અમૂલ્ય જીવન

ડૉ. સંજય કોરિયા

     એક દિવસ એક તોફાની જુવાનને ટીખળ કરવાનું મન થયું. કાપડ વેચવા નીકળેલા સંતને ઉભા રાખીને તેણે એક સાડીનો ભાવ પૂછ્યો .

     "બે રૂપિયા"  સંતે કહ્યું.

     તરત જ પેલા યુવાને એક સાડી લઇને ફાડી નાખી અને બે ટુકડા કરી પૂછ્યું, "એમનો એક ટુકડો લેવો હોય તો શુ ભાવ?"

     "એક રૂપિયો." તિરુવલ્લુવરે સ્વસ્થતાથી કહ્યું.

     પેલા જુવાને તો એ ટુકડાના પણ પાછા બે ટુકડા કરી નાખ્યાં, "હવે આનો  ભાવ?"

    "અડધો રૂપિયો."  સંતે તદ્દન શાંતિથી કહ્યું.

     પેલા જુવાને તો એના પણ બે ટુકડા કરી નાખ્યા અને ફરી એમાંના એક ટુકડાનો ભાવ પૂછ્યો અને સંત તિરુવલ્લુવરે શાંતિથી એનો પણ ભાવ કહ્યો. એમને એમ પેલો યુવાન સાડીને નાના ને નાના ટૂકડાઓમાં ફાડતો રહ્યો અને પછી બોલ્યો,

   "પણ હવે આ નાનકડા ટૂકડા તો મારે કાઇ કામમાં આવે એમ નથી, હું લઇ ને શું કરું ?"

    "બરાબર છે, ભાઈ."  તિરુવલ્લુવર કશા જ હિચકિચાટ વિના બોલ્યા," આ ટુકડા તારે કશાં જ કામના નથી; પણ હું એને સાંધીને ફરી આખી સાડી બનાવી લઈશ. એનું પણ કોઈ લેનાર મળી જશે."

     સંતનો એ જવાબ સાંભળીને પેલો યુવાન ખસિયાણો પડી ગયો અને બોલ્યો, મહારાજ, આ ટુકડા તમને પણ કાઈ કામમાં આવશે નહિ. મને માફ કરો લો, હું તમારી સાડીની કિંમત ચૂકવી દઉં."

     પરંતુ સંત તિરુવલ્લુવરે પૈસા લેવાની ના પાડતા કહ્યું, "જે વસ્તુ તને કામમાં આવવાની નથી તેના પૈસા તારી પાસેથી લઈને  હું શું કરું? અને મારા ભાઈ, તું શું એમ ધારે છે કે, તારા બે રૂપિયા તે જે નુકશાન કર્યું છે તે ભરપાઈ કરી દેશે? આ કાપડ કઈ રીતે તૈયાર થયું છે, જાણે છે ?  રાત દિવસ મહેનત કરીને ખેડૂતે કપાસ ઉગાડ્યો હશે, એમાંથી રૂ તૈયાર થયું હશે, એને કેટલાય દિવસ મહેનત કરીને મારી પત્નીએ કાંત્યું અને મેં રંગ્યું, એને વણ્યું અને એમાંથી આ સાડી તૈયાર થઈ. ભાઈ, આટલી મહેનત પછી બનેલી સાડી  પાછળના શ્રમની સફળતા તો તે કોઈના પહેરવાના કામમાં લાગે તેમાં જ ગણાય."

    પછી યુવાનના માથે હાથ મૂકી ને કહ્યું, "બેટા, આપણું જીવન પણ આપણે  સાડીની જેમ જ અવિચારીપણે વેડફી નાખીએ છીએ. એક સાડી બગડે તો બીજી સાડી લાવી શકાય પણ જીવન બગડે તો બીજું ક્યાંથી લાવી શકાય?"

    દક્ષિણ ભારતના વિખ્યાત સંત તિરુવલ્લુવર કાપડ વણીને  વેચવાનો ધંધો કરતા. કાપડ વેચવા માટે ફરતા એ સંત પુરુષના શાંત સ્વભાવની અને ભક્તિભાવની લોકો ખૂબ પ્રશંસા કરતા. 

પ્રેરકબિંદુ : જીવન એટલે પ્રેમ અને શરમની સરિતાઓનો સંગમ.

સંત તિરૂવલ્લુઅવરની ૧૩૩ ફૂટ ઊંચી પ્રતિમા, કન્યા કુમારી, તામિલનાડુ

One thought on “અમૂલ્ય જીવન”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *