મારિઓ -છુપો રુસ્તમ

    મારિઓ અમારા ક્લાસમાં લગભગ જાન્યુઆરીની શરૂઆતમાં આવ્યો. બીજા મેક્સિકન બાળકોની જેમ ગઠિયો અને ગોળ ચહેરો. માતા પિતા પણ સામાન્ય ઊંચાઈ કરતાં ઓછી ઉંચાઈવાળા. નાનકડો પરિવાર, મારિઓ અને એક નાની બેન.


    સ્પેસીઅલ નીડ વાળા બાળકો આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે શાળામાં દાખલ થઈ શકે. જેવા ત્રણ વર્ષ પુરા થાય અને ડોક્ટરે Autistic, A.D.H.D., અથવા speech therapyનુ નિદાન કર્યું હોય તો એ બાળકને અમારા ક્લાસમાં દાખલ કરી શકાય.  મારિઓ પણ આવ્યો ત્યારે અમને લાગ્યું કે એની વાચા પુરી ખુલી નથી એટલે જ એ અમારા ક્લાસમાં છે, બાકી તો બીજી કોઈ ખામી દેખાતી નહોતી.

     મારિઓ આવ્યો ત્યારથી રડવાનુ નામ નહિ,બધું કામકાજ વ્યવસ્થિત,સવારના જેવી નાસ્તાની કાર્ટ લઈ કાફેટેરિઆની કર્મચારી આવે કે તરત નાસ્તાના ટેબલ પર ગોઠવાઈ જાય. એને દુધની એલર્જી એટલે જાતે જ દુધનુ કાર્ટન બાજુ પર મુકી જ્યુસ લઈ લે. વ્યવ્સ્થિત ખાય, કાંઈ ઢોળવાનુ નહિ, શરૂઆતમાં થોડા દિવસ શરમાયો પણ પછી તો ઊભો થઈ નાસ્તો જો વધ્યો હોય તો બીજો લઈ આવે. જમવાના સમયે અમારા બાળકોને અમે ક્લાસમાં જ જમાડીએ અને અમારા ત્રણ શિક્ષકોમાં થી કોઈ એક કાફેટેરિઆમાં જઈ બધા બાળકોની ટ્રે લઈ આવે. જેવો અગિયાર વાગ્યાનો સમય થાય, મરિઓ અમારી નાનકડી કાર્ટ ખેંચી દરવાજે પહોંચી જાય. અમારી સાથે કાફેટેરિઆમાં આવે અને જે જોઈતું હોય એ ટ્રેમાં મુકાવે.
    અમે તો બધા ખુશ ખુશ!! વાહ શું વાત છે!!! ઘણા વખતે એવો બાળક ક્લાસમાં આવ્યો જે હસતો હસતો ક્લાસમાં આવે છે અને ક્લાસના નિયમોમાં તરત ગોઠવાઈ ગયો છે. મારિઓ સીધો તો ખરો પણ આપણી ભાષામાં કહીએ તો, જલેબી જેવો સીધો. એ ભાઈના અવનવા રૂપનો પરચો તો અમને ધીમે ધીમે થવા માંડ્યો.
     સ્પેસીઅલ નીડ ક્લાસમાં જ્યારે પણ કોઈ બાળક દાખલ થાય ત્યારે એની આખી ફાઈલ હોય. એમના મેડિકલ ટેસ્ટ, કોઈ એલર્જીછે કે નહિ, શું ખાઈ શકે વગેરે બધી માહિતી હોય. મારિઓ બોલતો નહોતો એ સિવાય બીજી કોઈ માનસિક વિકલાંગતા એનામાં દેખાતી નહોતી. લગભગ બે એક અઠવાડિઆ પછી બપોરે બાળકોના સુવાના સમયે હું મારિઓની બાજુમાં બેઠી હતી અને મને કોઈ કાંઈ બોલતું હોય એવો અવાજ આવ્યો. જોયું તો મારિઓ દિવાલ પર લગાડેલા આલ્ફાબેટ્સ અક્ષરો અને ચિત્રો વાંચી રહ્યો હતો like A for apple B for baby etc
     મેં તરત મીસ ડેલને બોલાવી. મારિઓને બોલતો સાંભળી એ પણ નવાઈ પામી ગઈ. વાત એટલેથી અટકતી નથીં મારિઓ ચાર વર્ષનો પણ અમારા ક્લાસમાં પાંચ અને છ વર્ષના બાળકો પણ હોય. આ વર્ષે છોકરાં વધારે હતા અને એમાં પણ બે ચાર જણ તો તોફાની બારકસ!!! રમતના મેદાનમાં તો દોડાદોડી કરે જ પણ ક્લાસમાં પણ ધમાલ. કોઈને પણ અડફટે લઈ લે. અમારી નજર સતત એમના પર હોય જેથી કોઈને વાગી ન જાય, દોડતાં દોડ્તાં એમની ટપલી જો મારિઓને વાગે તો મારિઓ ભાઈ જઈને પુરી ટપલી તો ના મારે પણ ઘોંચપરોણો કરી આવે અને દોડીને અમારી પાછળ સંતાઈ જાય. કોઈનો માર ખાઈને બેસી રહે એ મારિઓ નહિ. કોઈને ચીઢવવા સળી કરવામાં ઉસ્તાદ અને એવો હસતો ચહેરો કે એના ઉપર તો કોઈને શંકા જ ક્યાંથી આવે !!!!
     આજના બાળકોને બીજું કાંઈ આવડે કે નહિ પણ iPhone કે Ipad વાપરતાં બરાબર આવડે. મારિઓ પણ એમાં બાકાત નહિ. અંગ્રેજીમાં થી સ્પેનિશ ભાષા બદલતાં પણ આવડે. ધીરે ધીરે અમારા શબ્દોને ફરી બોલી અમને સંભળાવે. મારિઓને ચીઢવવા એ લેગો કે કોઈ બીજી રમત માંગે અને અમે ના કહીએ એટલે એ પાછો અમને ના કહે અમારી જ સ્ટાઈલમાં, અને અમે હસી પડીએ.
    આવાં તો કાંઈ નવા નવા રૂપ એના અમને હેરત પમાડે છે અને અમે આપેલી પદવીને અમારો મારિઓ સાર્થક કરે છે!
    સાચે જ મારિઓ અમારો છુપો રૂસ્તમ છે અને ભવિષ્યમાં નીલ ગગનનો ચમકતો સિતારો બનશે એમાં કોઈ શંકા નથી.

- શૈલા મુન્શા


તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *