અભિમાની હંસ – ૨

  - પ્રીતિ ભટ્ટ  

       હંસ પોતાને મુશ્કેલીમાંથી મુક્ત થયેલો જોઈને હાશકારો અનુભવતો આનંદમાં આવ્યો. પરંતુ હજી તેને તેનું અભિમાન અકડાઈ છોડવા દેતું હતું. મનમાં બતક, માછલી અને કાચબાને મારી કોઈ ગરજ હશે એમ વિચારી અકળાઈને બોલ્યો, "તમને લોકોને મેં તો કદી કોઈ મદદ કરી નથી તો પણ તમે બધાએ મને કેમ મદદ કરી?? જલ્દી બોલો તમને મારી પાસેથી શું જોઈ છે?"

   બતકોમાંથી એક વૃદ્ધ બતક બોલ્યું, "હંસભાઈ, તમે તો તળાવની શોભા છો. તમને જોવા તો લોકો આવે છે અને તમારે કારણે બાળકો અમને ખાવાનું નાખે છે, અને અમને ખાવાનું મળે છે. તમે ના હો તો અહીં કોણ આવવાનું? એટલે તમે તો અમારા બધાના સર્વોપરી છો તમારી મદદ કરવી અમારી ફરજ છે."

      આવા વિનમ્ર શબ્દો સાંભળતાં હંસનું બધું અભિમાન ઓગળી ગયું, અને પોતાની ભૂલ સમજાઈ ગઈ. અને પોતાની મુશ્કેલીની ઘડીમાં આ લોકોએ મને મદદ કરી અને ઉપરથી મારા વખાણ કર્યા!  'જો બધાં મને મદદ કરત તો કદાચ મારે વધુ મુશ્કેલીનો સામનો કરવો પડત અને આખી રાત આમ છટપટાવવું પડત. વાસ્તવમાં તો બાળકો તો મને પથ્થર મારે છે.  બધાં મને નહીં પરંતુ માછલી બતક કાચબા અને રંગીન પક્ષીઓને જોવા આવે છે. છતાં બધાંએ મને તેનો યશ આપ્યો! હું સાચે બધાં સાથે ખોટું વર્તન કરી રહ્યો હતો હવે મારે લોકો સાથે આવું કરવું જોઈએ.'

    એમ વિચારી  હંસભાઈએ બધાંની દિલથી માફી માંગી અને મદદ કરવા બદલ સર્વનો આભાર માન્યો સાંભળતાં બતકો, કાચબાભાઈ, માછલીઓ અને રંગીન પક્ષીઓ આનંદમાં હંસભાઈની ફરતે ગોળ ગોળ કૂદમ કૂદ કરી ગેલ કરવાં લાગ્યાંહવેથી બતકો, માછલીઓ, કચબાઓ, સાથે હંસ પણ તળાવની મધ્યમાં બધાની સંગાથે ફરવા લાગ્યો, બાળકો આપે તે પ્રેમથી ખાવા લાગ્યો.

      આ જોઈ બાળકો પણ આનંદમાં આવી ગયાં. બાળકોને આનંદમાં કૂદતા જોઈ પોતે કેટલો ખોટો હતો એમ વિચારતો અને હવે આવું કદી નહીં કરીશ મનમાં ધારીને બધાં સાથે ફરતો થઈ ગતો. રંગીન પક્ષીઓ સાથે પણ દોસ્તી થઈ જતાં તેઓ હંસની પીઠે પણ બેસી મજા કરતાં. જોઈ સહેલાણીઓ અને બાળકોને ખૂબ આનંદ આવતો. હવે રમણીય તળાવની શોભા સાચાં અર્થમાં જોવા જેવી બની ગઈ.

    કદી પોતાના રૂપનું અભિમાન કરી કોઈને નીચા સમજવા નહીં. બધાની સાથે રહેવામાં સાચી સુંદરતા રહેલી છે.

--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *