- પ્રીતિ ભટ્ટ
શહેરથી થોડે દૂર એક સુંદર રમણીય મોટું તળાવ હતું. જેની ફરતે વૃક્ષોની હારમાળા હતી, જેના ઉપર રંગબેરંગી પક્ષીઓનાં માળા બનેલાં હતાં. તળાવમાં થોડા બતક નાની મોટી રંગીન માછલીઓ, કાચબાઓ, અને એક હંસ રહેતો હતો.
તળાવની આસપાસનું વાતાવરણ સહેલાણીઓ માટે રજાઓ પસાર કરવા માટે આકર્ષણ ધરાવતું મનપસંદ સ્થળ હતું. શનિ-રવિની રજાઓ હોય કે તહેવારોની રજા કે ઉનાળુ વેકેશન, તળાવ કિનારે બાળકો અને લોકોની ભીડ જામેલી રહેતી. તળાવમાં રંગીન માછલીઓ, બતક તેમજ કાચબાની જુગલબંધી સારી રહેતી. તળાવનું પાણી એકદમ શાંત અને સ્વચ્છ હોવાથી અંદર ફરતી માછલીઓને કિનારે બેઠાં બેઠાં પણ નિહાળી શકાતી. તળાવમાં કમળ, હાયેસિન્થ, તેમજ બીજી વનસ્પતિઓ ઊગી હતી જેથી તળાવની શોભા ઓર અનેરી લાગતી.
શનિ રવિની રજાઓ હોય ત્યારે બાળકોની ભીડ કિનારે લાગેલી જોઈ બતકો માછલીઓ કાચબાઓ પણ ગેલમાં આવી જતાં. બાળકો ઉજાણી માટે લાવેલા નાસ્તાઓ માંથી મમરા, પાઉંના ટુકડા, બિસ્કિટના ટુકડાઓ તળાળમાં નાંખતા અને એ ખાવા માટે ઝડપથી બતકો દોડાદોડી તળાવમાં કરવા લાગતા સાથે માછલીઓ પણ પાણીની ઉપરની સપાટીએ ખાવા માટે ડોકાવા માંડતી; આ જોઈ બાળકો ચીસમ ચીસ કરવા લાગતાં, અને બતકોને પાસે બોલવા વધુને વધુ ખાવાનું નાંખતા.
બાળકોને બતકો અને માછલીઓની કુદંકુદ જોવાની મજા પડતી, અને આ રીતે બાળકોને ખુશ થતાં જોઈ બતક, માછલી, કાચબા પણ ખુશ થતાં. અમુક વાર રંગીન પક્ષીઓ પણ તળાવની ધારે બેસતાં તો કોઈક વાર બતકની પીઠ ઉપર પણ બેસી જતાં. આ આખી રમત અમુક લોકો કેમેરામાં કંડારી લેતા.
તળાવના બીજે છેડે દૂર એક એકલો હંસ બેસીને આ બધું જોયા કરતો. એ સ્વભાવે ચીડિયો અને અભિમાની હતો. તેને પોતાના રૂપનું ખૂબ અભિમાન હતું. એ મનોમન વિચારતો - 'આ બધાં લોકો મને જોવા આવે છે. આ તળાવની સાચી શોભા તો હું છું. મારા જેટલું રૂપવાન અને સુંદર કોઈ પક્ષી નથી. આ બતક અને માછલીઓ તો અમથી અમથી જ લોકોના ફેંકેલા ખાધેલા ખોરાકને ખાવા માટે કૂદકા મારિયા કરે. હું એ લોકો જેવો નથી કે કોઈનું ફેકલું ખાઉં. '
કાળા ધોળા ટપકા વાળા બતકોને જોઈ મનમાં પોતે કેટલો સુંદર લાગે છે, એમ વિચારી હંસ કાયમ એકલો જ અભિમાનથી તળાવમાં બીજે છેડે ફર્યા કરતો. બાળકો હંસ તરફ કંઈક ખાવાનું નાખતાં તો તે ડોક વાંકી કરી દૂર જતો રહેતો. આ જોઈ બાળકો ચીડાઈને ઘણી વાર તેના તરફ રેતીના નાના નાના પથ્થરો ફેંકતા, જેથી કોઈક વાર તેની પાંખોમાંથી લોહી પણ નીકળતું.
કાચબો ઘણી વાર હંસને સમજાવતો કે, 'હંસભાઈ તમે પણ અમારા બધાની સાથે કિનારે ફરો અને આ નાના જે બાળકો આવે એની સાથે માજા કરો. પાઉંના ટુકડા કે મમરા ખાઓ ખૂબ મજા આવશે. તમારે આમ પથ્થરો પછી નહીં ખાવા પડે.'
પણ હંસ અભિમાનમાં ને અભિમાનમાં કચબાનું અપમાન કરી બોલતો, 'તું ફેકલું ખાયાં કર મારે તારી સલાહની જરૂર નથી', કહીં મોં ફેરવી જતો રહેતો.
એક સાંજે તળાવમાં ફરતા ફરતા હંસ હાયેસિન્થના ફૂલોની પતલી ડાળખીઓમાં ફસાઈ ગયો. તેના લાંબા પગ વેલીઓના પાંદડા અને શાખામાં બંધાઈ ગયા. જેમ એ છૂટવાની કોશિષ કરતો તેટલો વધુ જકડાતો ગયો. થોડી વારમાં ફરતા ફરતા ત્યાં બતકોનું ટોળું આવ્યું અને ખૂબ પ્રેમથી પૂછ્યું, "શું થયું હંસભાઈ; કોઈ મુશ્કેલી હોઈતો કહો અમે મદદ કરીએ."
હંસ થોડીવાર સુધી કંઈ ના બોલ્યો, આ જોઈ બતકો પરત ફરી રહ્યા હતાં. હંસને છૂટવાનો કોઈ રસ્તો ના સુઝ્યો એટલે બતકોને ફરી બોલાવી પોતાની પરિસ્થિતિ કહીં. થોડી વારમાં બતકોએ માછલીઓને ભેગી કરી હંસની હાલત જણાવી. માછલીઓ અને કાચબાઓ ભેગા થઈ પાણીમાં અંદર જઈ હંસના પગમાં જેટલી ડાળખીઓ અને રેસાઓ વીંટળાઈ હતી તે બધી જ પોતાના દાંત વડે કાતરી નાંખી જેથી હંસના પગ છૂટા થઈ ગયા.
ભાગ -૨ - આવતા સોમવારે