ટાંકણી પડે તો?

       ‘ટાંકણી પડે તો પણ સંભળાય.’ એ સરસ શાંતિ માટેનો રૂઢિપ્રયોગ છે. એ શાંતિ ઉજાગર કરતા ત્રણ સાચ્ચા કિસ્સા અંગ્રેજીમાં જાણવા મળ્યા. તે ત્રણ કિસ્સાનો આ અનુવાદ છે.

મૂળ લેખક – લેફ્ટેનન્ટ જનરલ નિરંજન મલિક,

મોકલનાર – શ્રી. કિશોર બરહાટે

અમદાવાદ

   અમદાવાદમાં એક વખત ફિલ્ડ માર્શલ માણેકશા એક જાહેર સભામાં બોલવા માટે ઊભા થયા અને અંગ્રેજીમાં વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. સભામાં કોઈએ મોટેથી કહ્યું ,” ગુજરાતીમાં …” અને ટોળાએ એ સાદ ઉપાડી લીધો.

     ગુજરાતી… ગુજરાતી…ગુજરાતી…

      ફિલ્ડ માર્શલ સેમ બહાદુર તો અટકી ગયા. વેધક નજરથી સભાને ગાજતી કરી દેનાર એ જણ સામે જોયું અને બોલ્યા ( અલબત્ત અંગ્રેજીમાં  જ તો !

   ‘ મિત્રો! મારી લાંબી કારકિર્દીમાં હું ઘણી લડાઈઓ લડ્યો છું. શિખ રેજિમેન્ટની સાથે રહીને હું પંજાબી શીખી ગયો છું. મરાઠા રેજિમેન્ટ સાથે રહીને મરાઠી પણ શીખી ગયો છું. મદ્રાસ સેપર્સ સાથે રહીને તામીલ પણ મને આવડી ગયું છે. બંગાળ સેપર્સ સાથે રહીને બંગાળી અને બિહાર રેજિમેન્ટ સાથે રહીને હિન્દી પણ.  લો ને! ગુરખા રેજિમેન્ટ સાથે રહીને નેપાળી પણ મને આવડે છે.

   કમભાગ્યે ગુજરાતના એક પણ સૈનિક સાથે કામ કરવાનો અવસર મને મળ્યો નથી; જેની પાસેથી હું ગુજરાતી શીખી શક્યો હોત.”

અને સભામાં ….

‘ટાંકણી પડે તો પણ સંભળાય.’ -  એવી શાંતિ છવાઈ ગઈ !

[ જો કે, આ મહેણું એ જમાનામાં સાચું હશે. આજની તારીખમાં અનેક ગુજરાતી જવાનોએ ગુજરાતનું શૂરાતન દેશની ચરણે ધરેલું જ છે.]

પેરિસ

      ૮૩ વર્ષના અમેરિકન સદગૃહસ્થ શ્રી. રોબર્ટ વ્હીટિંગ પેરિસમા એરપોર્ટ પર પ્લેનમાં આવી પહોંચ્યા. ઇમિગ્રેશન ઓફિસરે એમનો પાસપોર્ટ માંગ્યો. ભાઈસાહેબ તો એમની બેગમાં ફંફોસવા માંડ્યા. પેલા અફસરે ટોળમાં પૂછ્યું,” તમે અગાઉ કદી ફ્રાન્સ આવ્યા છો?”

    શ્રી. વ્હિટિંગે જવાબ આપ્યો,” હા! પણ તે વખતે મારે પાસપોર્ટ બતાવવો પડ્યો ન હતો.“

   ઇમિગ્રેશન ઓફિસરે હવે કરડાકીથી કહ્યું,” અશક્ય! ફ્રાન્સમાં પ્રવેશનાર દરેક પરદેશીએ પોતાનો પાસપોર્ટ બતાવવો જ પડે.”

   અમેરિકન મહાશયે ઘણી સેકન્ડો સુધી પેલાની સામે જોયા કર્યું અને પછી શાંતિથી અને ગંભીર અવાજમાં કહ્યું –

   “ તે દિવસે સાંજના ૪-૪૦ થયા હતા અને ડી -ડેના દિવસે તમારા દેશને આઝાદ કરવા હું ઓમાહા બીચ પર ઊતર્યો હતો. પણ એક પણ ફ્રેન્ચ ઓફિસર મારો પાસપોર્ટ ચકાસવા ત્યાં હાજર ન હતો.”

‘ટાંકણી પડે તો પણ સંભળાય.’ -  એવી શાંતિ છવાઈ ગઈ !

  નવી દિલ્હી

     ૧૯૪૭ માં બ્રિટિશ હકૂમત પાસેથી આઝાદી મેળવ્યા બાદ,કામચલાઉ વડા પ્રધાન શ્રી. જવાહરલાલ નહેરૂએ લશ્કરના સર્વોચ્ચ અધિકારીની નિમણૂંક કરવા માટે  સિનિયર લશ્કરી અફસરોની એક મિટિંગ બોલાવી. તેમણે સૂચન મૂક્યું ,” આપણી પાસે આટલી મોટી જવાબદારી લઈ શકે, તેવા સર્વગ્રાહી અનુભવ વાળો કોઈ લશ્કરી અધિકારી નથી, એટલે આપણે કોઈ બ્રિટિશ અધિકારીને આ પદ પર નીમવો જોઈએ. “

   બ્રિટિશ અધિકારીઓની નીચે જ હમ્મેશ કામ કરતા આવેલા અને આટલી મોટી નેતાગીરીનો કદી અનુભવ ન લીધો હોય તેવા  બધાએ સંમતિમાં ડોકાં ધૂણાવ્યાં.

      પણ એક સિનિયર અધિકારી શ્રી. નથ્થુસિંગ રાઠોડે બોલવા માટે પરવાનગી માંગી.  નહેરૂ તો એમની આ હરકતથી જરાક ચીડાયા પણ સંયમ રાખીને તેમને બોલવા કહ્યું.

   રાઠોડ બોલ્યા,” સાહેબ, જુઓ! આપણી પાસે આટલા મોટા દેશનું શાસન સંભાળવાનો અનુભવ હોય તેવું પણ કોઈ નથી. આથી એ કામ પણ કોઈ મોટા બ્રિટિશ ઓફિસરને જ સોંપવું ના જોઈએ ?”    

‘ટાંકણી પડે તો પણ સંભળાય.’ -  એવી શાંતિ છવાઈ ગઈ !

     ગલવાઈ ગયેલા નહેરૂજીએ રાઠોડને થોડીક વાર રહીને પૂછ્યું,” તમે એ જવાબદારી લેવા તૈયાર છો?”

     નમ્ર વ્યક્તિત્વ વાળા શ્રી. રાઠોડે આ આમંત્રણ માટે ના પાડી અને કહ્યું કે, “ આપણી પાસે બહુ જ કાબેલ અને મારાથી સિનિયર એવા જનરલ કરિઅપ્પા છે જ. તે જ અમારા બધામાં આ માટે સૌથી વધારે યોગ્ય રહેશે.”

     ત્યાર બાદ જનરલ કરિઅપ્પાની  પહેલા જનરલ અને નથુસિંગ રાઠોડની  પહેલા લેફ્ટેનન્ટ જનરલ તરીકે નિમણૂંક થઈ.

--
--

One thought on “ટાંકણી પડે તો?”

  1. ” ટાંકણી પડે તો પણ સંભળાય ” બહુ જ પ્રેરણાદાયક કિસ્સા . આવા અર્થપૂર્ણ કિસ્સાઓ અમને પીરસતા રહો એવી અપેક્ષા રાખું છું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *