પેરેન્ટિંગ ઉર્ફે માતાપિતાનું પ્રશિક્ષણ – રવીન્દ્ર અંધારિયા

સાભાર - શ્રી. જુગલકિશોર વ્યાસ  

   જો આજનું બાળક આવતી કાલનો નાગરિક હોય તો તેને નાગરિક ધર્મના પાઠ બચપણથી જ શીખવવા જોઈએ ને ? પરંતુ આવું થતું નથી. પરિણામે સમાજમાં છડે ચોક અરાજકતા જોવા મળે છે. અરે, નાગરિક દેશદ્રોહ જેવાં વ્યવહારો કરતાં પણ અચકાતો નથી. આ સમાજ માટે કશુંક કરવું પડશે કે નહિ? સૌ કોઈ કહેશે કે હાં,  હાં. તો ક્યાંથી શરૂઆત કરશું? તો એનો જવાબ હું આપીશ, શરૂઆત બાળપણથી કરવી જોઈએ. બાળપણ એ સદવર્તનનું ધરૂવાડિયું છે. નાગરિક ધર્મનું પાલન એ સદવર્તનનો પર્યાય છે. સદવર્તનનાં બે પરિમાણો છે : 1. વ્યક્તિલક્ષી પરિમાણ. એટલે કે વ્યક્તિગત જીવન વ્યવહારોને સ્પર્શતાં વર્તન વ્યવહારો.  2. સમાજલક્ષી પરિમાણ. એટલે કે સમાજ સમ્બન્ધિત વ્યવહારો.  નાગરિક ધર્મનું પાલન એ સદવર્તનની ઓળખ છે. સદવર્તનનાં આ બન્ને પરિમાણો નાગરિકનાં જીવન વ્યવહારોમાં ઓતપ્રોત થાય એ ઇચ્છનીય છે કે નહિ? પ્રિય વાચકો! જવાબ મળશે હાં, હાં. મિત્રો, અહીં થોડીવાર અટકો અને વિચારો. આ કેવી રીતે શક્ય બને? મારા અભિપ્રાય મુજબ આ હકાર આપણા સૌનાં વાણી વર્તનમાં ઉતરે ત્યારે આપનો હકારાત્મક જવાબ ફળદાયી બને.

        બાલ્યાવસ્થામાં થતાં બાળ વર્તનો મોટાભાગે મોટેરાઓનાં વર્તનની કાર્બન કોપી હોય છે. આમેય તે અવસ્થા અનુકરણશીલ હોય છે. ત્યારે મોટેરાઓનાં વર્તનો સદવર્તનનાં પરિઘમાં આવતાં હોવાં જોઈએ. જો કે આ એક અપેક્ષા છે. અપેક્ષાઓ સર્વથા ખરી ઉતરતી હોતી નથી.બલકે સમાજમાં આવું જોવાં મળે છે : પિતા સોફા ઉપર બેસી ગપ્પા મારતા હોય છે. યારે અચાનક ફોનનો રીંગ ટોન ગુંજવા લાગે છે. પિતા ફોન ઉપાડે એ પહેલા તો એમનો લાડકો જીગ્નેશ ફોન ઉપાડી લે છે ને હેલ્લો....હેલ્લો... કરવા લાગે છે. સામેથી જમનાદાસભાઈનો આછોપાતળો અવાજ જીગ્નેશના પિતાને સંભળાય છે. પિતા અવાજ ઓળખી જાય છે. તેથી જીગ્નેશને ધીમા અવાજે સૂચના આપે છે, "કહી દે પપ્પા ઘરે નથી, બહાર ગયા છે.” બાળક પાળેલા પોપટની જેમ ફોનમાં બોલી દે છે. સામેથી ફોન કટ થઈ જાય છે. પણ એ જ સમયે જીગ્નેશનાં મનમાં ફટ દેતોકને એક પ્રશ્ન ઊઠે છે : પપ્પા તો ઘરમાં જ છે.  છતાં ય એમ કેમ કહ્યું કે તે ઘરે નથી? બહાર ગયા છે. બાળ ચિત્ત દ્વંદ્વ અનુભવે છે. મનમાં પ્રશ્નોની હારમાળા સર્જાય છે. બાળચિત્ત તો એકદમ બિલ્લોરી કાચ જેવું હોય છે. તેની ઉપર ડાઘા હોતા નથી. તેથી તેનું મન બળવો પોકારે છે. છેવટે તે પિતાને પૂછી બેસે છે, "પપ્પા! તમે તો ઘરમાં જ છો છતાં ફોનમાં એમ કેમ કહેવરાવ્યું કે પપ્પા ઘરમાં નથી, બહાર ગયા છે."

     પપ્પાએ જવાબમાં કહ્યું, "એ તો એમ કહેવું પડે."

     બાળક ફરી પૂછે, "કેમ આવું ખોટું કહેવું પડે?"

     “એ તને નહિ સમજાય, તું હજુ નાનો છો." પપ્પાએ વાતને ટાળવા કોશિશ કરી. અલબત્ત બાહ્ય દૃષ્ટિએ વાતનો અંત આવ્યો હોય તેમ લાગે છે પણ આંતરિક દૃષ્ટિએ વાત હવે જ શરુ થાય છે, બાળકનાં ચિત્તમાં.

----પપ્પા ઘરે નથી, બહાર ગયા છે.--- આ ધ્રુવ વાક્ય બાળકના ચિત્તમાં અવનવાં વિચાર વલયો રચે છે.

(૧) ઘરે હોવા છતાં ઘરે ન હોવાનું કહી શકાય.ને એમ કહેવામાં કશો વાંધો નહિ. કશું ખોટું થતું  નથી.

(૨) સત્યને છૂપાવવા અસત્યનો સહારો લઈ શકાય, એમાં કશું ખોટું થતું નથી.

(૩) અન્યને અવળે પાટે ચડાવી શકાય, એમાં જરાય વાંધાજનક નથી.

(૪)પોતાના સ્વાર્થ ખાતર અન્યને છેતરી શકાય, એમાં જરાય ખોટું થતું નથી.

(૫)બીજા સાથે દગો કરવો. એમાં કશુજ ખોટું નથી.

       આને પરિણામે બાળકનાં ચિત્તમાં સ્થાયીભાવનો જે પિંડ રચાય છે તે ઉંમર વધતાં વિકસતો જાય છે. તેનું પરિણામ આપણે આપણી નારી આંખે સમાજમાં જોઈ શકીએ છીએ.... દરેક સ્થળે છેતરવાનો ધંધો પૂરબહારમાં ખીલ્યો છે. તેથી લાખો ને કરોડોના ગફ્લા કરનારા એમ માનીને લીલા લહેર કરે છે કે આવી છેતરામણ તો કરાય, એમાં કશો વાંધો નહિ. તેનાથી માબાપ તદ્દન બેખબર હોય છે. પછી અપ્રત્યાશિત રૂપે જયારે માબાપ સમક્ષ ઉદ્ઘાટિત થાય છે ત્યારે માબાપ આકાશમાંથી ઉંધેકાંધ પછડાય છે. દીકરો વંઠી ગયો , દીકરો હાથથી ગયો. એવા ભાવ સાથે નિરાશાની ગર્તામાં ધકેલાઈ જાય છે. પરંતુ એવું નથી વિચારતાં કે આ તો જેવું વાવ્યું છે તેવું લણી રહ્યાં છીએ. માટે જ બાળપણને સદગુણોનું ધરૂવાડિયું કહ્યું છે.

       આ પ્રકારની મનોવૃત્તિ તો સમાજને લાગેલી ઉધઈ છે. તે સમાજને કોરી ખાશે.... ખોખોલો બનાવે દેશે. શું તેને અટકાવવાની જરૂર નથી? લાગે છે. તો વિચારો......આ બાબતે શું થઈ શકે? આ મનોવલણનાં બીજારોપણ કરનાર આપણે જ છીએ કે? તો તેના નિરાકરણની શરૂઆત આપણે જ કરવી જોઇશે ને?

નોંધ:

      આ સવાલ સમાજમાં તરતો મૂક્યો છે, અને અભિપ્સા છે કે માતાપિતા પોતાના વિચારો આ લેખ પર પ્રતિભાવ રૂપે અથવા આ વેબ સાઈટ પર જમણી બાજુએ આપેલ ફોર્મમાં દર્શાવશે.  અમને મળેલ વિચારો અલગ લેખ તરીકે પ્રકાશિત કરવામાં આવશે.

 

અથવા નીચેનાં સરનામે પણ તે મોકલી શકશે. 

રવીન્દ્ર અંધારિયા

પ્લોટ નં.૨૨૨૫ B/૧/b પૂજાપાર્ક

વરલ હાઉસ પાસે

વાઘાવાડી રોડ

ભાવનગર, ૩૬૪૦૦૨

ઈ-મેઈલ, [email protected]

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *