- રાજુલ કૌશિક
ક્યારેક આપણા જીવનમાં એવું બની જાય જેની આપણે કલ્પના સુદ્ધા ના કરી હોય. ઘણીવાર આપણે એવું સાંભળ્યુ હશે કે, અનિવાર્ય સંજોગોના લીધે કોઇ વ્યક્તિને પોતાની કન્ફર્મ ફ્લાઇટ અથવા ટ્રેન ગુમાવવી પડી હોય. સમય સાચવી લેવો અગત્યનો હોય ત્યારે આવી ઘટનાથી કોઇપણ વ્યક્તિ ચોક્કસપણે નિરાશ થઇ જાય. કદાચ શક્ય છે કે અકળાઇ પણ જાય. પરંતુ જ્યારે ખબર પડે કે એ ગુમાવેલી ફ્લાઇટ કે ટ્રેનને અકસ્માત નડ્યો છે ત્યારે ? જીવતદાન મળવાની સામે ગુમાવેલી તક સાવ જ નગણ્ય, સાવ તુચ્છ લાગવા માંડે.
આવી જ એક વાત…..
એક સમયે એક ચિત્રકારે અત્યંત સુંદર અને જીવંત ચિત્રનું સર્જન કર્યું. ચિત્રમાં પૂરેલા રંગોથી એ એટલું તો આબેહૂબ લાગતું હતું કે, જાણે એમાં રચેલી સૃષ્ટિ હમણાં જ સજીવ થઈ ઊઠશે. પોતાના અત્યંત ખૂબસૂરત સર્જનને જોઇને ખુદ ચિત્રકાર પણ અભિભૂત થઇ ઉઠ્યો. ઊંચી ઇમારત પર ગોઠવાયેલા આ ચિત્રની ખૂબી માણવામાં એ ચિત્રકાર એટલો તો વ્યસ્ત અને મસ્ત થઈ ગયો કે એની આસપાસ શું છે કે, એ ક્યાં છે એની સૂધ પણ ના રહી. પહેલા પાસે ઊભા રહીને એ ચિત્ર જોયું. ત્યારબાદ એ ચિત્રનું અવલોકન કરવા એ જરા આઘો જઈને ઊભો રહ્યો. હજુ થોડે દૂર રહીને એ ચિત્ર જોવાની લાલસા ન રોકાઇ અને એ પાછા પગલે ખસ્યો. ચિત્ર જોવામાં તલ્લીને એવા ચિત્રકાર જ્યાં ઊભેલો હતો એ ઊંચાઇનો ખ્યાલ એના મનમાંથી સાવ નિકળી ગયો. હવે જો એક ડગલું પણ પાછો ખસે તો એ ઊંચી ઇમારત પરથી સીધો નીચે જ પટકાય.
આ જોઇને ચિત્રકારની સાથે હાજર એક માણસ સતેજ બની ગયો. હવે જો એ બૂમ મારીને એ ચિત્રકારને ચેતવે તો શક્ય હતું કે, એની બૂમથી ગભરાઇને પણ એ પાછળ ખસે તો જાનથી જાય. હવે? તત્ક્ષણ એ માણસે ચિત્ર પાસે પડેલા રંગમાં પીછી બોળીને એના પર ધબ્બા પાડી દીધા.
આ જોઇને ક્રોધે ભરાયેલો ચિત્રકાર એને મારવા દોડી આવ્યો પણ ત્યાં ઊભેલા અન્ય લોકોએ એને રોકી લીધો. પોતાના શ્રેષ્ઠ સર્જનને આમ રોળી નાખનાર પર અત્યંત ક્રોધે ભરાયેલા ચિત્રકારને વાસ્તવિકતાનું ભાન કરાવતાં લોકોએ બતાવ્યું કે, એ જે જગ્યાએ ઊભો હતો ત્યાંથી એક ડગલું પણ પાછળ ખસે તો શું અનર્થ થાત.
આપણી સાથે પણ આવું જ બનતું હોય છે. મનથી નિશ્ચિત કરેલા પ્લાન કોઇ અગમ્ય કારણોસર રોળાઇ જાય; ત્યારે આપણે સૌ નાસીપાસ થઈ જઈએ છીએ ને? એ ક્ષણે તો આપણને આપણી જાત પર,સંજોગો પર કે લાગે વળગતા સૌ કોઇ પર અપાર ક્રોધ આવે. કશું જ ન કરી શકવાની લાચારીથી હતાશા પણ ઊપજે.
જરૂર છે સ્વસ્થ મનથી વિચારવાની. થોડી ધીરજ રાખીશું તો ચોક્કસ સમજાશે કે ઇશ્વરે આપણા માટે કશુંક વધારે યોગ્ય નિશ્ચિત કર્યું હતું, વધુ શ્રેષ્ઠ ભાવિનું નિર્માણ કર્યું હતું. આપણે જે કંઇ ઇચ્છતા હોઇએ એનાથી વિપરીત પરિસ્થિતિ ઊભી થાય તો એનો અર્થ એ કે ભાવિના ગર્ભમાં કશુંક વધુ સારું બીજ આપણા માટે ઇશ્વરે રોપ્યું છે.
પરમેશ્વરથી વધીને વધુ સારો પ્લાનર કોઇ નથી.