મૌન પણ બોલે છે

      મને આ વાત બાળપણમાં સમજાઈ હતી. ત્યારે  હું ૧૧માં ધોરણમાં હતી. સ્વાભાવિક ઉંમર એનું કામ કરતી હતી. મને કશુક નવું કરવું ગમતું, જેને ‘એડવેન્ચર’ કહી શકાય. એક દિવસ રીસેસમાં ગાપચી મારી હું મારી બહેનપણી સાથે ‘મેટેની’ શોમાં પિક્ચર  જોવા ગઈ. મારી માસીની દીકરી મારા જ વર્ગમાં હતી. તેણે મારી મમ્મીને વાત કરી કે હું શાળામાંથી પિક્ચર જોવા ગઈ હતી.

       હું ઘરે આવી. સમય કરતા થોડીક જ મોડી અને મમ્મીએ માત્ર એટલું જ કહ્યું કે ‘આવી ગઈ? સારું, જમી લે અને સ્કુલનું લેસન કરી લેજે.’ ત્યાર પછી શનિ–રવિની રજા હતી. રજા પછી શાળામાં ગઈ ત્યારે મારી બહેનપણીએ કહ્યું. ‘તારી મમ્મીએ પૂછ્યું હતું કે, પ્રજ્ઞાની  ફિલ્મની ટીકીટના તને કેટલા પૈસા દેવાના છે?   તારા પપ્પા મમ્મી તો મને રવિવારે પૈસા આપી ગયા..’

      હું બે ક્ષણ માટે એને જોઈ રહી અવાચક. આ વાત જાણ્યા પછી મમ્મી પપ્પાનું આ મૌન  મને ખટકી ગયું. હા, અહીં એમનું મૌન બોલતું હતું. 

શબ્દો ન કરી શકે તે કામ મૌને કર્યું.

     હું મારી જાતે બધું સમજી ગઈ. આવી વાત આપણી હો કે ગાંધીની, પણ શબ્દો અને વાણી વિનાની મૌનની એક અજબની પરિભાષા છે.

        હું તો ક્યારેક મારા શહેરનું પણ મૌન સાંભળું છું. મુંબઈ શહેર એટલે ચોવીસ  કલાક  હાંફ્તું ,ધબકતું અને ક્યારેય ના થાકતું, ધાંધલ ધમાલ, ઉથલપાથલનું શહેર. એ મૌન કેવી રીતે હોઈ શકે? અહીં મુંબઈ શહેર તમને ખોટા પાડે છે. કારણ  શહેરનું મૌન  ભેદી હોય છે. મુંબઈ શહેર શબ્દોનું મહોતાજ નથી. એભાવની ભરતીનું શહેર છે. એનું મૌન ક્યારેક ડર પહેરીને આવે છે તો ક્યારેક ચિંતા ઓઢીને આવે છે.અહી મૌનની તીક્ષ્ણતા આકરી હોય છે. હા ક્યારેક શહેરનું મૌન શબ્દોથી પણ તેજ, ધારદાર, ઘાતક, જીવલેણ અને તીક્ષ્ણ બની જતું હોય છે. ત્યારે જાણે મૌન શબ્દની આબરૂ લેતું હોય તેવું ભાસે છે. હા,પણ મૌન બોલે છે.

      સાંભળો તો મૌન ઘણું બોલે છે.  મૌન માણસને ચીરી નાખે છે તેમ મૌન માણસને સીવી નાખે છે મૌન જીવન છે, મૌનમાં ધબકાર છે. મૌનમાં શ્વાસ છે. મૌન એ શબ્દોની કબર નથી. મૌન હૃદયના ધબકારામાં ગાજતું હોય છે..હા મૌન બોલતું હોય છે.

 -     પ્રજ્ઞા દાદભાવાલા

સાન ફાન્સિસ્કો શહેરની નજીક મિલપિટાસના સાહિત્ય વર્તુળના બ્લોગ 'બેઠક' પરથી

2 thoughts on “મૌન પણ બોલે છે”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *