મારી મમ્મી – સ્વ. બળવંત પટેલ

લોકો ભલે કહે,

કુકડો બોલ્યે સવાર થાય;

હું જાણું છુંને કે,

મમ્મીની બુમે જ સુરજ ઉગે..!

પથારીમાંથી ઉઠતાં વાર લાગે તો

કહે : ‘ઝટ્ટ ઉઠ, આળસુના પીર !’

ઝટ ઝટ બ્રશ કરી નાખું તો

કહે : ‘સાવ ઉતાવળો ! શાન્તીથી બ્રશ કર..’

મમ્મી કહે એટલે નાહી લેવાનું

મારે તો શું ! પપ્પાએ પણ..!

ભુખ લાગી હોય કે નહીં;

જમી લેવાનું..! કારણ એ કે

‘હમણાં રામો આવશે, વાસણ ઘસવા...’

રાતે ઉંઘ આવતી હોય ત્યારે

વાંચવા બેસાડે,

કહે : ‘ઉંઘણશી ! પાછો નપાસ થઈશ..’

રાતે મોડે સુધી વાંચતો હોઉં,

–પરીક્ષા પાસે હોય ત્યારે જ સ્તો–

તો કહે : ‘ઉંઘી જા, માંદો પડીશ..’

મમ્મી એટલે બસ મમ્મી જ !

મને તો સમજાતી જ નથી !

પણ ક્યાંથી સમજાય ?

પપ્પાય ઘણી વાર કહે છે :

‘‘તને સમજવી અઘરી છે !’’

હોશીયાર પણ કેવી ? પાકી મુત્સદ્દી જ !

પપ્પાના નામે ડરાવે :

‘તારા ગંદા ટાંટીયા ધોઈ નાખ,

પપ્પા જોશે તો વઢશે..’

પણ પપ્પા તો એનાથીયે ડરતા હોય છે..

મમ્મી કહે તે અને તેટલું જ

દારુખાનું અપાવે;

મમ્મી કહે તો જ મીઠાઈ લાવે..

તોય મમ્મી મને બહુ ગમે,

સવારની નીશાળ હોય ત્યારે,

મારું દફ્તર બી તૈયાર કરી દે;

બુટ–મોજાં પહેરાવી દે ફટાફટ..!

કોઈક વાર તો લેસન પણ કરી દે,

આગલી તારે પીક્ચર જોઈ,

મોડા બાર વાગ્યે આવ્યાં હોય,

ત્યારે તો ખાસમ્ ખાસ..!

અને મારા જન્મદીવસે !

 મઝા જ મઝા;

મારા પર તો શું; મારા દોસ્તો પર પણ

કેવાં વહાલ વરસાવે !

કેવા લાડ લડાવે !

અને કેવું ગાય – – –

ના, ના, : ‘હેપી બર્થ–ડે ટુ યુ’ એવું નહીં..

એ તો ગુંજે  :

‘તમ્મે મારા દેવના દીધેલ છો,

તમ્મે મારા માંગી લીધેલ છો,

આવ્યા ત્યારે અમર થઈને રો..’

અને માંદો પડું તો ?

બાપ રે ! એનો તો જીવ જ અધ્ધર થઈ જાય !

પટાવીને દવા પીવડાવે,

બાધા–આખડી રાખે !

આવી મમ્મી કોને ન ગમે ?

મમ્મી એટલે બસ, મમ્મી જ... !

સ્વ. બળવન્ત પટેલ–ગાંધીનગર

સાભાર - શ્રી.  ઉત્તમ ગજ્જર, સન્ડે -ઈ મહેફીલ

[email protected]

જય જાની
જય જાની
blank
ઋચા જાની
ઋચા જાની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *