જંગલમાં સાક્ષરતા અભિયાન

 

મંગલપુર નામનું એક સુંદર અને ભવ્ય જંગલ હતું. જંગલમાં મંગલ નામનો સિંહ રાજા હતો. આથી મંગલપુરનાં પ્રાણીઓ તેને મંગલસિંહ કહીને બોલાવતા હતાં. મંગલસિંહનું જંગલમાં ખૂબ જ સારું માન હતું.

 

      મંગલસિંહનાં કહેવાથી બધાં પ્રાણીઓ ખૂબ જ સંપથી રહેતા હતા અને જરુર પડ્યે બધાં એક થઇ મુસીબતોનો સામનો કરતાં હતાં. મંગલસિંહની આગેવાની મંગલપુર માટે ખૂબ જ અસરકારક હતી. મંગલસિંહે મંગલપુરમાં રસ્તા, પાણીની પરબ, વૃદ્ધ પ્રાણીઓ માટે વિસામો, વાંચવા માટે પુસ્તકાલય બધું જ બનાવ્યું હતું. મંગલપુરનાં પ્રાણીઓ મંગલસિંહનાં કામથી અને આગેવાનીથી ખુશ હતા.

        એક દિવસ મંગલસિંહ જંગલની મુલાકાતે નીકળ્યા. મંગલસિંહે પુસ્તકાલયની મુલાકાત લીધી, જોયું તો અમુક પ્રાણીઓ જ પુસ્તકાલયમાં વર્તમાનપત્રો, સામયિકો વાંચતા હતાં. આથી મંગલસિંહે ગ્રંથપાલ જિરાફભાઈને પૂછ્યું કે ' આમ કેમ ? ' ત્યારે જિરાફભાઈએ કહ્યું  " જંગલમાં અમુક  પ્રાણીઓ સિવાય બીજા કોઈને પણ વાંચતા-લખતાં આવડતું નથી !" જિરાફભાઈની આ વાત સાંભળી મંગલસિંહ હચમચી ગયા અને પ્રાણીઓની સભા બોલાવવાનું નક્કી કર્યું. મંગલપુરમાં ઢંઢેરો પીટાવી સભાસ્થળ અને સમયની જાહેરાત કરવામાં આવી. જંગલનાં પ્રાણીઓ વિચારમાં પડી ગયા કે કંઇક નવું કરવાનું હશે એટલે જ મંગલસિંહે સભા બોલાવી હશે !!
         મંગલપુરનાં સભા હૉલમાં બધાં જ પ્રાણીઓ સમયસર આવી પહોંચ્યા. મંગલસિંહની સાથે સેનાપતિ વાઘભાઈ પણ સભાસ્થળે પહોંચી ગયા. પ્રાર્થના સાથે સભાની શરૂઆત થઈ અને ત્યારબાદ મંગલસિંહે બધા જ પ્રાણીઓ સમક્ષ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે ' મંગલપુરમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે એ જાણીને મને ખૂબ જ દુ:ખ થયું.મંગલપુર સતત વિકાસનાં પંથે છે ત્યારે શિક્ષણનો અભાવ હોય તો તે કેમ ચાલે ? ઘણાં બધાં પ્રાણીઓને વાંચતા-લખતાં આવડતું નથી,આવી નિરક્ષરતા ચલાવી લેવામાં નહીં આવે અને જેને વાંચતા-લખતાં ન શીખવું હોય તે મંગલપુર મંગલપુર છોડીને ચાલ્યા જાવ '
           મંગલસિંહનાં કડક પ્રવચન પછી જંગલમાં સાક્ષરતા અભિયાન ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું. રાત્રિશાળા ત્રણ મહિના ચલાવવી એવું સભામાં ઠરાવવામાં આવ્યું. હરણ અને શિયાળે પ્રાણીઓને ભણાવવાની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારી. અભણ પ્રાણીઓને રાત્રિશાળામાં લાવવાની જવાબદારી હાથીભાઈને સોંપવામાં આવી.સેનાપતિ વાઘભાઈને દેખરેખ રાખવાની અને રાજા મંગલસિંહને રોજેરોજનો અહેવાલ આપવાનું નક્કી કર્યું. આમ મંગલપુરમાં ' સાક્ષરતા અભિયાનનો ' આનંદનાં માહોલ સાથે પ્રારંભ થયો.
        હાથીભાઈ દરરોજ થાળી વગાડતાં-વગાડતાં અભણ પ્રાણીઓને રાત્રિશાળામાં લઈ આવતાં. હરણભાઈ અને શિયાળભાઈએ ત્રણ મહિના સુધી ' સાક્ષરતા અભિયાન ' ચલાવી અભણ પ્રાણીઓને ભણાવીને વાંચતાં-લખતાં શીખવાડી દીધું.
      ત્રણ મહિના પછી મંગલસિંહે પુસ્તકાલયની મુલાકાત લીધી તો પુસ્તકાલય પ્રાણીઓથી ભરચક હતું. કોઈ વર્તમાનપત્ર તો કોઈ સામયિક તો વળી કોઈ પુસ્તકો વાંચતા જોવા મળ્યા. આ દ્રશ્ય જોઈ રાજા મંગલસિંહ ખુશ થયા. મંગલસિંહે અને જંગલનાં બધાં પ્રાણીઓએ હરણભાઈ, શિયાળભાઈ અને હાથીભાઈનું સન્માન કર્યું. આમ મંગલપુર સાક્ષર થયું અને મંગલપુરમાં ઉત્સવ જેવો માહોલ છવાઈ ગયો.

-કપિલ સતાણી

તેમની વેબ સાઈટ આ રહી

ચિત્રાંકન માટે ખાસ આભાર-કૌશિકબાબુ રાઠોડ  " નિર્દોષ "
                  

stock-forest-wood-england-UK-1550x804.jpg
forest
most-beautiful-libraries-2.jpg
1200-37925900-male-african-elephant.jpg

4 thoughts on “જંગલમાં સાક્ષરતા અભિયાન”

  1. પ્રિય વાચક ,
    ગામડાના ખૂણામાં બેસી સાહિત્ય સાધના કેમ કરાય તે કોઈકે શીખવું હોય તો બે નામ યાદ આવે -;કપિલ સતાણી અને ડૉ.સંજય કોરિયા -બાલ સાહિત્ય અને શિક્ષણ જગતની અદ્ભૂત જોડી -બંનેમાં કોઈને અભિમાન નહિ એક જ લક્ષ્ય બાળકોની ,માતૃભાષાની સેવા કરવી;મારા વડીલ મુરબ્બી અને નવતર અખતરા કરનારા ઈજનેર -સાહિત્યિક લોક લાડીલા સુરેશ દાદા જાની ,મોટાં હીરાપારખું – જ્ઞાન રત્નના તારલાં ગમે ત્યાંથી શોધી કાઢે ,તેને આંગળી પકડીને આગળ લઇ જાય -નિસ્વાર્થભાવે ! !અહીં રજૂ થયેલી કપિલ સતાણીની કૃતિઓમાં ખોબલે ખોબલે સાહિત્ય નિષ્ઠા દેખા દે છે ,બાળકો પ્રત્યેનો નિખાલસ પ્રેમ ડોકિયું કરે છે -સિદ્ધહસ્ત કલમ ,ભાષાની સરળતા અને વાંચવાનું મન થાય તેવી શૈલીની રમતિયાળ સ્વાભાવિકતા તેઓએ મેળવેલી સિદ્ધિ ગણાય -હજુ યુવાન હોઈ નવા અભિગમો અને નવી ક્ષિતિજો સાથે ખુબ ખુબ સફળતા પામે તેવા આશીર્વાદ અને ગુર્જર ધરા , માદરે વતન ગુજરાત અને ભારતનું નામ રોશન કરવામાં ફતેહમંદ નીવડે તેવી શુભેચ્છા -સહૃદયી વાચક -જિતેન્દ્ર પાઢ /રાહલે /મોરિસવિલ સિટી /નોર્થકેરોલીના /અમેરિકા /14 .સપ્ટેમ્બર -2018/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *