- નિરંજન મહેતા
દર વર્ષે અપાતાં નોબેલ પુરસ્કારમાં ભારતીયોનું નામ આંગળીને વેઢે ગણી શકાય - જેમાં એક નામ છે સર સી.વી.રામન. તેમને ભૌતિકશાસ્ત્રમાં પ્રકાશની અસરની શોધ માટે આ પુરસ્કાર અપાયો હતો જે ‘રામન ઈફેક્ટ’ના નામે જાણીતી છે.
નિવૃત્તિ પછી તેમણે સંશોધન માટે એક પ્રયોગશાળા ખોલવાનો વિચાર કર્યો. આ પ્રયોગશાળામાં તેમને ત્રણ વૈજ્ઞાનિકોની જરૂર હતી અને તે માટે તેમણે અખબારોમાં જાહેરખબર આપી. આના જવાબમાં અસંખ્ય વૈજ્ઞાનિકોએ અરજી મોકલી, તે જાણવા છતાં કે તેઓ પસંદ નથી થવાના, કારણ આ બહાને આ મહાન હસ્તીને રૂબરૂ મળવાની તક ન ગુમાવવાનો તેમનો ઈરાદો હતો.
શરૂઆતમાં અન્ય લોકો આ ઉમેદવારોને મળ્યા અને તેમણે અંતિમ પાંચ ઉમેદવારોની પસંદગી કરી જેમાંથી સર સી.વી.રામન ત્રણની પસંદગી કરવાના હતાં. .
બીજે દિવસે સર સી,વી.રામન સવારના ફરવા નીકળ્યા ત્યારે એક નવયુવાન તેની રાહ જોતો ઉભો હોય તેમ તેમને જણાયું. તેમને ખયાલ આવ્યો કે આ તે પાંચ ઉમેદવારમાંથી એક છે જેની પસંદગી તેમણે કરી ન હતી.
સર સી,વી.રામને તેને પૂછ્યું કે, "શું સમસ્યા છે?" પેલા નવયુવાને જણાવ્યું કે, કોઈ સમસ્યા નથી પણ તેમની ઓફિસે ગઈકાલે મુલાકાત પત્યા બાદ જે પૈસા આપ્યા હતાં તેમાં તેણે જણાવ્યા કરતાં રૂપિયા સાત વધુ હતાં. તે જ્યારે પાછા આપવા ગયો ત્યારે ઓફિસમાંથી જણાવાયું કે હિસાબનો સમય પૂરો થઇ ગયો છે એટલે રૂપિયા સાત તે જ રાખી લે અને મોજ કરે. પણ તેની મુજબ જે પૈસા પોતાના નથી તે રાખવાનું તેને માટે ઉચિત ન હતું.
સર સી,વી.રામને કહ્યું, "તો શું તે રૂપિયા સાત પાછા આપવા માંગે છે?" તે યુવાને હા કહી એટલે સર સી,વી.રામને તે પૈસા તેની પાસેથી લઇ લીધા. થોડેક આગળ જઈ સર સી,વી.રામને તેને કહ્યું કે, બીજે દિવસે સવારે ૧૦.૩૦ વાગે તેમની ઓફિસમાં તેને મળે. આ સાંભળી તે નવયુવાન ખુશ થયો કે તેને ફરી વાર આ મહાન હસ્તીની મુલાકાત સાંપડશે.
બીજે દિવસે તે નવયુવાન નોબેલ પુરસ્કૃત સર સી,વી.રામનને મળ્યો ત્યારે તેમણે કહ્યું કે "બેટા, ભલે તું ભૌતિકશાસ્ત્રની પરિક્ષામાં ઉત્તીર્ણ ન થયો હોય, પણ પ્રામાણિકતાની પરિક્ષામા પાસ થયો છે. આને કારણે મેં તારા માટે અહીં એક નવી જગ્યા ઊભી કરી છે."
આ સાંભળી તે નવયુવાન આશ્ચર્ય તો પામ્યો પણ સર સી,વી.રામન સાથે કામ કરવાની તક મળી તેનો આનદ પણ થયો.
આગળ જતાં ૧૯૮૩મા આ નવયુવાને પણ ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કર્યો. તેમનું નામ છે પ્રોફેસર સુબ્રમણ્યમ ચંદ્રશેખર. હાલમાં તે ભારતીય અમેરિકન નાગરિક છે. સાત રૂપિયાએ કેવી રીતે તેની જિંદગીમાં બદલાવ આણ્યો તે વિષે તેમણે એક પુસ્તક પણ લખ્યું છે.
આના પરથી કહી શકાય કે, ભલે આવડતમાં કમી હોય જે ઘણીવાર સખત મહેનત, માર્ગદર્શન અને અન્યોની મદદથી દૂર કરી શકાય, પણ જો તમારા ચારિત્ર્ય અને સિદ્ધાંતોમાં ઓછપ હોય તો તે કશાથી પણ પૂરી નથી શકાતી. એટલે આઈનસ્ટાઈને કહ્યું છે કે
સફળ વ્યક્તિ બનવાનો પ્રયત્ન ન કરો
પણ હમેશ એક સિદ્ધાંતવાદી બનો.
VERY TRUE, HONESTY IS THE BEST POLICY.