં ટોળાંને કાબૂમાં લેવા માટે હુકમો છૂટ્યાં. એ વખતે કિરણ બેદી પોતાની સ્કવોડ સાથે ફરજ પર હતાં. આ પરિસ્થિતિને અંકુશમાં લેવા કિરણ બેદીને આદેશ મળ્યો.

      થોડી જ ક્ષણોમાં તેઓ પોતાની કુમક સાથે સ્થળ પર પહોંચી ગયાં. એમણે મક્કમ અને બુલંદ અવાજે ટોળાને હાક મારી, “રૂક જાઓ!” એમના અવાજમાં એમની તાકાત અને હિંમત ગજબ રીતે પડઘાતી હતી. ક્ષણભર ટોળું સ્તબ્ધ  બની ગયું. એક સ્ત્રી આવી ગર્જના કરી શકે, ડર્યા વગર આટલાં લોકોને પડકારી શકે એ એમની કલ્પના બહારની વાત હતી. જો કે થોડી જ પળોમાં ટોળા પર ફરી અગાઉનો ઉન્માદ છવાઈ ગયો. ટોળું અટકવાને બદલે આગળ વધ્યું. હિંસક ઝનૂન સાથે ટોળું પોલીસો પર તૂટી પડ્યું અને પોલીસોને બેફામ માર મારવા લાગ્યું.

       બિચારું પોલીસદળ. એ સૌ ચીઠ્ઠીના ચાકર હતાં. ફરજ જરૂર બજાવતા હતા. પરંતુ કિરણ બેદીની હિંમત, સાહસ કે બહાદુરીનો અંશ પણ એમનામાં નહોતો. શીખોના ટોળાનું આક્રમણ થતાં આ પુરુષ પોલીસ કર્મચારીઓ જીવ બચાવવા નાસવા લાગ્યાં. ટોળાની સામે રહી એક સાચી મર્દાનગી બતાવતી સ્ત્રી કિરણ બેદી. સામે પક્ષે ખુલ્લી તલવારો સાથે અકાલીઓ હતા અને આ પક્ષે કિરણ બેદી પાસે શું હતું? માથે ટોપો અને હાથમાં માત્ર એક દંડો. સાથે આવેલી પોલીસોની કુમક નાસી છૂટી હતી.

       માનવીના આત્મબળ પાસે સાધનની શું વિસાત છે? હથિયારોની શી મજાલ છે? તલવારની શું તાકાત છે? રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં એટલાં મોટા ટોળા સામે હાથમાં માત્ર દંડા સાથે ગર્જના કરતી એક સ્ત્રી, સાક્ષાત દુર્ગાસ્વરૂપ ધારણ કરીને ઘૂમી રહી હતી. આ પરિસ્થિતિ જ ટોળાને ગભરાવવા માટે પૂરતી હતી. અકાલીઓની તલવારો પરની પકડ ઢીલી પડી ગઈ. એમનું ઝનૂન ઓસરવા માંડ્યું. આ અણધારેલી, અણકલ્પેલી પરિસ્થિતિએ એમને મૂંઝવી દીધા. આ પળનો લાભ લઈને કિરણ બેદીએ બધાને દંડાથી ઝૂડવા માંડ્યા. દેખાવકારો એક સ્ત્રીની અસાધારણ હિંમત સામે ઝૂકી પડ્યા. એટલામાં સિપાહીઓની બીજી કુમક આવી પહોંચી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો.

     ભલભલા હિંમતવાનોનું પાણી મપાઈ જાય એવી તાકાત કિરણ બેદીમાં ક્યાંથી આવી? એ એમનું હિમાલય જેવું અડગ આત્મબળ હતું. સામે ટોળું તો શું, આખું લશ્કર ઉભું હોત તો પણ કિરણ બેદીએ પીછેહઠ કરી ન હોત.

       આવું અપ્રતિમ શૌર્ય, બેનમૂન બહાદુરી દર્શાવવા બદલ કિરણ બેદીને ૧૯૮૦ની દસમી ઓક્ટોબરે રાષ્ટ્રપતિને હસ્તે વીરતા માટેનો પોલીસચંદ્રક એનાયત કરાયો. સાહસની પ્રતિમૂર્તિ સમી આવી સ્ત્રી આપણને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું સ્મરણ કરાવે છે.

કિરણ બેદી વિશે વિકિપિડિયા પર આ રહી.

-- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *