કહેવતકથા – ૫

  -   નિરંજન મહેતા

મુસાભાઈના વા અને પાણી

      મુસાભાઈ આમ તો ગરીબ. બે ટંક માંડ ભેગા થાય, પણ તેમને ગામમાં ઘણા મિત્રો. આ બધા આમ તો પૈસેટકે સુખી એટલે અવારનવાર મિજબાનીઓ  ગોઠવે અને તેમાં મુસાભાઈને પણ આગ્રહ કરીને બોલાવે.

     મુસાભાઈ પહેલા તો સંકોચાય પણ બહુ આગ્રહ પછી તે સામેલ થાય.

      આવી એક મિજબાનીમાં એક મિત્રે કહ્યું કે મુસાભાઈ "તમે તો ક્યારેક અમને તમારે ત્યાં મિજબાનીમાં આમંત્રો." અન્ય મિત્રોએ પણ આ વાતમાં સાથ પૂરાવ્યો. વારંવાર આમ કહેવાયું એટલે શરમના માર્યા મુસાભાઈએ બે દિવસ પછી બધાને પોતાને ઘરે આવવાનું કહ્યું.

      બે દિવસ પછી બધા ત્યાં ગયા ત્યારે મુસાભાઈએ બધાને આવકાર્યા અને આરામથી બેસવા કહ્યું અને ત્યારબાદ હમણાં આવું છું કહી બહાર ગયા. થોડીવારે તે સારી સારી વાનગીઓ લઈને પાછા ફર્યા.

     વાનગીઓની લિજ્જત લેતાં લેતાં બધા મિત્રોએ મુસાભાઈના વખાણ કર્યા ત્યારે જાણે સંકોચ પામ્યા હોય તેમ બોલ્યા કે મિત્રો આમાનું મારૂં કશું નથી મારા તો વા અને પાણી છે.

      મિત્રો સમજ્યા કે મુસાભાઈ બહુ નમ્ર બની વાત કરે છે એટલે તેઓએ મુસાભાઈના વધુ વખાણ કર્યા. આમ જ્યારે કહેવાય ત્યારે ફરી ફરીને મુસાભાઈ એક જ વાત કરે કે મુસાભાઈના તો વા અને પાણી છે.

     મિજબાની પૂરી થઇ અને મિત્રો ઘરે જવા બહાર નીકળ્યા તો જોયું કે કોઈના પણ પગરખાં ત્યાં ન હતાં. બધાએ મુસાભાઈને કહ્યું કે આ શું, અમારા પગરખાં ચોરાઈ ગયા. ત્યારે મુસાભાઈએ જવાબ આપ્યો -

    " ના જનાબ એ ચોરાયા નથી. તમે જાણો છો કે મારી હેસિયત નથી કે, તમને હું સ્વાદિષ્ટ ભોજન આપી શકું એટલે નાછૂટકે હું તમારાં પગરખાં વેચીને તમારે માટે આ બધી સ્વાદિષ્ટ વાનગીઓ લઇ આવ્યો હતો. બાકી મારા તો વા ને પાણી જ હતાં જે હું તમને વારેઘડીએ કહ્યા કરતો હતો."

     ત્યારથી આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે કહેવાય છે કે

મુસાભાઈના તો વા અને પાણી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *