રંગભેદનો અનુભવ

- ગીતા ભટ્ટ

ઘટમાં ઘોડા થનગને ને આતમ વીંઝે પાંખ.
અણદીઠેલી ભોમ જાવા યૌવન માંડે આંખ.
- ઝવેરચંદ મેઘાણી 

આખી કવિતા અહીં માણો ]


એ સમય ૧૯૮૮નો જ એવો હતો કે મારે ઝટઝટ ઘણું બધું કરવું હતું. ભણવાનું પતાવવું હતું, પોતાનો બિઝનેસ શરૂ કરવો હતો. અને સાથે જવાબદારી પણ હતી જ. સંતાનોને ઉછેરવાનાં હતાં. કુટુંબ સંભાળવાનું હતું. બેબીસિટીંગ ચાલુ રાખવાનું હતું. 

    તો હવે સમય ક્યાંથી કાઢવો? સવારથી સાંજ બાળકોની ગોવાળી કરવામાં દિવસ પૂરો થઇ જાય. પછી આખા દિવસનો થાક અને કંટાળો,એટલે કાંઈ પણ નવું કરવાની આળસ આવે અને ઈચ્છા મરી પરવારે એ સ્વાભાવિક છે. પણ એ જ ઈચ્છા પાછળ એક સુંદર સ્વપ્નું લટકતું હતું. એક મહત્વકાંક્ષા વળગેલી હતી.  અમારી પોતાની બાળનર્સરી શરૂ કરવી હતી. અમારું ડે કેર સેન્ટર શરૂ કરવા ભણવું અને બાળ જીવન -બાળ માનસનો અને બીજા જરુરુ વિષયોનો અભ્યાસ કરવો ફરજીયાત હતાં. 

    આમ તો આ મારું ગમતું ફિલ્ડ હતું. મને ફાવતું, બધી રીતે અનુકૂળ ક્ષેત્ર હતું. પોતાનું ડે કેર હોય તો અમારાં બાળકો માટે ક્યારેય બેબીસિટરની જરૂર ના પડે.  અમારાં સંતાનો નજર સામે ઉછરે એટલે સ્વાભાવિક રીતે જ એમનો આત્મવિશ્વાસ પણ જળવાઈ રહે.  વળી ઘરમાં આટલાં બધાં બાળકો હોવાથી ઘર પણ એક જાહેર જગા જેવું બની ગયેલું.  કાંઈ પ્રાઈવસી જેવું તો રહ્યું જ નહીં. રસોડું તો ક્યારેય બંધ જ ના હોય.  સતત રસોડામાં કાંઈક રંધાતું હોય કે, કોઈ જમતું હોય કે, ભેગાં થઈને હું બાળકો સાથે કેક,કૂકીઝ કે કોઈ સેંડવિચ બનાવતી હોઉં.  કાંઈક ને કાંઈક રસોડા પ્રવૃત્તિ ચાલતી જ હોય.  નાનાં બાળકોને ઘરમાં ટોયલેટ ટ્રેનિંગ આપું ત્યારે એનાં એક્સિડન્ટ પણ થાય.  એટલે હવે બધી રીતે પોતાનું ડેકેર બનાવવાનું સ્વપ્નું દ્રઢ બનતું જતું હતું.

     મેં નજીકના સબર્બ રિવર ફોરેસ્ટ્ની Triton college of River Forest ટ્રાઈટન કોલેજમાં સાંજના ક્લાસીસ અને શનિવારના વર્ગોમાં ઉત્સાહથી પ્રવેશ લીધો.  અમારી નવી નક્કોર ગાડી અને નવું નક્કોર ડ્રાયવર લાયસન્સ. સૌથી આનંદની વાત તો એ હતી કે હું કોલેજ જાઉં એટલો સમય મારી સાથે એક પણ બાળક ના હોય. મારે કોઈનું નાક સાફ કરવાનું કે ડાયપર બદલવાનું કે બાટલી પકડીને દૂધ પીવડાવવાનું કે સુવડાવવાનું , રમાડવાનું , રડતું હોય તો શાંત રાખવાનું, બાળકની જેમ ચેનચાળા કરીને ફોસલાવવાનું, પટાવવાનું કે હાલરડાં કે ચકલીબેનનાં ગીતો ગાઈને કે ચાંદામામાની વાર્તાઓ કહીને કાંઈજ કરવાનું નહોતું.  બસ, કોલેજમાં જઈને ભણવાનું હતું. દશ બાર વર્ષ પહેલાં જેમ કોલેજમાં ભણતી, ભણાવતી એવી સરસ કોલેજ લાઈફ. સાચા અર્થમાં કોઈ પુખ્ત વયની વ્યક્તિઓ સાથે વાસ્તવિક જીવનની વ્યવસ્થિત વાતો કરવાની તક મળી.  પરીકથાઓ કે વાતો કરતાં વાંદરાભાઇ ને બકરીબેની કાલ્પનિક વાતો સિવાય વાસ્તવિક ધરતીની વાતોનો વિચાર વિમર્શ કરવાની તક મળી. થાક અને કંટાળો બધું ગાયબ થઇ ગયાં.

      શનિવારે સવારે ઉત્સાહથી અમારાં સંતાનોએ મને “Best of Luck મમ્મી, ચોપડીઓ, નોટબુક, નાસ્તો બધું લીધુંને? ધ્યાન રાખીને ભણજે. “ એમ કહ્યું - જે રીતે હું તેમને રોજ ’Have a nice day! આવજો, ધ્યાન રાખીને ભણજો. ‘એમ કહેતી તેમ!  તેઓ માટે અને મારે માટે કદાચ એ ભવ્ય પળો હતી. 

ઘટમાં ઘોડા થનગને, ને આતમ વીંઝે પાંખ!

      કંઈક આ દેશ,  પેલો દેશ; અહીંની કોલેજ, ત્યાંની કોલેજ - એમ સરખામણી કરતાં હું કોલેજના નિશ્ચિત વર્ગમાં આવી. પર્યાવરણ અને સામાજિક સબંધો – સમાજ શાસ્ત્ર – કલ્ચરલ અવેરનેસ ઉપરના વિષય હતા.

     બપોરે લંચ બ્રેક પછી જયારે અમે બધાં પાછાં વર્ગમાં પ્રવેશવા ગયાં, ત્યારે અમને બધાંને રોકવામાં આવ્યાં. “તારી આંખનો કલર બ્રાઉન છે એટલે તું પેલા પાછળના બારણેથી અંદર જા. અને તારે ત્યાં પાછળ જ બેસવાનું છે, હોં!” ઇન્સ્ટ્રક્ટરે મને અને બીજાં દશેક જણને પાછળ કાઢ્યાં.  અને કેટલાંક પૂરાં અમેરિકન દશેક જણને આગલે બારણેથી અંદર જવા દીધાં.“ એ લોકોની બ્લ્યુ આંખો છે એટલે.”

     પેલી ઇન્સ્ટ્રક્ટરે કહ્યું કે, વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું છે કે, 'બ્લ્યુ આંખ વાળા લોકો હોશિયાર અને શુકનિયાળ હોય છે. '

     ચારે બાજુએ હો હા થઇ ગઈ.  શરૂઆતમાં અમને લાગ્યું કે, પેલી ઇન્સ્ટ્રક્ટરનું ચસ્કી ગયું છે. પણ એ અને એની સાથેના બીજાં મદદનીશો પણ એવું જ કહીને ઉદ્ધતાઇથી અમારો વિરોધ કરતાં હતાં.

    "પાછળ બેસો તમે.” એક મદદનીશ ભાઈ જે સિક્યોરિટીનો માણસ હોય તેવો લાગતો હતો એણે ઉદ્ધતાઇથી અમને બધાંને અપમાન કરતો હોય તેમ ઘાંટો પાડીને કહ્યું.  ધુંધવાઇને, સમસમીને અમે બધાં પાછળની ખુરસીઓ પર બેઠાં. જો કે આગળ બેઠેલાંમાંથી એક ધોળી છોકરી જેની સાથે હું લંચ દરમ્યાન વાતો કરતી હતી; એણે દિલગીરી સાથે મને કહ્યું કે, "આવું થયું છે તે બદલ એ ખુબ દુઃખી છે."

     પેલા મદદનીશે એને પાછી આગળના ટેબલ તરફ મોકલી દીધી.  બીજા પણ બે ત્રણ જણે અમારાં તરફ હમદર્દી દર્શાવી. દસ પંદર વીસ મિનિટ આમ જ ચાલ્યું.  ધાંધલ ધમાલ, ઘોંઘાટ.  કેટલાક અપશબ્દો પણ વરસ્યા. ગભરાઈને અમે બે ત્રણ જણ બહાર જવા ગયાં, પણ અમને બારણે રોકી ને પાછાં ધકેલ્યાં. પછી ત્યાં દૂર ઉભેલ ઇન્સ્ટ્રક્ટરે અમને આગળ બોલાવ્યાં અને બધાંને શાંત થઇ જવા કહ્યું, ને પછી બોર્ડ ઉપર એક નામ લખ્યું : જેન એલિયેટ. "   

     રંગભેદની નીતિ વ્યક્તિને કેટલી હદે અસર કરે છે એ તેમને સૌને પ્રત્યક્ષ રીતે સમજાવવાનો આ પ્રયાસ હતો.  અમારી ઇન્સ્ટ્રક્ટરે કહ્યું, “તમે અત્યારે એક પ્રયોગનાં પ્યાદાં હતાં! અને એ પ્રયોગનું નામ છે બ્લ્યુ આંખો/ બ્રાઉન આંખો. એ પ્રયોગ રચનાર હતાં જેન એલિયેટ!”

 

    એમણે અમને સમજાવ્યું કે, બાળકનાં ઘડતરમાં શિક્ષક કેટલો મહત્વનો ભાગ ભજવે છે. બાળકને માત્ર બાળક તરીકે જ જોઈને તેનો સંપૂર્ણ ઉછેર થવો જોઈએ. ચામડીનો રંગ કે આંખનો રંગ કે દેશ, જાતિ ,લિઁગ વગેરેના માધ્યમથી કોઈના પ્રત્યે વહેરો આંતરો દાખવવો, એ યોગ્ય નથી વળી એ બિનકાયદેસર પણ છે.  અને એની ઘેરી અસર બાળકનાં કૂમળાં માનસ પર પડે છે.

    જેન એલિયેટે પોતાના ત્રીજા ધોરણમાં ભણતાં વિદ્યાર્થો ઉપર સૌ પ્રથમ વાર આ પ્રયોગ કરેલો. વાત એમ બનેલી કે ૧૯૬૮માં આગલે દિવસે ગોળીબારથી માર્ટિન લ્યુથર કિંગનું ખૂન થયેલું. આયોવા રાજ્યના  નાનકડા ગામનાં બાળકોને એ કેવી રીતે સમજાવે કે, અહિંસાના ઉપાસક કિંગનું ખૂન એક રંગભેદ સમાજને લીધે થયું હતું? અશ્વેત લોકોના માનસ પર શું વીતે છે તેનો આછો અહેસાસ કરાવવાનો એ પ્રયાસ હતો.

     અમારાં વર્ગમાં પણ બધાં આ પ્રેક્ટિકલ અનુભવથી સ્તબ્ધ થઇ ગયાં. સ્વાભાવિક રીતે જ અમને હોમવર્કમાં એ લાગણીઓ અને બાળ માનસ પર એ કેવી રીતે અસર કરે તે વિષે લખવાનું કહેલું. જો કે ભારતીય હોવાને લીધે, એક પરદેશી જે યુરોપીઅન કે મેક્સિકન કે ઓરિએન્ટલ નહીં પણ કોઈ જુદી રાષ્ટ્રીયતા ધરાવતી વ્યક્તિ હોવાથી અને જુદા લાગવાથી, અમને પણ વ્હેરા આંતરનાં અનુભવ નહોતા થતાં એવું નહોતું .  ઇન્ડિયન બ્રાઉન ચામડીના હોવાથી ક્યારેક કોઈ એવું ઓરમાયું વર્તન કરતું. પણ જીવન નિર્વાહ માટે મારો બિઝનેસ હોવાથી અમારો હાથ ઉંચો રહેતો.  એટલે કે, એવાં લોકોથી અમે સ્વેચ્છાએ દૂર રહેતાં.  મોટે ભાગે તો આપણે જ આપણાં મનનાં માલિક હોઈએ છીએ ને? 

     પરંતુ એ જ કારણથી હું અંદરથી આપણી વર્ણ વ્યવસ્થાનો વિરોધ કરતી હોઈશ? આપણે ત્યાં દેશમાં તો આવા ભેદભાવ ભારે તીવ્ર છે. જન્મથી કોઈ બ્રાહ્મણ કે અછૂત કેવી રીતે હોઈ શકે? 

     એ કેમ્પસના અનુભવો મને આ રીતે વધુ આ દેશ, આ લોકો અને અહીંની શિક્ષણ પદ્ધતિનો ખ્યાલ આપી રહ્યાં હતાં. પાંગરી રહેલી મારી વાત્સલ્યની વેલડીને આ તાજી હવા કાંઈક નવા જ ઉંચાણ આપી રહ્યાં હતાં. 

     "ચાલો , આપણે કોઈ – રનિંગ બિઝનેસ ચાલુ ડેકેર સેન્ટરની તપાસ શરૂ કરીએ."  કોઈક બોલ્યું. 

'બેઠક'  પર તેમના લેખ આ રહ્યા. 


નોંધ -  નીચેના કોઈ પણ ફોટા પર ક્લિક કરી નવી વિન્ડોમાં તે મોટો જુઓ. ત્યાં ફરી ક્લિક કરી અહીં પાછા આવો.

Triton college of River Forest
Jane Eliott, Racisn activist
martin luther king jr
-- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.