પૂ.રવિશંકર મહારાજ

 

      
    ટૂંકા ધોતિયા પર કસવાળું કેડિયું ને માથે ગાંધી ટોપી પહેરી, ઉઘાડા પગે, ૬ ફૂટની એક સીત્તેરે પહોંચેલી વિભૂતિ , ભૂદાન ને સર્વોદય માટે પગપાળા પ્રવાસે ગામેગામ ઘૂમી રહી છે. સન ૧૯૫૫-૫૮ સુંધી, આશરે ૬૦૦૦ કિ.મી. નો પ્રવાસ કરનાર,આ મૂક સેવક  ફરતા ફરતા ખેડા જીલ્લાના મહિસા ગામે પધારે છે. સામે રસ્તામાં ચાલતાં થોડાં બાળકોને બોલાવી, ઓટલે બેસાડી વ્હાલથી વાતે વળગે છે…

    છોકરાંઓ…બોલો ગામડું એટલે શું? ..પછી હસી કહે..ભેગા મળીને જીવે એ આપણા ગામની સંસ્કૃતિ. પાડોશી જો ભૂખે સૂંતો હોય તો એવું સુખ આપણને કદાપી ના ખપે. સૌ માટે જીવીએ એ સાચું જીવતર. જુઓ આપણો આ ગાંધી બાપો જો ચાર છોકરાંનો બાપો બની બેસી રહ્યો હોત તોઆજે ચાલીસ કરોડનો બાપુ કહેવાય છે…એ કહેવાત?… ના કહેવાત. આ બાપા જોડે હું બેઠો તો જુઓ મનેય લોકોએ ‘ દાદોબનાવી દીધો.  આપણું જીવન કેવું હોવું જોઈએ? ફૂલ જેવું સુગંધી ભર્યું…સૌને ગમતું. તમારી સુગંધી શું?…તમારી માણસાઈ.  છોકરાંઓ.. હૈયે એક શીખ ધરજો.. “સાથે ખાઓ ને સાથે જીવો”..આ વાર્તાલાપ સાંભળનાર , નાના બાળકોમાં હું પણ હતો..કેવું અમારું અહો ભાગ્ય?
   આઝાદી પછી , સાબરકાંઠા, મહીકાંઠા ને વાત્રક કાંઠાના અંતરિયાળ ગામોમાં ઘૂમતી,   ત્યાગ , તપ , સેવા ને નિર્ભયતાની  ગાંધીવાદી મૂર્તિ , એજ આપણા મૂક લોક સેવક પૂજ્ય રવિશંકર મહારાજ. 
  આ મહાપુરુષનું જન્મ સ્થળ હતુંખેડા જીલ્લાનું રઢુ ગામ..એટલે કે મોસાળનું ગામ અને તેમનું  વતન એ આપણા મહેમદાવાદ તાલુકાનું  સરસવણી ગામ.  સંવત ૧૯૪૦ના મહાશિવરાત્રીએ, તા.૨૫-૨-૧૮૮૪ના રોજ માતા નાથીબાએ, આ દેશભક્ત પુત્ર રત્નને જન્મ દીધો.  ધૂળી નિશાળના આચાર્ય શ્રી શિવરામ પિતામ્બરદાસ વ્યાસ, ઔદિચ્ય ટોળક (પૌલત્સ્ય-ગોત્ર) બ્રાહ્મણ એ તેમના પિતાશ્રી. 
    પહાડની ગુફાઓમાં શિલ્પી મૂર્તિઓ ઘડે ને કેવો ઈતિહાસ બની જાય!  આવી જ વાત બાળપણની છે. માતા નાથીબા એના નાનકાને રામાયણ , મહાભારત ને સંસ્કાર કથાઓ કહી સંસ્કાર સીંચી રહ્યા છે. વાતો સાંભળી નાનકડો રવિ પૂછે છે…બા..રામજી,  લક્ષ્મણ ભૈયા , જાનકીજી ને ભીમ એ બધાને ઘોર જંગલમાં જાય તે બીખ ના લાગેરાક્ષસો આવે..વાઘ આવે?
   નાથીબા કહે..દીકરા બીક તો મનમાં હોય, જો બહાદૂર થઈ આ શરીરને ખડતલ બનાવીએ તો બીક આપણાથી સંતાઈ જાય. માતાના આ બોલ પકડીને મોટો થયેલ આ બાળ રવિશંકર એવો નિર્ભય થયો કેસાચે જ એક દિવસ બહારવટિયા સામે બાથ ભીડવા નીકળી પડેલ….   
   પિતાશ્રી શિક્ષક એટલે સાદાઈ ને સંયમના પાઠ ભણાવતા , પણ વગડે જઈ આમલી-પીપળી રમવાનું ને કલાકો સુંધી નદી કે તળાવમાં તરવાનું,  રવિશંકરનો રોજનો કાર્યક્રમ. સાત ચોપડી અભ્યાસ પૂરો કર્યો ને સાથે સાથે ગામની સંસ્કૃતિનું વિપુલ સામાજિક જ્ઞાન એ ઝીલતો ગયો. પિતા પાસેથી  ટપકતા જીવનના મર્મને ઉરે ધરતો રવિ સૂરજબેન સાથે લગ્ન સંબંધે બંધાણો. હજુ તો ૧૯ વરસનો થયો ને પિતાનું  શિરછત્ર જતાં, ઘર-ગૃહસ્થીની સઘળી જવાબદારી તેમના શીરે આવી ગઈ. આફતના મોટા ઓળા હજુય પડઘમ દઈ રહ્યા હતા. સન ૧૯૦૭ માં ગુજરાતને પ્લેગની મહામારીએ ભરડામાં લીધી. આ ચેપી રોગથી ગામોમાં થતા અપમૃત્યુનું પ્રમાણ જોઈ સૌ ડરી ગયા. ચેપના લીધે અંતિમ સંસ્કાર કરવા જવાનું લોકો  ટાળવા લાગ્યા. આવા કપરા સમયે, રવિશંકર આ સેવા  આપવા આગળ આવ્યો. આ પ્લેગની બીમારીના કાળાકેરમાં , ૨૨મા વરસે રવિશંકરનું માતૃસુખ પણ છીનવાઈ ગયું. આ કપરા આઘાત છતાં , તેમણે અંતિમ સંસ્કારની લોક સેવા હિંમતભેર ચાલુ રાખી.
    નદી કિનારા ને વગડો ખૂંદતો આ રવિશંકર હવેએક ખડતલ વ્યક્તિત્ત્વ્ને નીખારી રહ્યો હતો. એક દિવસ  ચોમાસાના સમયે બે કાંઠે વહેતી નદીને જોવા લોકો ભેગા થયેલા. લોકોએ કોઈ ને તણાતું આવતું જોઈ બૂમાબમ કરી. રવિશંકરે તો પળનાય વિલંબ વગર બે કાંઠે વહેતી નદીમાં ઝંપલાવી દીધું. લોકોને લાગ્યું કે રવિએ ખોટું સાહસ કર્યું છે..શું થશે? પણ બહાદૂર રવિશંકર તો ડૂબતી વ્યક્તિને સહારો દેતો, ધસમસતા પ્રવાહનો વેગ ખમતો, કિનારે લઈ આવ્યો. આ  સાધુ બાવાજીનો જીવ આ સાહસિકે બચાવી લીધો. આવી જ રીતે એકવાર નદીએ કપડાં ધોતી એક બાઈ , ઊંડાપાણીના ધરા બાજુ લપસી ડૂબવા લાગી. આ તરવૈયા રવિશંકરે તેને પણ બચાવી લઈ, એક કુટુમ્બને આનંદથી ભરી દીધું. આમ દિવસે દિવસે સેવાથી રવિશંકરનું જીવન ઉઘડતું જતું હતું.
     આઝાદીની ચળવળનો રંગ , આફ્રિકાથી સન-૧૯૧૫માં ગાંધીજી ભારત પરત આવ્યા પછી , જન માનસ પર છવાતો જતો હતો. રવિશંકર પણ દેશ કાજે કઈંક કરવાની ખેવનાથી, ગાંધીજીનું સ્વરાજ અંગેનું ચિંતન.. હિન્દ સ્વરાજની પ્રતિબંધિત પુસ્તિકાઓને , નડીયાદ જઈ સન- ૧૯૧૬માં ઘેર-ઘેર વિતરણ કરી આવ્યા.  ગૃહસ્થીની સંપૂર્ણ જવાબદારી હોવા છતાં, એ સૌને કહેતા, ભાઈ! દેશ સેવાનું આ ટાણું કેમ ચૂકાય?
    મહાત્મા ગાંધીજીએ ખેડૂતોના મહેસૂલ પ્રશ્નો માટે , અંગ્રેજ સરકાર સામે ચંપારણથી શરૂઆત કરી. ખેડૂતોના પ્રશ્નો માટે, ગાંધીજીએ ૨૨મી માર્ચ ૧૯૧૮ના રોજ ,  ખેડાજીલ્લાના બોરસદમાં સત્યાગ્રહ માટે સરદાર પટેલ સાથે, વિશાળ સભાનું આયોજન કર્યું. ગાંધીજીએ હાકલ કરી..ભારતની સૂરત બદલવા મારે મર્દોની જરૂર છે. શોસિત સમાજમાં ચેતના ફૂંકવી છે. આ સભામાં બેઠેલ, યુવાન રવિશંકરે, ગાંધીજીના બોલેદેશને  સમર્પિત થવાનો નિશ્ચય કર્યો.  આ દિવસથી જ એક ઉત્તમ લોક સેવક આપણને મળી ગયા.       
   ગાંધીજીએ સૌથી પ્રથમસ્વદેશી ચળવળનો મંત્ર ફૂંક્યો ને લોકો તે ઝીલવા લાગ્યા. રવિશંકરે પણ ઘેર આવી પત્નિ સૂરજબેનને કહ્યું..આપની પાસે જે કોઈ રેશમી સાડીઓ છે , તે લઈ આવો. આપણે તેની હોળી કરીશું. પત્નિને એમ કે એકાદ સાડી રહેવા દેશે, પણ આતો રવિશંકર! તેમણે તો બધી જ સાડીઓને દીવાસળી ચાંપી દીધી.પત્નિને સમજાવતાં કહ્યું… આજથી ગાંધીજીનો દેશ માટેનો બોલ એ મારો ધર્મ છે ,ને  હવે જમીન ને ઘર તમારું ને હું દેશનો. લોકવ્રતધારી, આ સેવાની મૂર્તિ દેશકાજે અલગ રંગમાં આવી ગયો.
    સરદારની હાકેસન૧૯૨૬માં  બારડોલીના સત્યાગ્રહનાં મંડાણ થયા.  શ્રી મોહનલાલ પંડ્યા સાથે ૨૦૦૦ સ્વયં સેવકોનો સાથ લઈરવિશંકર ઘેરથી વિદાય થયા. અંગ્રેજ સરકારે આંદોલનકારીઓની ધરપકડ શરૂ કરી. રવિશંકરની પણ ધરપકડ થઈ ને , છ માસની જેલની સજા ફરમાવી. એ દિવસે જેલવાસો એટલે કાળી મજૂરી ને જોહૂકમી યાતનાઓ. જેલમાં હાથ ઘંટીએ રોજ છ કીલો અનાજ પીસાવી લોટ દળવાનું સૌને ફરજીયાત. બાવડામાં ગોઠલા ચડી જતા, ઘણા નિર્બળ સહયોગી દળી ના શકતાં જેલર ભૂખે રાખે. રવિશંકર એ રવિશંકર! એક દિવસ ૨૫ કીલો અનાજ  એકલા હાથે દળી કાઢ્યું, એવા એ ખડતલ હતા.
  સન ૧૯૨૭માં, મધ્ય ગુજરાતમાં નદીઓના પૂરથી ખૂબ જ હોનારત થઈ. આ કપરા સમયમાં નદી કિનારાના ગામોની સેવામાં રાતદિન જોયા વગર એ ઘૂમવા લાગ્યા.ઘણીવાર ,એકલા કોતરોમાં માઈલોના માઈલો ચાલતા. વગડો ને  નજીકના ગામે જતાં રાત પડી જાયબીહામણા રાની પશુઓના અવાજ આવે, પણ ડર્યા વગર  એ સેવા માટે ધસી જતા.એક પ્રસંગનું વર્ણન કરતા તેઓ કહેતા..ભાઈ! એક દિવસે મહિસાગર નદીકાંઠે ગયો , તો ફેરીની હોડી સંધ્યા કાળે નીકળી ગઈ. મેં તો નદીનો પ્રવાહ તેજ હતો ને પટ લાંબો પણ સામે પાર જવા જંપલાવી દીધું. ખૂબ જ તેજ પ્રવાહ ને અજાણી જગ્યા તોય હિંમતથી, નદી પાર કરી લીધી. ભીંના કપડે પાંચ માઈલ ચાલી બીજે ગામ પહોંચ્યો. લોકો એમને બરાબર ઓળખી ગયા ને કહેવા લાગ્યા લો મહારાજઆવી ગયા. આ પૂરહોનારતના પ્રસંગ પછી એ સૌના લાડીલા ‘ રવિશંકર મહારાજતરીકે ખ્યાત થઈ ગયા. કોઈ આડંબર વગરની કેવી ભવ્ય મૂક સેવા !  
    ગાંધીજીને બે વર્ષની જેલ થઈ ત્યારે , જેલ બહાર અનેક ચળવળકારો તેમનો સંદેશો સાંભળવા આવ્યા હતા. ગાંધીજીએ ત્યારે સૌને એક જ સંદેશ દીધો  કે કોમની સેવા કરો , ચેતના જગાડો. એક જ ભાવ મનમાં રાખો કે આપણે સમાજનું ઋણ ચૂકવી રહ્યા છીએ‘ . રવિશંકર મહારાજે પરત આવી, નદી તટે વસતી ધારાળા, પાટણવાડિયા ને બારૈયા જેવી કોમો માટે કામ કરવા સંકલ્પ કર્યો. અનેક કુટેવો ને વેરઝેરથી આ લોકોનું અધઃપતન થઈ રહ્યું હતું. સમાજ ને સરકાર તેમને ગુનેગાર ગણી ધુત્કારતી હતી . આવા સમયેઆ લોકો વચ્ચે મહારાજ ગયા ને તેમની પાસે જઈ સમજાવવા માંડ્યું. ભાઈઓ! કુટુમ્બો પાયમાલ થઈ રહ્યા છે, બહાદૂર કોમની આવી અવદશા? તમે એક ટંક ભૂખ્યા રહેશો એ ચાલશે પણ સંસ્કાર છોડી શું મેળવશો? ઝગડા સિવાય આ ઝીંદગીમાં તમે શું કમાયા છો? સુખી થવું હોય તો આ કુટેવો છોડો. હું જાણું છું કે આદતોનું બળ બહુ ભારે છે, પણ સમૂહમાં રહી પ્રયત્ન કરીશું , તો એ સરળ થઈ જશે.
      ગામે ગામ ફરતાં , પાનો ચઢાવતા મહારાજ,સૌને ભૂપતસિંહ ઠાકોરના સંકલ્પની એક મજાની વાત કહેછે….

  ભૂપતસિંહ  ઠાકોર સાહેબ…એટલે અફિણના પાકા બંધાણી. રવિશંકર તેમની પાસે ગયા ને વાત મૂકી…આજે તમારી ડેલીએ આ મહરાજ એક ટહેલ નાખે છે..નિરાશ કરશો નહીં નેભૂપતસિંહ આ ઓલિયા જીવની સેવાથી સુપરિચિત હતા. એ બોલ્યા.. બોલો મહરાજ શી વાત છે? રવિશંકર કહે સૌના ભલા માટે એક ટેક લેવી છે, દરબાર છો એટલે તમે તો ટેકીલા. આજથી, આપ હવે પછી આ અફિણથી દૂર રહેશો એવી ટેક લો..બાપુએતો બધા વચ્ચે મહારાજને હા પાડી એટલે  રાજી થઈ મહારાજ આગળના ગામે જવા રવાના થયા.
    અફિણના આ બંધાણી ભૂપતસિંહ તો પાંચ-છ કલાક પછી તરફડવા માંડ્યા, હમણાં બેભાન થઈ જશે..મરી જશે એવી તાણોએ શીયાવીયા થઈ ગયા. બૂમ પાડી ઠક્કરાંણાને કહે.. ઝટ લાવો દાબડી નહીં તો હું ગયો. ટેકની વાત બાપુએ પડતી મેલી. થોડા દિવસ પછી, રવિશંકર મહારાજ પાછા , તે ગામથી જતા હતા, ત્યારે ભૂપતસિંહની ખબર કાઢવા ગયા. મહારાજે પૂછ્યું ..ઠાકોર હવે અફિણ વગર બધું બરાબર હાલે છે ને?.. ઠીક છે ને? ભૂપતસિંહ ઠાકોર બોલ્યા..ધૂળ ઠીક છે. આતો મરતો બચ્યો..આ આંખોય તરવરી ગઈ હતી. આતો ફરી લીધું એટલે તમારી સામે જીવતો બેઠું છું. રવિશંકર મહારાજ બોલ્યા…ઠાકોર થઈને ટેક મૂકી દીધી. આવા જીવતર વગર મોત વહાલું કર્યું હોતતો ? આ દુનિયાનું શું ભલું થવાનું તમારા વગર અટકવાનું હતું? એક અફિણની ગોટી આગળ ક્ષત્રિય બચ્ચો ગોંઠણિયે પડી ગયો.     મહારાજના આ બોલ ઠાકોરને કાળજે લાગ્યા. પાસે પડેલી એ અફિણની દાબલી ઘા કરી  દૂર ફેંકી ને કીધો મનથી સંકલ્પ. મહારાજ ! આજે ઠાકોર ટેક છે…માનશોઆ મનોબળ આગળ ટેવ ઝૂકી ગઈ ને અનેક લોકો પણ તેમના સંગે કુટેવથી મુક્ત થતા ગયા. આ બદી એ પ્રજાની આંતરિક નબળાઈ હતી, જે દૂર થતાં ગાંધીજીના આંદોલનમાં સહયોગ  માટે સૌ આગળ  આવવા લાગ્યા.

   નદી કોતરો વાળા ગામોમાં, ડરાવી, ખેતીના પાકની મોસમ વખતે તૈયાર પાક પડાવી લેવાના, વટેમાર્ગુઓને લૂંટી લેવાના, ત્રાસ ખૂબજ વધી ગયા હતા. રવિશંકર મહારાજને વાવડ મલ્યા કે વગડે જંગલના રસ્તે રંજાળતી બહારવટિયાની  ટોળી આવી છે. લોકો ફફડાટના માર્યા એ બાજુ જવાનું ટાળવા લાગ્યા. રવિશંકર મહારાજ તો એકલા જંગલની એ વાટે નીકળી પડ્યા. સૂમસામ વાટે, કોતરોમાં એ ઊંડે સુંધી, બહારવટિયાનો પત્તો મેળવવા આગળને આગળ જવા લાગ્યા..ને અચાનક અવાજ સંભળાયો..ખબરદાર..આગળ વધ્યો છે તો ગોળીએ દઈ દઈશ.
 અમારા ઈલાકામાં મોત માટે આવ્યો છે?’..કહેતાં કહેતાં ત્રણ જણાઓ, બંધૂક તાકી સામે ઊભા રહ્યા. અમે તો બહારવટિયા છીએ..તારા સગા નથી. કોણ છે તું?
    રવિશંકર કહે… હું પણ તમારા જેવો જ બહારવટિયો છું..પણ ગાંધીજીના બોલે અંગ્રેજો સામે દેશ માટે બહારવટિયે ચડ્યો છું. મરવાનો  મને ભય નથી. હું તમને જ મળવા આવ્યો છું.ભલા  ક્યાં છે તમારા સરદાર? મારે વાત કરવી છે…મારી પાસે ના કોઈ હથિયાર છે , ના મારે કોઈ તમારી સામે ધીંગાણું કરવું છે.
   તેમનો સરદાર સામે આવ્યો એટલે મહારાજ બોલ્યા…તમે બહાદૂર છો..કોઈ અન્યાય થયો હોય પણ આપણા જ ભાઈઓને લૂંટવામાં શું બહાદૂરી કહેવાય? કોઈની પરસેવાની કમાણી લૂંટી લેવી , એટલે પાપ જ ને,  આપણને તે સુખી ના જ કરે. તમારે સાચા ડાકુ થવું હોયતો , આ વિદેશીઓ સામે દેશ માટે ગાંધીજી સાથે જોડાઓ. હુંય તમારી સાથે ફરીશ…આ મહારાજના બોલ છે. આ જાત મેં દેશને સોંપી છે..તમેય જીવન ઉજળું કરો. રવિશંકર મહારાજની સેવા ને હિંમત પંથકમાં પથરાયેલાં હતાં. ડાકુઓએ તેમની આંખોમાં આંખ પરોવીને હૃદય પરિવર્તન થઈ ગયું. આ પાપના રસ્તેથી આ ટોળી પાછી વળી ગઈ. રવિશંકર મહારાજના આ   પગલાએ લોકસમાજને મોટો હાશકારો દઈ દીધો. આવા નીડર હતા આપણા મહારાજ. પછી તો બોરસદમાં વલ્લભ વિદ્યાલયખોલી સમાજ સેવાના મહા યજ્ઞની ધૂણી ધખાવી દીધી. લોકોને એક રસ્તો મળી ગયો.  
    અંગ્રેજોએ મીઠા પર ૨૪૦૦ ટકા જેવો ભારે આકરો વેરો ઝીંક્યો. ગાંધીજીએ કૂચ કરી આ કાયદાને પડકારવા વાત કરી. તે સમયે , નહેરુ , સરદાર ને રાજેન્દ્રબાબુ વગેરેને લાગ્યું કે આથી શું હેતું સરશે? પણ ગાંધીજીની ચરખો ને ખાદીની વાતની જેમ જ, તેમાં  તેમની દીર્ઘ દ્રષ્ટી હશે , તેમ વિચારી સરદારે, મોહનલાલ પંડ્યા ને રવિશંકર મહારાજની સાથે દાંડીયાત્રાની રૂપરેખા તૈયાર કરી. સાબરમતી આશ્રમથી ૮૦ વ્યક્તિઓ સાથે આ યાત્રાનું આયોજન થયું. જેમ જેમ યાત્રા આગળ વધી , તેમ લોકજુવાળે રંગ પકડ્યો. ચપટી મીઠું ઉપાડી   ગાંધીજીએ સાચે જ અંગ્રેજ સલ્તનતને હચમચાવી દીધી. કાયદાના ભંગ માટે સૌ નેતાઓની ધરપકડ થઈ. આ ઐતિહાસિક દાંડી યાત્રામાં રવિશંકર મહારાજને પણ બે વર્ષની જેલ થઈ. જેલવાસ દરમ્યાન તેઓ સૌને ગામઠી ગીતા  કહેતા ને વાત કરતા.. ગાંધીજી તો  શિલ્પી છે…આ જેલમાંનું આપણું તપ આઝાદીનો સૂરજ ઉગાડશે. આઝાદીની લડતના આ વીર સીપાહીએ ..૧૯૪૨ની ભારત છોડો ચળવળ થી ૧૯૪૭ સુંધીમાં સક્રિય ભૂમિકા નીભાવી ને કુલ દશ વર્ષ જેવી જેલની યાતનાઓ હસતે મુખે વેઠી.
     દેશ આઝાદ થયો , પણ ગાંધીજીએ સૂચવેલ સમાજ સુધારણાની ને સર્વોદય યોજનાઓ માટે , આ મૂક સેવકે યાત્રા ચાલુ જ રાખી. અમદાવાદમાં સન ૧૯૨૦માંએક ગૃહસ્થના ત્યાંથી તેમનાં પગરખાં ચોરાઈ ગયાં હતાં, ત્યાર બાદ તે ઉઘાડા પગે જ ભમ્યા.. વિનોબાજીના ભૂદાન યજ્ઞ માટે ફરતાં , જે લોક પ્રતિસાદ મળતો , તેની મીઠી વાતો , આપણા સાહિત્યકાર શ્રી ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવામાં ઝીલી લીધી. 
   ‘ઘસાઈને ઉજળા થઈએ ઉક્તિ એ  સાબરકાંઠા ને મહીકાંઠાના ગામોમાં એક ચેતના ફેલાવી દીધી…એક સરસ પ્રસંગની વાત તેમની સાથે જોડાયેલી છે.  
  સાબરકાંઠાના એક ગામમાં , એક માજી મહારાજને મળવા આવ્યાં. માજી બોલ્યાં….મહારાજ આપના ચરણે મારે દાન આપવું છે. મહારાજ કહે… શું આપશો? માજી કહે…. મારી પાસે દસ બકરીઓ છે , તે આપવી છે. મહારાજે કહ્યું… સારું માજી. આપના હાથે કોને દાન દઈશું , એ માટે ગામમાં ફરીશ ને તપાસ કરીશ. મહારાજે એક અત્યંત ગરીબ છોકરો અને તેની વૃધ્ધ માને બોલાવ્યાં ને માજીના હસ્તે દસે દસ બકરીઓ તેને આપી દીધી. માજી બીજે દિવસે મહારાજને મળવા આવ્યાં ને બોલ્યાં…આજે મને સરસ ઉંઘ આવી. દાદા હજુ મારે કઈંક આપવું છે. ..મારી પાસે બે મકાન છે. મારે તો એકની જ જરુર છે..એકલી જ છું, તો આ બીજું મકાન કોઈને  દાનમાં આપવું છે. મહારાજ તો માજી સામે જોઈ રહ્યા ને બોલ્યા સારું. મહારાજ તો  ગામમાં  ફરવા લાગ્યા, એક તૂટેલી ઝૂંપડીમાં  રહેતા, અત્યંત ગરીબ રબારી કુટુમ્બને મળ્યા. વરસાદને ઠંડી સહેતા એ પરિવારને માજી પાસે બોલાવી લાવ્યા. રબારી તો મકાન મળતાં , મહારાજને પગે લાગવા નીચો નમ્યો કે મહારાજ બોલ્યા..મને નહીં , આ વૃધ્ધ માજીને પગે લાગ. તેમણે સાથે શીખ દીધી..આ માજી જીવે ત્યાં સુંધી તારે તેમનું ધ્યાન રાખવાનું છે.આ સાંભળી માજી બોલી ઊઠ્યાં…ના મહારાજ..દાનમાં આવી શરત ના રખાય. હું તો દાન દઈ રર્હી છું. માજીની આ માનવતાની ચરમ સીમા જોઈ…મહારાજ  કહે માજી તમારા સંસ્કાર આગળ આ સૌ શાસ્ત્રો આજે નાનાં થઈ ગયાં.

  રવિશંકર મહારાજની આ પદયાત્રામાં શોષિત સમાજને બેઠો કરવા..શ્રમજીવીથી શ્રીમંત સઘળાંના સાથથી, ગ્રામ સ્વરાજની બાપુની વાતને તેમણે  મૂર્તિમંત કરી બતાવી. મહારાજના અંતેવાસી શ્રી મગનભાઈ પટેલે..મહારાજના મુખેથી સાંભળેલી આવી વાતોને જીવન નીતરતી વાણીપુસ્તકમાં ઝીલી લીધી છે.  

 

   ૨૦ મી સપ્ટેમ્બર, ૧૯૫૨માં ચીનમાં (ત્રણ માસ માટે) આયોજિત શાંતિ પરિષદમાં ભાગ લેવા જઈ, કવિશ્રી ઉમાશંકર જોષી ને આ ગાંધી પેઢીના મહાનાયક પૂ.રવિશંકર મહારાજે , દેશનું ગૌરવ વધારેલ, એ મધુર સંભારણાં છે.
    શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકની અલગ મહા ગુજરાતની લડતની ફલશ્રુતિ એટલે દ્વિભાષી રાજ્ય મહારાષ્ટ્રમાંથી અલગ ગુજરાતરાજ્યની સ્થાપના. પહેલી મે ૧૯૬૦ના એ ઐતિહાસિક  દિવસે સૌ , અમદાવાદના  ગાંધી(હરિજન) આશ્રમે ભેગા મળ્યા છે. ઘુરંધર રાજકીય ને સામાજિક  નેતાઓ સાથે શ્રી મોરારજી દેસાઈ ને શ્રી જીવરાજ મહેતા બેઠા છે. એક લીમડાની નીચેથી, એક ૭૬ વર્ષના ગાંધીવાદીને  ઊભા કરી તેમના હસ્તે, ગુજરાત રાજ્યની સ્થાપનાનો મંગલ દીપ પ્રગટાવાય છે.. ને  આશીર્વચનના બોલ ઝરે છે…

   દેશને માટે જેમણે નાની -મોટી કુરબાનીઓ અને પ્રાણ અર્પ્યા છે તે સૌ નામી અનામી રાષ્ટ્રવીરોને આદર ભાવે વંદન કરું છું. ગુજરાત અને મહારાષ્ટ્ર ભલે અલગ અલગ રાજ્ય બન્યાં, પણ છેવટે તો આપણે સૌ એક જ ભારત દેશના વાસીઓ છીએ.સર્વ પ્રાંતના લોકો આપણા દેશ બંધુઓ છે. સૌની ભાષાઓ એ આપણી જ ભાષા છે. જુદા પડવાનું કે ભેગા રહેવાનું, આપણા સ્વાર્થ અને સુખ માટે નથી, પણ આખા રાષ્ટ્રની ઉન્નતિ અને સેવા કરવા માટે છે. આપણે એક જ નાવમાં બેઠેલા છીએ; એ કદી ન ભૂલીએ. આ અમારું રાજ્ય છે ને એના ઉત્કર્ષ માટે અમારે પરિશ્રમ ઊઠાવવો જોઈએ…એવી આપણે ભાવના જગાવીએ.”

    સમજી ગયા, આ ગુજરાત રાજ્યના સ્થાપના દિનના ઉદઘાટક દાદા કોણ હતા?.. આપણા મૂક સેવક પૂ. રવિશંકર મહારાજ…કેવું અહોભાગ્ય આપણું.
   લોક સેવાનું વ્રત આજીવન આદરી , આપણા દાદા રવિશંકર મહારાજ, અંતિમ દિવસોમાં, જે જગ્યાએથી મહાત્માગાંધીજીના સંપર્કમાં આવેલ, બોચાસણની  પાવન ભૂમિમાં પોતાના પુત્ર પાસે રહ્યા.રથયાત્રાના પાવન દિવસે,પ્રાતઃકાળે, ૧લી જુલાય, ૧૯૮૪ના રોજ સતાયુ આયુની સેવા કરી તેમણે જીવનલીલા સંકેલી, આપણી આંખો ભીંની કરી દીધી.

  દેશને માટે જ જન્મેલા, ગાંધી પેઢીના, ગાંધી રાહે, ગાંધી દર્શન ઝીલેલા પૈકી એક, આઝાદીના આ અમર  લડવૈયાલોક સેવક, વિરલ વિભૂતિ અને મૂક સેવકની, ભારત સરકારે ટપાલ ટિકિટ બહાર પાડીને સન્માન દીધું. 

    ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જાઓ તો ,લોકસેવકઆપણા મહરાજ રવિશંકરદાદાની પ્રતિમાનાં દર્શન જરૂરથી કરજો ને ધન્ય થાજો.

 
સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)
 
નોંધ – પુસ્તકો…તેમની જીવનકથા સંબંધિત
 
શ્રીયશવંત શુક્લ…વાત્સલ્યમૂર્તિ રવિશંકર મહારાજ 
શ્રી ઝવેરચંદ મેઘાણી ….માણસાઈના દીવા
શ્રી મગનભાઈ પટેલ-જીવન નીતરી વાણી..મહારાજના મુખેથી સાંભળેલી વાતો.
શ્રી બબલભાઇ મહેતા….  સ્વતંત્ર ગુજરાતના ઉદઘાટક રવિશંકર મહારાજનું જીવનચરિત્ર


પૂ. રવિશંકર મહારાજનો ટૂંક પરિચય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *