- રાજુલ કૌશિક
બાળકો, પહેલાના સમયમાં મિલો હતી એ તો ખબર છે ને? એમાં સવાર સાંજની પાળીઓ રહેતી. સવારે પાળી શરૂ થાય અને સૌ કામદારો કામ પર લાગે. એવી રીતે મોટી ફેક્ટરીઓમાં પણ ઘણા બધા કામદારો કામે રહેતા. પાળી શરૂ થાય એટલે બહાર ચોપડામાં પોતાનું નામ અને કામે ચઢ્યાનો સમય લખીને કામે લાગે અને સાંજ પડે પોતાનું કામ આટોપીને બહાર રાખેલા પેલા ચોપડામાં પોતાનું નામ અને કામ પુરો કર્યાનો સમય લખીને ઘેર જવા નીકળે, જેનાથી એમના કામના કલાકોની ગણતરી મુકાય અને એ પ્રમાણે વેતન મળે.
આવી જ લગભગ પાંચસોથી પણ વધારે કામ કરતાં કામદારો હોય એવી એક ફેક્ટરીના મેનેજરની વાત છે. સવારે આઠ વાગે શરૂ થતી આ ફેક્ટરી સાંજે સાતના સુમારે બંધ થતી. હવે આટલી મોટી ફેક્ટરીમાં કામ કરતાં લોકોને પોતાના કામ અને સાંજ પડે ભરાતી પાળીના ધોરણે મળતાં પૈસામાં જ રસ હોય ને? બહુ બહુ તો પોતાની આસપાસ કે જમવા ટાણે ભેળા બેસીને જમતા હોય એવા બે-ચાર લોકો સાથે બોલો-ચાલો અને મનમેળ હોય.
સવારે શિફ્ટ શરૂ થાય ત્યારે ફેક્ટરીની બહાર એક બાજુ ટેબલ લઈને બેઠેલા વૉચમેન પાસે હાજરીનો ચોપડો રહેતો, જેમાં સવારે સૌ આવે એટલે ત્યાં પોતાના આવવાના સમયે નામ લખીને સહી કરે એવી રીતે પાછા જતાં સમય અને સહી… બસ વાત પતી ગઈ. આ બહાર બેઠેલો વૉચમેનન પણ સંનિષ્ઠાથી પોતાની જવાબદારી નિભાવે. સૌની ઉતાવળ પારખીને કામ પુરતું કામ રાખે.
એક દિવસ આ ફેકટરીના મેનેજરને કામનો થોડો બોજો વધારે હતો એટલે થયું કે, કામ પુરૂં કરીને જ નીકળું. વળી એ પછીનો દિવસ એટલે રવિવાર. મેનેજરને બીજા દિવસે આવતી રજામાં માથા પર ભાર નહોતો રાખવો. કામમાં મશગૂલ મેનેજર બહારથી ફેકટરીનો મેઇન પાવર સપ્લાય બંધ થયો ત્યારે સફાળા ચમક્યા.
હવે? બહાર કેવી રીતે નીકળવું? ફેકટરી બંધ થઇ ગઈ હોય, તાળા પણ દેવાઇ ગયા હોય. ફેકટરીના તોતિંગ દરવાજા પર તો હાથ પછાડે કે માથા કશું વળવાનું નહોતું એવી ખબર તો હતી જ. હવે કરવું શું ? મેનેજરને ફડક પેઠી. આ કારમી ઠંડીમાં પોતાની શી વલે થશે એના વિચારે આખા શરીરમાં પસીનો છૂટી ગયો. એ સમયે મોબાઇલ જેવી સગવડ ક્યાં? અને ફોન કરે તો પણ કોને? ઘરનાં ને? ફેકટરીના માલિકને? અંધારામાં ફોન પણ કેવી રીતે કરે? અમથાય ફેક્ટરીના આ અંધકારમાં તો સાંજ છે કે રાત અણસાર સુદ્ધાં ના રહ્યો. જામતી રાતે ઠંડી પણ વધવા માંડી ત્યારે ખ્યાલ આવ્યો કે સમય ઘણો આગળ નિકળી ગયો છે
ભયની ભૂતાવળ મન પર સવાર થવાની તૈયારીમાં જ હતી કે દૂરથી ઠક..ઠક..ઠક. અવાજ સંભળાયો. હાથમાં ટોર્ચ લઈને કોઇ ભીંતે લાકડી ઠોકતું ઠોકતું આગળ આવતું હોય એવું લાગ્યું તો ખરું. પણ ના આ તો મારી ભ્રમણા જ હશે. આટલી મોડી રાતે તો વળી કોણ ફેકટરી ખોલીને આવતું હશે? ધીમે ધીમે અવાજ પાસે આવતો ગયો એમ મેનેજરના શરીરમાં જરા ચેતન આવતું હોય એવું લાગ્યું.
અરે ! આ તો વૉચમેન.
'સાહેબ, સાહેબ' કરીને ટોર્ચના અજવાળે આગળ આવી રહેલા વૉચમેનને જોઇને મેનેજરના શરીરમાં જરા જોમ આવ્યું.
“ભલું થજો ભાઇ તારું, આજે તો તું મારો તારણહાર બનીને આવ્યો પણ તને કેમ કરીને ખબર પડી કે હું અંદર છું.”
“સાહેબ,ખબર કેમ ના પડે? આટલા બધામાં એક તમે જ તો છો કે સવારે આવો ત્યારે અને સાંજે પાછા જાવ ત્યારે મને બોલાવ્યા વગર નથી રહેતા. બાકી તો સંધાય - જે આવે છે અને ચોપડામાં પોતાના નામનું મત્તું મારે છે અને જાય છે ત્યારે ય પોતાના નામનું મત્તું તો મારતા જાય છે. પણ સમ ખાવા પુરતું ય જો સામે જોતા હોય. તમારે તો મત્તુ મારવાય ઊભા રહેવાનું નથ તો ય સાહેબ! આટલા વર્ષોમાં તમે એક દિ બોલાવ્યા વગર રહયા નથ. આજે સવારે તમે આવ્યા એ તો જાણ્યું પણ પાછા વળ્યા એનો અણહાર ના રહ્યો એટલે થયું કે નક્કી કોઇ ગરબડ છે બાકી મારા સાહેબ ક્યારેય બોલાવ્યા વગર ના જાય. મન માન્યું નહીં અને એટલે જ સાહેબ! ઘર પોંકવાના અડધે રસ્તેથી હું પાછો વળ્યો."
સાહેબની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. પોતાનું એક સ્મિત કે “કેમ નાથુભાઇ કેમ છો?” જેવા ગણીને રોકડા નવ શબ્દો નવજીવન બનીને સામે આવશે એવી તો ક્યાંથી કલ્પના હોય?
મોટાભાગે એવું બને છે કે આપણે આપણી જાત સાથે એટલા વ્યસ્ત હોઇએ છીએ કે, આસપાસની દુનિયાને પણ વિસરી જઈએ છીએ. કામ પુરતું કામ. કામચલાઉ અને ખપ પુરતાં સંબંધો એ આજની વ્યસ્તતાની વ્યાખ્યા છે. જરૂર પડે સૌને પોતાનાથી મોટા કે અગત્યના લોકો સાથે જ સંબંધ કેળવવામાં રસ હોય છે. જીવનની રફ્તારમાં અનેક લોકો આવશે અને જશે પણ આપણામાં એટલું તો સૌજન્ય હોવું જોઇએ કે, આસપાસનાને સાવ વિસરી તો ન જ જઈએ. કોણ ક્યારે આપણા જીવનમાં મસીહા બનીને આવશે એની તો આપણને ખબર નથી. પણ કોઇના જીવનને, કોઇના દિનને આપણા સ્મિતથી ઉજાળી શકીએ તો એના માટે ય કેટલું અકસીર નીવડશે?
દરેક વ્યક્તિ મહત્વની છે, એ સ્વીકારી લઈએ તો પણ ઘણું .
ભઈ વાહ !
ખૂબ જ સરસ ….