સ્નેહાનો સ્નેહ

     એક સવારે મારી દીકરી સ્નેહાને મારી પત્ની નાસ્તો કરાવી નિશાળે જવા તૈયા થવા કહી રહી હતી પણ તે માનતી ન હતી. હું જો કે છાપું વાંચતો હતો પણ મારૂં ધ્યાન રહી રહીને તેમની તરફ જતું હતું કારણ આ પહેલા સ્નેહાએ ક્યારેય આવું વર્તન કર્યું ન હતું. જ્યારે તેની સમજાવટ અસફળ રહી ત્યારે મારી જીવનસાથીએ મારી દરમિયાનગીરી માંગી.

     મેં પ્રથમ તો વાત શું છે તે જાણવા પ્રયત્ન કર્યો, પણ વાતનું મૂળ ન જાણવા મળતાં મેં મારી રીતે વહાલભર્યા શબ્દોથી સ્નેહાને સમજાવવાનું શરૂ કર્યુઁ. પણ સ્નેહા જેનું નામ, પોતાની એજ વાત પકડી રાખી કે તે નિશાળ નહીં જાય. બહુ સમજાવ્યા બાદ જાણે નમતું જોખતી હોય તેમ કહ્યું કે તે જવા તૈયાર છે પણ એક શરતે. શું શરત છે તેમ પૂછતાં કહ્યું કે, "પહેલા વચન આપો કે તમે તે શરત માનશો."  'શરત જાણ્યા વગર વચન કેમ અપાય?' એવા જવાબમાં તે ફરી ફરીને એ વાત કરતી રહી.

     મને થયું 'તેને કોઈ સારી ઢીંગલી જોઈતી હશે. ઠીક છે ૪૦૦/૫૦૦નો ખર્ચ થશે પણ જો તે માની જતી હોય તો તે પણ મંજુર છે.' -  એમ મનમાં વિચારી મેં તેને કહ્યું કે,  "હું શરત માનવા તૈયાર છું."  તેની મમ્મીને પણ શરત કબૂલ છે તેમ હા પડાવી. પણ જ્યારે તેની શરત સાંભળી ત્યારે અમે બંને બે મિનિટ માટે અવાચક થઇ ગયા.

      થોડીવારે મેં કહ્યું, ‘સ્નેહા બેટા, તારી માંગણી થોડી વિચિત્ર છે, ખરૂં? છોકરી થઈને તું માથાનું મુંડન કરાવવા માંગે છે તેનું કારણ કહીશ?’

     ‘તે કારણ હું હમણા નહીં કહું.’ સ્નેહાએ જવાબ આપ્યો.

    શ્રીમતિ પણ રહી ન શક્યા અને બોલ્યા, ‘મુંડન? જરાય નહીં.’

     ‘તમે બંનેએ વચન આપ્યું હતું અને હવે તે પાળવું જરૂરી છે. તમે જ રાજા હરિશ્ચન્દ્રની વચનપાલનની વાર્તા કહી હતી અને જણાવ્યું હતું કે ગમે તે થાય પણ આપેલું વચન પાળવાનું જરૂરી છે.’

     ‘પણ નિશાળમાં બધા તારી મજાક ઉડાવશે.’

     ‘મને તેની પરવા નથી.’ બહુ સ્વસ્થતાથી સ્નેહાએ કહ્યું.

     બહુ સમય સુધી શ્રીમતી સાથે ચર્ચા કર્યા બાદ અમારે વચનપાલનનો નિર્ણય લેવો પડ્યો. બ્યુટી પાર્લરમાં હું તેને લઈને ગયો તો ત્યાના લોકોને પણ આ નવાઈભર્યું લાગ્યું પણ મેં શાનમાં સમજાવતા તેઓએ તે કામ કર્યું. પૂરા મુંડન બાદ હું તેને શાળાએ મુકવા ગયો જેથી ત્યાં જ્યારે તેની મજાક ઉડાવાય ત્યારે તેના ઉપર તેનો શું પ્રતિભાવ પડે છે અને સ્નેહા કેવી રીતે તેનો સામનો કરે છે તે મારે જોવું હતું. પણ ત્યાં પહોંચ્યા બાદ જે બન્યું ; તેથી મને સમજાયું કે સ્નેહાનું આવું વર્તન શા માટે હતું.

     અમે નિશાળે પહોંચ્યા ત્યાં જ એક કાર આવી અને તેમાંથી તેનો સહાધ્યાયી નિલય ઉતર્યો. સ્નેહાને જોઈ તેણે બૂમ મારી કે સ્નેહા થોભ. નિલયને જોઈ હું પણ નવાઈ પામ્યો કારણ તેના માથામાં એક પણ વાળ ન હતાં. તેની સાથે તેના પપ્પા પણ ઉતર્યા અને સ્નેહાને વળગીને કહ્યું કે,  "થેંક્યું સ્નેહા બેટા."

      કશી સમજ ન પડતાં મેં નિલયના પપ્પાને પૂછ્યું કે શું વાત છે? તમે કેમ તેને થેંક્યું કહ્યું?

      ‘મિ. પારેખ, મારા નિલયને કેન્સર છે. કેમોથેરાપીને કારણે તેના માથા બધા વાળ ખરી પડ્યા છે. બોડા માથા સાથે તેને નિશાળમાં આવતા શરમ લાગતી હતી. તેને ખાત્રી હતી કે અન્ય તેની મજાક ઉડાવશે. એક અઠવાડિયાથી  તે ઘરની બહાર જ નથી નીકળ્યો. સ્નેહાને આ વાતની ખબર પડી એટલે તે નિલયને મળવા આવી ત્યારે કહ્યું કે તેની શરમ દૂર કરવા તે જરૂર કશુંક કરશે પણ તેનું ભણતર ન અટકવું જોઈએ.

       ‘આજે સવારે તેણે ફોન કરી મને કહ્યું કે આજે નિલયને લઈને જરૂર આવજો. જરૂર તેણે કોઈ માર્ગ શોધ્યો હશે માટે જ આમ કહ્યું એટલે હું નિલયને લઈને આવ્યો છું. પણ તે આ રીતે પોતાના વાળ ઉતારીને આવશે અને નિલયને પ્રોત્સાહિત કરશે તે મેં જરાય ધાર્યું ન હતું. આટલી ઉંમરે આવો નિર્ણય લેવો અને તે પાળવાની નૈતિક હિંમત હોવા માટે સ્નેહાને દાદ દેવી જરૂરી છે અને તેના માતા-પિતાએ પણ તેને સાથ આપ્યો માટે તેઓ પણ અભિનંદનને પાત્ર છે.તમે અને તમારા શ્રીમતી બહુ ભાગ્યશાળી છો કે તમને આવી દીકરી મળી છે.’

     સ્નેહાની જીદનું સાચું કારણ જાણ્યા બાદ હું પણ ભાવવિભોર થઇ ગયો અને હર્ષાશ્રુ સાથે તેને ગળે વળગાડી.

    -  નિરંજન મહેતા

One thought on “સ્નેહાનો સ્નેહ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.