- દેવિકા ધ્રુવ
પ્રિય શબ્દપ્રેમી વિદ્યાર્થીઓ,
આજે આત્મવિશ્વાસ શબ્દ વિશે થોડું જાણવાનો પ્રયત્ન કરીએ.
આત્મ+ વિ+શ્વસ+અ
- આ રીતે આ શબ્દ બંધાય. આ બધાનું મૂળ સંસ્કૃતમાં છે. હવે આત્મા એટલે આપણી અંદર રહેલો જીવ. જે વિશેષ રૂપે શ્વાસ લે છે એટલે કે, વિશ્વાસથી જીવે છે, ભરોસો રાખે છે, શ્રધ્ધાપૂર્વક રહે છે તે ગુણને આત્મવિશ્વાસ કહે છે.
આ શબ્દમાં એક ચમત્કારિક જાદૂ છે. હા, હું તેને જાદૂ જ કહીશ. કારણ કે, તેનાથી જીવનમાં ચમત્કારિક અસરો થાય છે જ. આજે આ શબ્દની ઝાઝી વ્યુત્પત્તિ નહિ કરીએ. પણ એક મઝાની, ક્યાંક વાંચેલી એક સરસ વાર્તા યાદ આવે છે તે કહું છું.
એક નાનકડું ગામ હતું. લોકો ભલાં, ભોળાં,સીધાં સાદાં હતાં અને હળીમળીને એકમેકની સાથે આનંદપૂર્વક જીવતાં હતાં. એક વર્ષ એવું બન્યું કે, ગામમાં પાણીની અછત ઊભી થઈ. કારણ કે, વરસાદ પડ્યો જ નહિ. મેઘરાજા રિસાઈ ગયા હતા. લોકોને તકલીફ પડવા માંડી અને સૌ ચિંતામાં પડી ગયાં કે હવે શું થશે? પાણી વગર તો કેમ જીવાશે? નદીનાળાં સૂકાવા માંડ્યાં, ગામના કૂવા ખાલી થયા. સૌએ ભેગાં થઈ નિર્ણય કર્યો કે, હવે તો એક જ રસ્તો છે કે આપણે ખરા દિલથી ઈશ્વરને પ્રાર્થના કરીએ કે, કોઈ ઉપાય બતાવો.
એક વહેલી સવારે, ગામ આખું સાથે મળીને પ્રાર્થના કરવા ભેગું થયું. નાના મોટાં સૌ કોઈ આવી ગયાં. એક નાનકડો છોકરો જરા મોડો પડ્યો. એ દૂરથી હાથમાં છત્રી લઈને આવતો દેખાયો. કેટલાંક લોકો હસવા માંડ્યાં.એની મશ્કરી કરવા લાગ્યાં કે અલ્યા, વરસાદ નથી પડતો તેને માટે તો અહીં ભેગા થયાં છીએ અને તું છત્રી લેવા દોડ્યો? ચાલ,ચાલ, જલદી કર તો પ્રાર્થના શરૂ કરીએ.
છોકરો કંઈ ન બોલ્યો. માત્ર જરા હસીને એટલું જ બોલ્યો કે, કદાચ આપણી પ્રાર્થના ઈશ્વર સાંભળે અને વરસાદ પડે તો છત્રી જોઈએ ને?
થોડીવારમાં પ્રાર્થના શરૂ થઈ. કલાકો સુધી લોકો પ્રાર્થના કરતા રહ્યાં. કંઈ ન થયું. લોકો પ્રાર્થના કરી કરીને થાક્યાં અને ઘર તરફ જવાની તૈયારી કરવા માંડ્યાં. પેલો છોકરો હજી બંધ આંખે, માથું નમાવી પ્રાર્થના કરી રહ્યો હતો.
ત્યાં તો વીજળીના કડાકા શરૂ થયા,પવન ફૂંકાવા માંડ્યો અને પળવારમાં તો સાંબેલાધાર વરસાદ તૂટી પડ્યો!
લોકો તો ગાંડાઘેલાં બનીને નાચવા માંડ્યાં, નાસભાગ કરવા માંડ્યાં અને પેલો નાનકડો છોકરો,શાંતિથી માથે છત્રી ઓઢી,ધીરે પગલે,ઘર તરફ ચાલવા લાગ્યો.
આ હતો તેનો આત્મવિશ્વાસ. ઈશ્વર પર તેને પૂરેપૂરો વિશ્વાસ હતો કે જો ખરા દિલથી પ્રાર્થના થશે તો એ જરૂર સાંભળશે અને વરસશે.
ગામના લોકોને ત્યારે સમજાયું કે, આત્મવિશ્વાસ તે આનું નામ. ક્યાંય કશીયે આશા ન હોય, કોઈ એંધાણ ન હોય છતાં અંતરમાં જો આત્મવિશ્વાસ હશે તો જરૂર ચમત્કાર જેવું કંઈક થશે જ અને મદદ કે ઉપાય કે રસ્તો જરૂર મળશે જ. દોસ્તો, જીવનમાં આવા આત્મવિશ્વાસની ખૂબ જ જરૂર હોય છે.
આવી જ એક બીજી સાચુંકડી વાત. મને શબ્દરમત બહુ જ ગમે અને કવિતા પણ ખૂબ વહાલી લાગે. આ બંનેને કારણે એક દિવસ મનમાં એક વિચાર આવ્યો કે 'ચાલને, કંઈક નવું લખું!' તો મેં શું કર્યું, ખબર છે?
માત્ર ‘ક’ પરથી શરૂ થતા શબ્દો ગોઠવીને કંઈક રચના કરી. એને કવિતા તો ન કહેવાય. કારણ કે, કવિતા તો બહુ મોટી વાત કહેવાય. પણ મનના પેલા, ઘેલા તરંગને લીધે ઘણા બધા ‘ક’થી શરૂ થતા શબ્દો પર આ પ્રમાણે કામ કર્યું કે,
કોમળ કોમળ કરમાં કંગન,
કંચન કેરા કસબી કંકણ;
કંઠે કરતી કોકિલ કુજન,
કુંવારી કન્યાના કાળજે કુંદન.કળી કળીના કમનીય કામણ,
કંડાર્યા કવિએ કોરે કાગળ.
કુમકુમ કંકુ,કીકીના કાજલ,
ક્વચિત કિંચિત,કામના કારણ.કાલિન્દીના કાંઠડે કેડી,
કોતરી કોણે કદંબ કેરી ?
કટક,કીડી કે કુટિર કોઇની,
કણકણ કૃષ્ણ કનૈયે કોરી.
હવે આ વાંચીને આપણા સુરેશદાદાએ એકવાર એમ લખ્યું કે, 'આ રીતે હવે બધા જ અક્ષરો લઈને આખા કકકા પર કામ કરો ને?' તો મેં એમની વાતને હસી ન નાંખી. મેં સાચેસાચ એ રીતે મારું કામ આગળ વધાર્યું અને આપણા મૂળાક્ષરોના બધા જ અક્ષરો પર આવું જ કંઈક કંઈક લખ્યું. એ પણ આત્મવિશ્વાસ જ કહેવાય ને?
તો હવે પછી આપણે તમે પણ આવી એક એક અક્ષર પરની એવી પદ્યરચના બનાવશો? રમતની રમત અને ગમ્મત સાથે જ્ઞાન. બરાબર ને?
તો આજે આત્મવિશ્વાસની આટલી વાતો બસ..
“ક” ની કવિતા બહુજ ગમી.