કહેવતકથા – ૧૮

  -   નિરંજન મહેતા

ટીપે ટીપે સરોવર ભરાય

       

      વરસાદ પડે ત્યારે તે ટીપાંના સ્વરૂપે પડે. તે બધા ટીપાં ધીમે ધીમે એક જગ્યાએ એકત્રિત થાય અને તેનું રૂપાંતર પાણીના જથ્થામાં થાય. જ્યારે આ ટીપાં એક સરોવરમાં પડે ત્યારે તેને લઈને તે સરોવર ભરાય. આમ એક ટીપાનું મહત્વ નથી હોતું પણ અન્ય ટીપાં સાથે ભળતા તે વધી જાય છે. પાણીના નળમાં ભલે પાણી ધારરૂપે ન આવે અને ટીપે ટીપે આવે પણ તેને કારણે પણ થોડા સમય બાદ નીચે મૂકેલું પાત્ર ભરાઈ જવાનું.

      આ જ રીતે થોડી થોડી ચીજોનો સંગ્રહ કરીએ તો તે આગળ જતાં એક જથ્થો બને છે.

      આપણે નાના બાળકને એક ડબ્બો કે ગુલક આપી છીએ જેમાં સિક્કા નાખી તો શકાય પણ તેમાંથી તે કાઢી ન શકે. નિયમિત અંતરે તેમાં તેને સિક્કા નાખવા માટે પ્રોત્સાહિત કરાય છે અને લાંબા સમયે તેમાં ઘણા બધાં સિક્કા જમા થાય છે. આ દ્વારા બાળકમાં બચતની ભાવના પણ બનાવી દઈએ છીએ.

      સમજદાર વ્યક્તિ આ જ સિદ્ધાંતને અનુસરે છે અને બેન્કમાં RECURRING DEPOSIT દ્વારા બચત કરે છે જેથી લાંબી મુદતે સારી એવી રકમ જમા થાય છે અને પ્રસંગાનુસાર તે તેનો વ્યય પણ કરે છે.

        સગાસંબંધી અને મિત્રો પાસે લગ્નમાં લેવાતા ચાંદલાનું પણ એક રીતે આ જ પ્રયોજન ગણી શકાય. લગ્નને કારણે થનાર ખર્ચ માટે જે પિતા પાસે પૂરતી સગવડ ન હોય તેને આ આડકતરો સહારો તેના બોજને હળવો કરવામાં મદદરૂપ થાય છે.

       અન્ય રીતે જોઈએ તો એક ફૂલ ભગવાનને ચઢાવીએ તેને બદલે અનેક ફૂલ ભેગા કરી એક સુંદર માળા ગૂંથીએ અને તે ભગવાનને પહેરાવીએ તો તે વધુ પ્રભાવશાળી બની રહે છે.

      આવા અન્ય ઉદાહરણો પણ જીવનમાં જાણી શકાય.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *