ડોક્ટર અને મોચી

    સાભાર - શ્રી. હિરેન પંડ્યા

મુંબઈના વિખ્યાત ઓર્થોપેડિક ડોક્ટરે જે કહ્યું તે સાંભળીને અમદાવાદનાં અંકિતાબહેન ડઘાઈ ગયાં. એમનાં હાથમાં એમનો લાડકવાયો દીકરો હતો જે પોતાની મમ્મીની માનસિક હાલતથી બેખબર હતો.
ડોક્ટરે શબ્દોની ધણધણાટી બોલાવી દીધી હતી, ‘તમારા દીકરાને સેરેબ્રલ પાલ્સી નામનો રોગ છે એ તમે જાણો છો. એની સારવાર તો મેં આપી દીધી. પણ હવે એના બેય પગની અક્કડતા સુધારવા માટે તમારે ખાસ પ્રકારના શૂઝ બનાવડાવવા પડશે.
ના, અમદાવાદમાં નહીં, અહીં મુંબઈમાં જ બનાવડાવવા પડશે. મને બીજા કોઈની ઉપર વિશ્વાસ નથી. દીકરાની કસરત ચાલુ રાખજો. છ મહિના પછી પાછા ‘ચેક અપ’ માટે આવી જજો. તમે હવે જઈ શકો છો. પૈસા બહાર કાઉન્ટર ઉપર ચૂકવી શકો છો. બાય! નેકસ્ટ પેશન્ટ!’
ગુજરાતના કોઈ પણ દર્દીને લઈને ક્યારેય મુંબઈ ગયા છો તમે? જો ગયા હશો તો અવશ્ય ડઘાઈ ગયા હશો. ત્યાંના ડોક્ટરોની તોતિંગ ફી અને નખશિખ પ્રોફેશનાલિઝમ જોઈને તમને અચૂક લાગશે કે આપણા ડોક્ટરો તો સાવ મફતમાં સારવાર આપે છે.
દોષ ત્યાંના ડોક્ટરોનો નથી, પણ મુંબઈના જીવનધોરણનો છે. મોંઘવારી, ક્લિનિકની જગ્યાના આસમાનને સ્પર્શતા ઊંચા ભાવ, દેશભરમાંથી આવતા દર્દીઓનો ધસારો, આમાં ડોક્ટરો ધંધાદારી ન બને તો શું કરે?
આ ડોક્ટર પણ એવા જ મજબૂર મહાત્મા હતા. પૂરા દેશમાં અમનું નામ છે. પ્રથમવારની કન્સલ્ટિંગ ફી ત્રણ હજાર રૂપિયા. દર્દી માટે ફાળવી શકાતો સમય પાંચેક મિનિટ કરતાં વધારે નહીં. અંકિતાબહેન દીકરાને ઊંચકીને બહાર નીકળ્યાં. પર્સ કાઉન્ટર પર ઊંધું વાળીને રસ્તા પર આવી ગયાં. ટેક્સી કરીને શૂઝ બનાવનારની ઓફિસે જઈ પહોંચ્યાં. દીકરાના પગનું માપ આપ્યું.
શૂ-મેકરે કીધું ‘બે દિવસ પછી આવજો. બૂટ તૈયાર હશે.’‘ભલે અંકિતાબહેન ઊભાં થયાં, અત્યારે કંઈ આપવાનું છે? એમનાં મનમાં એમ કે સો-દોઢસો રૂપિયા એડવાન્સ પેટે કદાચ આપવાના થશે.‘પાંચ હજાર રૂપિયા.’ માણસે સપાટ ચહેરે કહી દીધું ‘પૂરું પેમેન્ટ આજે જ આપવું પડશે. પછી જ અમે કામ શરૂ કરીશું.’
અંકિતાબહેન પાસે એ.ટી.એમ કાર્ડ હતું એ અત્યારે મદદે આવ્યું. રકમ ચૂકવીને ફરી પાછાં રસ્તા ઉપર. ફરી પાછી ટેક્સી. ફરી પાછું યજમાનનું ઘર એટલું વળી સારું હતું કે શાળાના વખતની જૂની બહેનપણી મુંબઈમાં પરણીને સેટલ થયેલી હતી, નહીંતર હોટેલમાં રહેવાનો ખર્ચ ઊંટની પીઠ પરના છેલ્લા તણખલા જેવો સાબિત થયો હોત.
પણ આ બધું કરવું જ પડે તેમ હતું. ત્રણ વર્ષના વહાલા દીકરા રમ્ય માટે આ દોડધામ, આ હાડમારી, આ ખર્ચાઓ, માનસિક-આર્થિક-શારીરિક એમ ત્રિવિધ પ્રકારની હાલાકીઓ ઊઠાવવી જ પડે તેમ હતી. રમ્ય સાચ્ચે જ રમ્ય હતો. પરાણે વહાલો લાગે તેવો. ટ્રેનમાં બેઠેલા અજાણ્યા પ્રવાસીઓ પણ એને રમાડવા માટે ઊંચકી લેતા. પણ હાથમાં લીધા પછી તરત જ પૂછી બેસતા ‘બેન આના પગમાં કંઈક ખોડ છે?’
સાંભળીને અંકિતાની છાતી ચીરાઈ જતી. એ બંને એટલા ઓછા વાક્યોમાં માહિતી સમાવી દેતી – ‘હા, એને જન્મથી જ સેરેબ્રલ પાલ્સીની બીમારી છે. મગજમાં કે એની વિચારશક્તિમાં કશું નુકસાન નથી, પણ પગના સ્નાયુઓમાં અક્કડતા આવી જાય છે. સારવાર ચાલુ છે. ડોક્ટરો કહે છે કે આગળ જતાં બહુ વાંધો નહીં આવે.’
જગતના શ્રેષ્ઠ ઓર્થોપેડિક ડોક્ટરોમાંના એક ડોક્ટર મુંબઈમાં હતા. એનું નામ સાંભળીને અંકિતા એમની પાસે દોડી ગઈ હતી. ડોક્ટરે ત્રણ વર્ષના રમ્યને બેહોશીનું ઇન્જેક્શન આપીને એના બંને પગના સાંધાઓમાં એક ખાસ પ્રકારનું ઇન્જેકશન આપ્યું હતું. એ દવાને કારણે અમુક મહિનાઓ સુધી પગના સ્નાયુઓ શિથિલ બની જવાના હતા. બાકીનું કામ ફિઝિયોથેરાપી અને ખાસ બનાવટના બૂટ દ્વારા પૂરું કરવાનું હતું.
શ્રેષ્ઠ સારવાર માટે મહત્તમ ધન ખર્ચીને અંકિતા પાછી અમદાવાદ આવી ગઈ. ફિઝિયોથેરાપી માટે રોજ દોઢથી બે કલાકનો ભોગ આપવો પડતો હતો. પતિની આવક મર્યાદિત હતી, સારવાર માટેની જાવક અમર્યાદિત હતી. અમદાવાદ આવ્યાને માંડ એકાદ મહિનો થયો હશે, ત્યાં બીજી મુશ્કેલી ઉત્પન્ન થઈ.
રમ્ય આખો દિવસ બૂટ પહેરી રાખતો હતો, એના લીધે બૂટના તળિયા ઘસાઈ ગયા. હવે શું કરવું? રમ્યના પપ્પાએ મુંબઈમાં ફોન લગાડ્યો. બૂટ બનાવનારે કહી દીધું ‘નવા સોલ નખાવવા પડશે, નહીંતર બૂટને નુકસાન થશે તો નવેસરથી પાંચ હજારનો ખર્ચ…’
‘ના ભ’ઈસા’બ અમે નવા તળિયાં નખાવડાવી લઈશું.’ ‘જુઓ, ત્યાં અમદાવાદમાં કોઈ કરી આપે એવું છે કે કેમ? નહીંતર કુરિયર દ્વારા અમારી પાસે મોકલી આપજો. અઠવાડિયામાં તમને બૂટ પાછા મળી જશે. મુંબઈગરાની વાત સાંભળીને અમદાવાદના મઘ્યમવર્ગીય પતિ-પત્ની ગભરાઈ ઊઠ્યા.
પૈસા! પૈસા! પૈસા! ન ધારી હોય એવી દિશાએથી નવા-નવા ખર્ચાઓ ઊભા થઈ રહ્યા હતા. માનવતા નામનો શબ્દ જાણે જગતમાંથી નષ્ટ થઈ ચૂક્યો હતો! કોઈની લાચારીમાંથી લોકોને રૂપિયાની ફસલ લણી લેવી હતી. શું કરવું? ક્યાં જવું?
કોઈએ માહિતી આપી, ‘અમદાવાદમાં એક મોચી છે. બહુ નાનો માણસ છે પણ કારીગર તરીકે મોટો છે. જાહેર રસ્તાની ફૂટપાથ ઉપર બેસીને જૂતાં સાંધવાનું અને પોલિશ કરી આપવાનું કામ કરે છે. કોઈ એક્સપર્ટની દુકાને જવાને બદલે આ ગરીબ કારીગર પાસે જઈ આવો. કદાચ કમ ખર્ચમાં તમારું કામ થઈ જાય!’
અંકિતાના દિમાગમાં વાત જચી ગઈ. બૂટ લઈને એ પહોંચી ગઈ. પાંત્રીસેક વર્ષનો એક લઘરવઘર આદમી ફૂટપાથ ઉપર પાંચ-સાત ડબ્બીઓ, બે-ચાર બ્રશ અને જૂતાં રિપેર કરવાનો સરંજામ લઈને બેઠો હતો. કારીગર હોશિયાર હોવો જોઈએ, કારણ કે એની આગળ ઘરાકોની લાઈન લાગી હતી.
કોઈ શો-રૂમમાં જેટલા નવા જૂતાં ન હોય, એટલી સંખ્યામાં જૂના બૂટ-ચંપલો આ ફૂટપાથિયાના દરબારમાં જોઈ શકાતા હતા.
સ્ત્રીને આવેલી જોઈને મોચીએ પૂછ્યું, ‘આવો, બહેન, આ તરફ આવી જાવ! તમારે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. બોલો, શું લઈને આવ્યાં છો?’ બોલતી વખતે પણ એના હાથ તો ચાલુ જ હતા. અંકિતાએ થેલીમાંથી બૂઢ કાઢ્યા. તરત જ મોચી થંભી ગયો, ‘દીકરો કે દીકરી?’
‘દીકરો છે?’
‘તળિયાં ઘસાઈ ગયા છે ને? અરેરે! આ બીમારી જ એવી છે, પણ તમે ચિંતા ન કરશો, બે’ન. બૂટ મૂકતાં જાવ. આવતી કાલે લઈ જજો.’
‘પણ જોજો હં, કામ બગડે નહીં…’
મોચી હસ્યો, ‘બે’ન, મારું નામ દિનેશ છે અને આખું અમદાવાદ જાણે છે કે દિનેશ આવા કામમાં મુંબઈના કારીગર કરતાંયે વધુ હોંશિયાર છે. આ ઘસાઈ ગયેલા તળિયાં કાઢીને ચામડાના નવા સોલ લગાડવાનું કામ બહુ મહેનત માગી લે તેવું છે બેન.
એટલા માટે તો મેં એક દિવસનો સમય માગ્યો છે અને બીજી એક વાત તમે જાણી લો, તમારા દીકરા જેવી બીમારીવાળા તમામ બચ્ચાંઓના બૂટ આ દિનેશ જ સમારી આપે છે તમે ફિકર ન કરશો!’
ધમધમતો ધંધો, માથે પડતી ઘરાકી, ચાર-પાંચ સહાયકો અને સમયની ખેંચ હોવા છતાં મોચીએ શક્ય એટલી ઝડપથી રમ્યના બૂટ નવા જેવા કરી આપ્યા. બીજા દિવસે જ્યારે અંકિતા વાયદા પ્રમાણેના સમયે જઈ પહોંચી, ત્યારે એનાં મનમાં આવી ગણતરી ચાલી રહી હતી, ‘આ કામ માટે મોચી સોથી દોઢસો રૂપિયા તો જરૂર લેશે જ.’
પણ એને આંચકો ત્યારે લાગ્યો જ્યારે દિનેશે જીર્ણોદ્ધાર પામેલા બૂટ એનાં હાથમાં મૂકીને કહ્યું ‘ના, બે’ન! આ કામનો હું એક પણ પૈસો નથી લેતો. આખા અમદાવાદમાં મારી મોનોપોલી છે એ હું જાણું છું, પણ…. ના… ભગવાને મને પૂરતી કમાણી આપેલી છે. તમારો જો ખૂબ જ આગ્રહ હોય તો ફી પેટે એક માગણી મૂકું છું – આવતા મહિને ફરી પાછા આવો ત્યારે તમારા મુન્નાને પણ લેતાં આવજો.’
‘કેમ?’
‘બીજું કંઈ કામ નથી, બે’ન! પણ મને ખબર તો પડે કે હું કયા ભગવાન માટે આ ભક્તિ કરી રહ્યો છું!’ બોલતાં બોલતાં દિનેશનું ગળું ભીનું થઈ ગયું અને સાંભળીને અંકિતાની આંખો!
મોચીની ભક્તિ મહિના-દર-મહિના ચાલતી રહી. પણ એક દિવસ અંકિતા માટે વીજળી બનીને ત્રાટક્યો. એ જ્યારે બૂટના સમારકામ માટે દિનેશના પાથરણાં પાસે પહોંચી ત્યારે દિનેશ ગાયબ હતો. એની જગ્યાએ એક વીસેક વર્ષનો યુવાન બેઠો હતો.
અંકિતાના ચહેરા પર ફૂટેલો સવાલ વાંચીને યુવાને બાજુના ઝાડ તરફ આંગળી ચીંધી. વૃક્ષના થડ ઉપર સ્વ. દિનેશની ફ્રેમમાં મઢેલી છબિ લટકતી હતી. એની ઉપર તાજા ફૂલોની માળા ચડાવેલી હતી.
યુવાને માહિતી આપી, ‘એ મારા કાકા હતા. વીસ દિવસ પહેલાં એક અકસ્માતમાં ગુજરી ગયા. સાઇકલ પર જતા હતા, પાછળથી બસ ધસી આવી, કાકા ચગદાઈ ગયા… પણ તમે નિરાશ ન થશો, બે’ન! લાવો, તમારાં દીકરાના બૂટ! હું રિપેર કરી આપું છું. દિનેશકાકા ખાસ મહેનત લઈને આ કારીગરી મને શીખવતા ગયા છે.’
અંકિતા કશું બોલી ન શકી, થેલીમાંથી બૂટ કાઢીને એણે યુવાનના હાથમાં મૂકી દીધાં. બીજા દિવસે જ્યારે એ પાછી આવી ત્યારે બૂટ ‘નવાં’ બની ગયા હતા.
અંકિતાએ પર્સ ખોલ્યું, ‘કેટલા રૂપિયા આપું?’
‘એક પણ નહીં.’ યુવાને જવાબ આપ્યો, પછી ઉમેર્યું ‘દિનેશકાકા આ વાત પણ મને વારસામાં શીખવતા ગયા છે. બહેન, જીવનભર આ ચામડાં ચૂંથતા રહીએ છીએ. ક્યારેક તો આવા ભજન-કીર્તન કરવા દો!
ફરી એકવાર બોલનારનું ગળું અને સાંભળનારની આંખો ભીની બની ગઈ. અંકિતાને આજે પહેલી વાર સમજાયું કે જગતમાં બધે ઠેકાણે પૈસાનું ચલણ નથી હોતું. ફૂટપાથ પર બેઠલો મોચી મેટ્રોસિટીના ડોક્ટર કરતાં પણ વધુ મોટો હોઈ શકે છે. ફૂટપાથ પરની આ ફાઇવ-સ્ટાર હસ્તીને સલામ!

 -  ડો. શરદ ઠાકર

One thought on “ડોક્ટર અને મોચી”

  1. મા ડો. શરદ ઠાકરની પ્રેરણાદાયક ઘણી વાતો અવારનવાર મૂકતા રહેશો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *