બાર હાથ ચીભડું – કરસનદાસ લુહાર

લેખકઃ કરસનદાસ લુહાર

હરભમ હાથીની દીકરી હની ક્યાંક જઇ રહી હતી. ખૂબ ચાલવાથી એ થાકી ગઇ હતી. હવે ચલાતું નહોતું. ભૂખ સખત લાગી ‘તી. રસ્તામાં કાનુકીડી મળી. કાનુએ પૂછ્યું, ‘હની કેમ ધીમી ધીમી ચાલે છે ? થાકી ગઇ ?’

હની કહે, ‘હા, સાવ થાકી ગઇ છું. ભૂખ પણ બહુ લાગી છે. શું કરું ?’

કાનુ કહે, ‘અરે, એમાં શું મુંઝાઇ ગઇ ? ચાલ બેસી જા મારી પીઠ પર !’

હની તો કાનુકીડીની પીઠ પર બેસી ગઇ. કાનુ એને ઉપાડીને ચાલવા લાગી. હનીને મજા આવી ગઇ. રસ્તામાં ચણાનું ખેતર આવ્યું. ખેતરમાં ચણાના છોડ પર  ચડીને અમથાકાકા ઊંટ બેઠા હતા અને મોટાં મોટાં તરબૂચ ઝાપટતાં હતાં. એમણે કાનુને અને હનીને જોયાં અને પૂછ્યું, ‘કાનુબહેન, હનીને કેમ ઉંચકવી પડી ?’ કાનુ કહે ‘બિચારી સાવ નાની છે. ચાલતાં ચાલતાં થાકી ગઇ તી ને ભૂખી પણ થઇ...’

અમથાકાકા કહે, ‘એમ છે, તો લે તરબૂચ ખાઓ.’

અને તેમણે ચાર-પાંચ મોટાં તરબૂચ ફેંક્યા. હનીએ ત્રણ તરબૂચ ખાધાં. કાનુએ બે ખાધાં. બંને ધરાઇ ગઇ. મોટા ઓડકાર આવ્યા અને ઓડકારનો અવાજ સાંભળીને ચણાનો છોડ તૂટી પડ્યો. ભફાંગ કરતાક અમથાકાકા નીચે પડ્યા. પણ કાનુ કે હનીને ખબર ન પડી કેમ કે બંને ચાલવા માંડી હતી. પગમાં જોમ આવી ગયું. રસ્તો કપાઇ રહ્યો હતો.

આગળ જતાં બેઉને તરસ લાગી. રસ્તામાં એક સાવ નાની એવી નદી આવી. બંને કિનારે બેસી પાણી પીવા માંડી. તરસ બહુ લાગી હતી. આખી નદી પીવાઇ ગઇ. નદીમાં એક ટીપુંય પાણી ન રહ્યું. માત્ર ભીની રેતી દેખાતી હતી.

એક તરસ્યો કાગડો ઊડતો ઊડતો નદીકાંઠે આવ્યો. પણ નદી તો કોરીધાકોર ! એણે કાનુ અને હનીને પૂછ્યું,

kanu_kidi

’નદીનું પાણી ક્યાં ગયું ?

’નદીનું પાણી સૂરજદાદા પી ગયા !’

કાગડો કહે, ‘મને બહુ તરસ લાગી છે.

કાનુ બોલી, ‘અહીંથી થોડે દૂર દરિયો છે,ત્યાં પહોંચી જા.

’દરિયાનું પાણી તો ખારું હોય, કેમ પીવાય ?

કાનુ કહે, ‘હવે દરિયાનું પાણી ગળ્યું મધ જેવું થઇ ગયું છે.

’એ વળી કેવી રીતે ?’ કાગડાને ભારે નવાઇ લાગી.

એ કાનુ સામે તાકી રહ્યો.

‘એ છે ને, તે થોડા દિવસ પહેલાં એકસો અગિયાર આગબોટો પરદેશ જવા નીકળી હતી. એમાં એકલી ગાંગડા સાકર ભરેલી હતી. દરિયામાં ભારે તોફાન થયું ને બધી આગબોટો ડૂબી ગઇ. ગાંગડા સાકર ઓગળી ગઇ ને દરિયાનું ખારું પાણી મીઠું શરબત થઇ ગયું.

વાત સાંભળી કાગડો દરિયે પહોંચવા એકદમ ઊડ્યો. આકાશમાં ઊંચે ઊંચે ઊડ્યો. આકાશમાં એક વિમાન આમથી તેમ અટવાતું હતું. એમાં એકેય પ્રવાસી નહોતા. એક રોબોટ વિમાન ચલાવી રહ્યો હતો. દરિયે પહોંચવાની ઉતાવળમાં કાગડાને વિમાન દેખાયું નહીં. એના ચશ્મા એક કાબર પહેરવા માટે લઇ ગઇ હતી.

કાગડો વિમાન સાથે અથડાયો. કાગડાને કશું ન થયું પણ વિમાન ભડભડ સળગી ઊઠ્યું. સળગતું વિમાન દરિયામાં પડ્યું ને દરિયાનું પાણી ભડભડ સળગવા માંડ્યું. દરિયામાં નાનાં-મોટાં જીવ જંતુ રહેતા હતા, પણ તેમને કશું ન થયું. આગ અડકે નહીં તેવાં વસ્ત્રો એમણે પહેરેલાં હતાં. આખો દરિયો સળગી ગયો. રાતાચોળ અંગારાથી ભરેલો મસમોટો ચૂલો જ જોઇ લો ! એક સમડીને રોટલા ઘડવાના બાકી હતા. એણે દરિયાના ચૂલા પર તાવડી મૂકી ને રોટલા શેકવા માંડ્યા. એમ ને એમ દશબાર રોટલા ચડી ગયા.

કાગડો ઊડતો ઊડતો ત્યાં આવ્યો. એને તરસ ભૂલાઇ ગઇ હતી ને હવે ભૂખ લાગી હતી. રોટલાની સરસ મજાની સોડમ આવતી હતી. એની ભૂખ વધી ગઇ. એણે ઊડતાં ઊડતાં ફરંગરી મારીને એક રોટલો ઉપાડ્યો. ચાંચમાં રોટલો લઇને કાગડો ભાગ્યો. ઊડતો ઊડતો જઇ પહોંચ્યો ચણાના ખેતરમાં. ચણાના છોડ પર બેસીને કાગડો રોટલો ને તરબૂચ ખાવા લાગ્યો. એને તો ભારે મજા પડી ગઇ. ખાતો જાય ને ગાતો જાય,

’ગપ્પીને ઘેર ગપ્પી આવ્યા
કહે ગપ્પીજી,
બાર હાથ ચીભડું
ને તેર હાથ બી !!’

 

One thought on “બાર હાથ ચીભડું – કરસનદાસ લુહાર”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *