દૂધી બાઈ આંબે ઝૂલે છે – ૨

  - તેજલ વઘાસિયા ( ડોલી )

         બીજા દિવસે સવારે આઠ વાગ્યે મગનભાઈ પોતાના કામમાંથી પરવારી ને પોતાના મિત્રને મળવા જવા માટે તૈયાર થઇ મોટેથી બુમ પાડે છે :"અરે, સાંભળો છો, રમેશની બા, હું ભોવાન ભાઈના ઘરે જાવ છું, આવતા આવતા બપોર થઈ જશે. " દાદા ની બૂમ સાંભળીને મમ્મી પાસે રમતી હેત્વી દોડીને દાદા પાસે પહોંચી જાય છે. અને છણકો કરીને ફરિયાદ કરે છે " કેમ, દાદુ, મને નથી લઈ જવાની? મને કેમ ન બોલાવી? મેં તમને કહ્યુ હતું ને કાલે, મારે પણ આવવું છે તમારી સાથે."

     " હા, હા, તને તો બોલાવવાની જ હતી. તને લીધા વગર મારે પણ ન'તુ જ જવું. વાટ લાંબી છે અને મારે વાટમાં વાત કોની સાથે કરવી? ચાલ હવે, ચાલતા થઈએ." આમ કહીને દાદા પૌત્રી ચાલતા થયા.

     દાદાજી નો હાથ પકડીને ચાલતાં - ચાલતાં કંઈક વિચારીને હેત્વી દાદા ને પૂછવા લાગી : "દાદાજી, ઘરે તમે કહેતા હતા વાટ લાંબી છે.  વાટ એટલે રસ્તો જ થાય કે નહીં?

    દાદા હેત્વી સામે જોઈ ને થાકી ગઈ હશે એવું અનુમાન કરી તેને તેડી લઈ ને પછી કહે છે : "હા ,બેટા વાટ એટલે રસ્તો જ થાય. "

     દાદા બીજું કંઈ બોલે તે પહેલાં વચ્ચેથી જ અટકાવીને બોલી : "મને કેમ તેડી લીધી? તમારા દોસ્ત નું ઘર કેટલુંક દુર છે હજુ? "

     " મને ખબર પડી કે મારો દીકરો હવે ચાલતાં ચાલતાં થાકી ગયો છે, એટલે મેં એને તેડી લીધો. મારા દોસ્તનું ઘર હવે આવી ગયું સમજ." એમ કહીને હેત્વીને નીચે ઊતારી અને માથે વ્હાલથી હાથ ફેરવ્યો.

     "અરે, હોતું હશે કાંઈ, અમે કંઈ થોડા થાકીએ? એ તો બસ તમે મને તેડી એટલા માટે પૂછયું. આ ગામ તો પૂરું  થવા આવ્યું હોય એવું લાગ્યું. મનમાં થયું કે તમારા દોસ્ત ક્યાંક બીજા ગામ નથી રહેતા ને?"  આટલું બોલીને હેત્વી ખડખડાટ હસી પડી.

      મગનભાઈને દૂરથી આવતા જોઈને ભોવાનકાકા સામે આવે છે ,"રામ-રામ, રામ-રામ" કહીને ભેટી પડે છે.  હેત્વીના માથે હાથ ફેરવીને પૂછે છે : "કેમ છે બેટા તું ? અને ઘરે બધા કેમ છે? તારાં દાદીની તબિયત તો સારી છે ને?"

    હેત્વી ચારે બાજુ નજર ફેરવી ને પછી બોલે છે : "હા, હોં, ઘરે બધા મજામાં છે. એશ- મેશ ને ટેશ. બીજુ શું જોઈએ સૌ ને."

    ભોવાનકાકા નું મકાન એમના ખેતરમાં જ બનાવેલું હોવાથી ચારે બાજુ ખુલ્લું હતું. મકાનની એક બાજુના ભાગમાં જાતજાતના વૃક્ષો ઉછેરેલા હતા. જેવા કે આંબા, ચીકુડી, જામફળી, સીતાફળી, વગેરે વગેરે.  બધા વૃક્ષોને મોટા મોટા ખામણાં (વૃક્ષના થડ ફરતે પાણીનો ભરાવો રહી શકે તેવી જગ્યા) ખોદાયેલા હતા. બધા ખામણામાં જુદી જુદી શાકભાજી વાવેલી હતી. વેલાવાળા શાકભાજી ના વાવેતર ની બાજુમાં ફરતી વાડ જેવું બાંધેલુ હતું.

   હેત્વીને આ બધું જાણવા જોવાની મજા પડી ગઈ. દાદાને સવાલો પૂછતી ગઈ અને દાદા જવાબ આપતા રહ્યા. હેત્વીના દાદા અને ભોવાનકાકા મકાનના આગળના ભાગમાં આવેલા ચોગાનમાં ખુરશી ઉપર બેઠા. હેત્વીને તો બધું જ જોવું જાણવું હોય એટલે એ ચારેબાજુ નજર ફેરવતી ફેરવતી મકાનના પાછળના ભાગમાં પહોંચી ગઈ. ત્યાં જૂનો એક મોટો આંબો હતો. આંબાની નીચે ગાય - બળદ ના છાણનો ઉકરડો હતો. ઉકરડામાંંથી ઉગી નીકળેલા દૂધી ના વેલા આંબા ઉપર ચડી ગયા હતા.

   હેત્વીએ આંબા ઉપર નજર કરી તો એણે ત્યાં બે - ત્રણ દૂધી લટકતી જોઈ. એ તો મોટેથી બુમ પાડવા લાગી : "દાદાજી, ઓ! દાદાજી."

     મકાનની આગળના ભાગમાં બેઠેલા દાદાજી અને ભોવાનકાકા તો ડરી જ ગયા અને "શું થયું?  શું થયું? " કરતા કરતા હેત્વીના અવાજની દિશામાં દોડવા લાગ્યા.

    "અરે! આ શું?" મકાનની પાછળના ભાગમાં પહોંચ્યા ત્યાં તો હેત્વી તાળીઓ પાડતી, ઊછળતી, કૂદતી, ખડખડાટ હસતી હતી.  અને બોલતી જતી હતી

"આંબા ઉપર દૂધી, આંબા ઉપર દૂધી, આંબા ઉપર દૂધી."

      દાદાજીને જોઈને એનો હાથ પકડીને, પોતાનો બીજો હાથ ઊઉંચો કરીને કહે છે : "જુઓ દાદાજી ,આંબા ઉપર દૂધી." અને પૂછે છે : " આંબા ઉપર દૂધી આવે કે?"

     હેત્વી નું આ વર્તન જોઈને દાદાજી અને ભોવાનકાકા પણ ખડખડાટ હસી પડ્યા. હેત્વીને થોડી સમજાવી અને બંને ફરી એક વાર હેત્વીના એ બાળપણ અને ભોળપણ પર ખુબ હસ્યા.

     હવે બપોર થવામાં થોડી વાર છે એેમ સમજીને દાદાજીએ હેત્વીને બોલાવી અને ભોવાનકાકા પાસેથી રજા લીધી : "લ્યો, ત્યારે હવે અમે જઈએ. તમેય ક્યારેક આવજો અમારા ઘર પર. રામ - રામ, રામ - રામ."

     દાદાજી હેત્વીને તેડીને ચાલતા થાય છે.  હેત્વી ના મનમાં હજી એજ સવાલ ઘૂમરાયા કરતો હતો.  "આંબા ઉપર દૂધી ક્યાંથી આવી? કેવી રીતે આવી હશે?" હેત્વીએ દાદાજીને ફરી એક વાર પૂછ્યું. : "દાદાજી, આંબા ઉપર દૂધી કેવી રીતે આવી હશે?"

      દાદાજી વિચારે છે કે, તેઓ હેત્વીને કેવી રીતે સમજાવે કે, એના ગળે વાત ઊતરે?  દાદાજી તો હજી મનમાં વિચારે છે, ત્યાં હેત્વીએ આગળના દિવસે દાદી પાસેથી સાંભળેલું કાનુડાનું એક ગીત યાદ આવી જાય છે. હેત્વી એના પર થી કંઈક નવું જ ગીત બનાવીને ગાય છે :

"ઝૂલે છે આંબાની ડાળ,
દૂધી બાઈ આંબે ઝૂલે છે."

       આમ ગીત ગાઈને પછી દાદાજીને પૂછે છે : " દાદાજી, આવું ગીત ગવાય ખરું, કે ન ગવાય?" દાદાજીને હેત્વીની આ વાત સાંભળીને મનમાં કંઈક ઝબકારો થયો અને એને જાણે હેત્વી ને સમજાવવાનો રસ્તો મળી ગયો. દાદાજી કહેવા લાગ્યા : "બેટા, સૌ પ્રથમ તો થોડા દૂધીના બીજ લેવાના. એને આંબાની નીચેના ભાગમાં નાનો ક્યારો કરી ને રોપવાના. અને રોજ સવારે થોડું થોડું પાણી આપવાનું."

      દાદાજીની વાત વચ્ચેથી અટકાવીને હેત્વી બોલવા લાગી : " શું? આટલી બધી મહેનત કરવી પડે, આંબા ઉપર દૂધી લાવવા માટે?" હેત્વીની વાત સાંભળીને દાદા હસવા લાગ્યા, અને હેત્વીને સમજાવતાં સમજાવતાં આગળ ચાલવા લાગ્યા. હેત્વી એ આગળ ગાયેલી એક કડી સાથે બીજી કડી જોડવા લાગ્યા. હેત્વીને દાદા જેમ જેમ સમજાવતાં જાય તેમ તેમ એ નવા સવાલ પૂછતી જાય અને દાદા સમજાવવાની સાથે નવું ગીત જોડતા જાય. ઘરે પહોંચતા સુધીમાં દાદા - પૌત્રીએ એક ગીત તૈયાર કરી નાખ્યું. હેત્વી ના ગળે વાત ઊતરી ગઈ અને મજાનું ગીત પણ બની ગયું.  ઘરે પહોંચીને હેત્વીએ એની મમ્મી અને દાદી આગળ હસતાં હસતાં ગીત ગાયું .

ઝૂલે છે આંબાની ડાળ, 
દૂધી બાઈ આંબે ઝૂલે છે. 

આંબાના થડે મેં બીજ એક રોપીયું, 
પ્રેમે હું પાણીડા પાઉં
દૂધી બાઈ આંબે ઝૂલે છે.

બે- ત્રણ દિવસ હું રોજ રોજ જોતી,
ચોથે દા'ડે અંકુર દેખાય,
દૂધી બાઈ આંબે ઝૂલે છે. 

નાનો મજાનો વેલો તો પાંગર્યો, 
મોટા મોટા પાંદડાં દેખાય,
દૂધી બાઈ આંબે ઝૂલે છે. 

આંબા ડાળે મોટી, દોરી મેં બાંધી,
વેલો ચડાવ્યો મેં ત્યાંય,
દૂધી બાઈ આંબે ઝૂલે છે.

ખાતર -પોતર હું નિયમિત આપતી,
વેલો ઊંચો ચડ્યો જાય,
દૂધી બાઈ આંબે ઝૂલે છે.

માસ -દોઢ માસ એમ જ વિતીયો, 
હવે હેત્વી મનમાં મુંઝાય,
દૂધી બાઈ આંબે ઝૂલે છે.

સ્કુલે જવાનો સમય થઈ જાતાં,
મમ્મી વઢીને લઈ જાય,
દૂધી બાઈ આંબે ઝૂલે છે. 

બે - ત્રણ દિ મુને રજાના મળતાં, 
દાદા સાથે દોડી ખેતર જાઉં,
દૂધી બાઈ આંબે ઝૂલે છે.

ધોળા મજાનાં ફૂલ મેં દેખિયા, 
નાની- મોટી દૂધી દેખાય,
દૂધી બાઈ આંબે ઝૂલે છે. 

દૂધી દેખીને હું કૂદવા તો લાગી, 
દાદાએ આપી મને લઈ,
દૂધી બાઈ આંબે ઝૂલે છે. 

દૂધી લઈને હું હસતી ઘેર આવી,
મમ્મી-દાદી હસતાં દેખાય,
દૂધી બાઈ આંબે ઝૂલે છે.

 
મમ્મીએ મજાનો હલવો બનાવ્યો, 
હેત્વી હસતાં હલવો ખાય,
દૂધી બાઈ આંબે ઝૂલે છે.

ઝૂલે છે આંબાની ડાળ,
દૂધી બાઈ આંબે ઝૂલે છે.

દૂધી બાઈ આંબે ઝૂલે છે..


પ્રતિલિપિ પર તેમની રચનાઓ અહીં ...

-- -- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *