સતત પ્રયાસ

      એક રાજા લડાઈમાં હારના ડરથી ત્યાંથી ભાગી ગયો અને જંગલમાં એક ઝૂંપડીમાં છૂપાઈ ગયો.  થોડીવારે તેની નજર તેની સામેની દીવાલ પર એક કરોળિયાને જાળું બનાવતાં જોયો. કરોળિયો થોડુક જાળું બનાવે અને નીચે પડી જાય. હિંમત હાર્યા વગર તે ફરી આગળનું કામ કરે. આમ અનેક પ્રયત્નો પછી તે કરોળિયોએ પોતાનું સંપૂર્ણ જાળું બનાવી દીધું. રાજાને થયું કે જો એક નાનકડું જંતુ હિંમત હાર્યા વગર પોતાના કામ પાછળ પડે અને તેને પૂરૂં કરે તો હું એક રાજા નાહિંમત કેમ કરીને થઇ શકું. બસ, આ વિચારે તે પાછો ગયો અને યુદ્ધ જીતીને રહ્યો.

      અંગ્રેજીમાં એક શબ્દ છે PERSEVERANCE જેનો અર્થ થાય છે સતત પ્રયાસ. આ શબ્દ ત્યારે વપરાય છે જ્યારે વારંવાર પ્રયત્ન કરવા છતાં નિષ્ફળતા મળે છે અને તેમ છતાં હિંમત ન હારતાં પ્રયત્નો ચાલુ રખાય છે અને અંતે સફળતા પ્રાપ્ત થાય છે. આને આપણે ધૈર્યભર્યો પ્રયાસ પણ કહી શકીએ.

    જીવનમાં અને ઔદ્યોગિક સાહસમાં આ ગુણ ધરાવવો અત્યંત જરૂરી છે. આના વડે આપણે પાઠ શીખીએ છીએ કે તમારા લક્ષ્ય સુધી પહોંચવા અડચણો તો આવવાની અને તેને કારણે હાર પણ સ્વીકારવી પડે પણ તેમ છતાં તેને લઈને નાસીપાસ ન થતા અનુભવેલી ભૂલો જાણ્યા બાદ તેમાંથી બહાર આવી આગળ વધવાના મળેલા સંકેતને અનુસરીને પ્રયાસો ચાલુ રાખે તેને જ સફળતા પ્રાપ્ત થાય છે.

      ઔદ્યોગિક સાહસનો રસ્તો બહુ લાંબો અને મુશ્કેલીભર્યો છે. પણ શરૂઆતમાં આવેલી મુશ્કેલીઓનો સતત સામનો કરીને અને મર્યાદિત સાધનો વડે જે આગળ વધે છે તે અંતે લક્ષ્ય પર પહોંચે છે. ઇતિહાસમાં આવા કેટલાય દાખલા છે જેમાં સાહસિકો મુશ્કેલીઓને અવગણીને સતત પ્રયત્નો બાદ સફળતા મેળવી ટોચના સ્થાને પહોંચ્યા છે.

      સ્ટીવ જોબ્સે કહ્યું છે કે સફળ ઔદ્યોગિક સાહસ અને નિષ્ફળ ઔદ્યોગિક સાહસને જુદા તારવવામાં અડધો હિસ્સો સતત પ્રયાસોનો છે.  ઔદ્યોગિક સાહસની અન્ય એક વ્યક્તિ બેન હોરોવીત્ઝે કહે છે કે ગંદકી તો થવાની. તે તો વ્યાપાર - ધંધાનો ગુણ છે. જેટલી ઊંચી તમારી મહત્વાકાંક્ષા તેટલી જ મહામુશ્કેલીઓનો તમારે સામનો કરવો પડશે. તેમ છતાં મહત્વનું એ છે કે તમે સતત અને ધૈર્યપૂર્વક પ્રયાસ કરતાં રહો. 

      પેટ્રિક ગ્રોવર પોતાની સફળતા પાછળ આને જ મહત્વ આપે છે. નવા સાહસની શરૂઆતમાં રોકાણ માટે જરૂરી ધનરાશી મેળવવાના પ્રયાસોમાં નિષ્ફળતા મળ્યા છતાં તેમણે હિંમત ન હારી અને સતત પ્રયાસ કરતા રહ્યા.અંતે ૭૫મી વ્યક્તિએ તેના ઔદ્યોગિક સાહસમાં નાણા રોકવાની સંમતિ આપી અને ત્યારબાદ સાત વર્ષમાં તે કંપની  સફળતાની ટોચ ઉપર પહોંચી. ત્યાર બાદ તેમણે અનેક ઔદ્યોગિક સાહસોની કંપનીઓ સ્થાપી જે બધી સફળ રહી છે.

       આ ઉપરથી આપણે બોધ લેવો રહ્યો કે,  ધીરજના ફળ મીઠા છે અને સતત પ્રયાસ એક દિવસ તેનું હકારાત્મક પરિણામ લાવશે.

     -    નિરંજન મહેતા

આ જ વાત નીચે બતાવેલા વિડિયોમાં પણ માણી શકશો. 

--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *