બકો જમાદાર – ૫

  -   જયશ્રી પટેલ

  

નમસ્તે બાળકો,

મંગળવારની સુંદર સવાર ને ઉનાળાની રજાઓ. મજા આવે છે ને? રજા પડે કે તરત જ તમે કેવા ખુશ ખુશ થઈ જાઓ છો? તેવી જ રીતે એકવાર બકા જમાદાર પણ રજાની મજા માણવાનાં સપનાં જોઈ રહ્યા હતાં.

 

વાર્તા ન: ૫

      બાળકોને રજા પડે એટલે નક્કી કર્યુ કે, તેઓને આ વખતે સરસ મજાની જાત્રા કરાવી આવું. પૈસાની સગવડ તો  કરવી જ રહી, નોકરીમાં રજાઓ મૂકવી રહી. તમને ખબર છે આપણે માતા પિતા પાસે ઘણીવાર ઘણી માંગણીઓ કરીએ પણ એની વ્યવસ્થા કરવા તેઓ ખૂબ જ મહેનત કરતા હોય છે? બસ બધા ઘરમાં ખુશ હતા. તૈયારીઓ જ ચાલુ થઈ ગઈ હતી. જેમ જેમ જવાનો દિવસ નજીક આવ્યો તેમ તેમ બકેસર તો વધુ ને વધુ મિત્રોને કહેવા લાગ્યો કે તે આમ કરશે ને તેમ કરશે!

      જવાના બે દિવસ આગળ બકા જમાદારના પાડોશી બકરેશ્વરને ત્યાં રાતના બાળકોનો રડવાનો અવાજ સંભળાયો. બાળકો, જો કોઈ હસતું હોય તો ઠીક, પણ રડતું હોય તો જરૂર એને પૂછો. જગતમાં નાના મોટા કેટલાય દુ:ખ લોકોને હોય છે. બકેસરના તો તે મિત્રો થતા હતા. બકેસર ને બકા જમાદારે તેઓનો દરવાજો ખખડાવ્યો. પૂછ્યું, ”કેમ રડો છો?” તો ખબર પડી કે બાળકો બે દિવસથી ભૂખ્યા છે. તેમની માતા બિમાર પડી છે ને પિતા તેને દવાખાને લઈ ગયા છે. શહેરથી તેઓ ક્યારે આવશે ખબર નથી. 

     બકા જમાદારને ચિંતા થઈ ગઈ. બાળકો કહેવત છે કે, 'પહેલો સગો પાડોશી.' આજ કાલ તો પાડોશમાં શુ થાય છે એ ખબર જ ન પડે. પણ એવું ન કરવું. આટલું જરૂર શીખજો.

      બકા જમાદાર તો ઉપડ્યા શહેર. તપાસ કરી તો ખબર પડી કે અહીં તો હજુ એમને દસ બાર દિવસ નીકળી જશે. બસ, એમણે તો નક્કી કર્યુ ને આવ્યા ઘરે. ઘરમાં વાત કરી ને બધાનો મત પૂછ્યો બોલો, પાડોશી તકલીફમાં  છે તો આપણે શું કરવું ? તેમના પત્ની ને બકેસરે કહ્યું, "આપણે જરૂર મદદ કરવી રહી. "

     પછી જાત્રાએ જવાનું શું? હવે બકેસરનો મત જુઓ. તેણે કહ્યું કે, "ફરવા ફરી જઈશું, પણ આપણે બકેશ્વરકાકાને મદદરૂપ થવું જોઈએ." તેમની બધી બચત પાડોશીને આપી. છોકરાંઓને પોતાને ઘરે લઈ આવ્યા ને બકા જમાદારે શહેર જઈ તેમની રજાઓ પણ પાડોશીની સેવામાં વાપરી નાંખી.

      આમ પહેલું કાર્ય માનવતાનું કરી બાળકો, બકા જમાદાર ને તેમના કુટુંબે મોટી પ્રભુની જાત્રા પૂરી કરી. માટે બાળકો સૌથી ઉત્તમ ઘર્મ “માનવતા” પછી બીજું એ ધ્યાનમાં રાખજો ને બકા જમાદારને બકેસર જેવા બનજો. બનશોને? જરૂર શીખજો ને બીજાને આ વાત કહી શીખવાડજો. જરૂર આનંદ મેળવશો.

    આવજો ફરી આવતા મંગળવારે મળીશું. 

પ્રતિલિપિ પર તેમની રચનાઓ અહીં ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.