આપણી પાસે છે શું ? – ૩

    -  નીલમ દોશી

દૃષ્ય - ૩

શિવ:      મારી બહેન ખૂબ સરસ છે.

અંજુ:     તને કેમ ખબર પડી ?

શિવ:     કુદરતે અમારી એક શક્તિ  છીનવી  લીધી છે. પણ બીજું ઘણું આપ્યું છે. અને અમે એ શક્તિનો       સખત મહેનત કરી વિકાસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ.

પાવન:    જેથી ભવિષયમાં મોટા થઇ ને અમારે કોઇના ઓશિયાળા ન બનવું પડે. અમારી સંસ્થામાં         અમારાથી પણ હોંશિયાર છોકરાઓ છે. તમે કયારેક આવશો તો હું તમારી ઓળખાણ કરાવીશ.  અમે બધા એકબીજાનો સહારો છીએ.

શિવ:     અને તમારા મમ્મી, પપ્પા જેવા લોકો અમારે માટે માતા પિતા સમાન છે. જે અમને સ્નેહ આપે  છે, લાગણી આપે છે. જેનાથી  કુદરતે અમને વંચિત રાખ્યા છે. (જરા ગળગળો થઇ જાય છે. )

સંજુ, અંજુ: (સાથે )  આજથી આપણે બધા મિત્રો જ છીએ ને? 

શિવ:      તમે લોકો નશીબદાર છો. આવા સરસ મા બાપ મળ્યા છે. અમારા નશીબમાં એ નથી.

( દુ:ખી થાય છે.  રિયા ઉભી થઇ ને શિવ પાસે જાય છે. તેનો હાથ પકડી લે છે. લાગણી વ્યકત કરે છે. બોલી નથી શકતી તેથી. ) 

પાવન:    શિવ વધારે લાગણીશીલ છે તેથી ઘણીવાર તે હજુ પણ દુ:ખી થઇ જાય છે. મેં તો પરિસ્થિતિ        સ્વીકારી લીધી છે. હસતાં કે રડતાં, સ્વીકારવાનું જ છે ને ? તો પછી હસીને જ ન સ્વીકારવું બધું ? 

શિવ:     હા, કયારેક દુ:ખી થઇ જવાય છે મારાથી. પણ તમારા મમ્મી, પપ્પા જેવા લોકો અમારું ખૂબ ધ્યાન રાખે છે. ખરેખર તમારા મમ્મી, પપ્પા મહાન છે.          

( આ બધું સાંભળીને, સંજુ, અંજુના  ચહેરા પર આશ્ચર્ય અને અહોભાવના ભાવ  આવે છે. પણ બન્ને કંઇ બોલતાં નથી.  થોડી વાર બધા   અંતાક્ષરી રમે છે. ગીતો ગાય છે. ) 

( ત્યાં અંદરથી મમ્મી, પપ્પા આવે છે. હાથમાં નાસ્તાની ડીશો છે. પપ્પાના હાથમાં  કોથળીઓ છે. )

મમ્મી:   ચાલો, પહેલાં બધા નાસ્તો કરી લો. (આપે છે. ) 

પપ્પા:    સંજુ, દોસ્તો સાથે મજા આવી? 

સંજુ:      પપ્પા, ખૂબ જ. બહુ સરસ મિત્રો છે. 

અંજુ:     હું તો આ બધાની બહેન બની ગઇ છું. હોં. 

મમ્મી:    સરસ..ખૂબ સરસ... (હસીને ) તો ચાલો, બહેનબા, હવે આ નાસ્તો તમારા ભાઇઓને આપો.

( અંજુ બધાને  નાસ્તો આપે છે. બધા  નાસ્તો કરે છે. ત્યાં પપ્પા બધાને એક એક કોથળી આપે છે. ) 

પપ્પા:     અને, લો, આ તમારી ગીફટ.  ( કપડાં, પેન, એવી બધી વસ્તુઓ છે.) 

શિવ,પાવન:  થેન્કયુ, અંકલ. તમે અમારા માટે કેટલું કરો છો. 

( પપ્પા સંજુ અને અંજુને પણ કપડાં આપે છે.) 

પપ્પા:     લો, બેટા, તમારે પણ કપડાં જોતા હતાં ને ? આ તમારે માટે.

(સંજુ અને અંજુને પણ આપે છે) 

સંજુ:    (કોથળી હાથમાં લે છે. પછી અંદરથી શર્ટ કાઢી એક શિવને અને એક પાવનને આપે છે.  અને કહે છે. )  પપ્પા, મારી પાસે તો હજુ ઘણાં કપડાં છે. મારા મિત્રોને આ મારા તરફથી ભેટ.

(શિવ અને પાવન ના પાડે છે તો પણ પરાણે તેના હાથમાં મૂકે છે. પપ્પા અને મમ્મી આશ્ચર્ય અને આનંદથી આ પરિવર્તન જોઇ  રહે છે. )

અંજુ:    ( પોતાની કોથળી રિયાના હાથમાં પરાણે આપે છે. ) અને, આ મારા તરફથી મારી બહેનને. 

રિયા:    (પોતાના થેલામાંથી એક સરસ ચિત્ર કાઢીને અંજુ ને આપે છે. ઇશારાથી સમજાવે છે. )

( બધા છોકરાંઓની આંખ આ સ્નેહથી છલકાઇ રહે છે. સંજુ, અંજુની આંખ પણ ભીની થાય છે. મમ્મી, પપ્પા  ખુશખુશાલ દેખાય છે. ) 

સંજુ:    પપ્પા, મને લાગે છે. હું ખોટો હતો. અમે ભૂલ કરતાં હતા. અમારા મમ્મી, પપ્પા કંઇ કંજૂસ નથી જ. બરાબરને અંજુ ?

અંજુ: ( ખુશ થઇને ) એકદમ બરાબર. 

સંજુ:    અમે તો હમેશાં અમારી પાસે શું નથી એ જ વિચારતા હતાં. અને દુ:ખી થતા હતા..અને તમને પણ દુ:ખી કરતાં હતા. અમારી પાસે આવા પ્રેમાળ મમ્મી, પપ્પા છે. એ તો જાણે ભૂલી ગયા હતા. આ લોકોને મળીને આજે  અમને સમજાયું કે ભગવાને અમને શું આપ્યું છે?

સંજુ:      સોરી, પપ્પા..અમે તમને હમેશા કંજૂસ  માનતા હતા.

મમ્મી:   બેટા, આપણી જરૂરિયાતોમાં..ખર્ચાઓમાં થોડો જ કાપ મૂકીએ તો બીજાને થોડી મદદ કરી       શકાય..એ ભાવનાથી અમે તમને.....

સંજુ:     (વચ્ચે જ..)  મમ્મી, અમને બધું સમજાઇ ગયું છે. અને અમને તમારા જેવા મમ્મી, પપ્પા માટે           ગૌરવ છે.  બીજાને આપવાનો  આનંદ શું છે તે અમે આજે અનુભવ્યો છે. સોરી, પપ્પા...અમે તમને  કંજૂસ કહેતા હતા. અને હમેશા  એ જ વિચારતા હતા કે આપણી પાસે છે શું ? 

અંજુ:     પેલા નિલયની સાથે સરખામણી કરીને, મમ્મી. સોરી... પ

પ્પા:   નો સોરી. ચાલો, પહેલાં નાસ્તો પૂરો કરો. પછી આપણે બધા સાથે રમીએ. પછી આ લોકોને મૂકવા પણ આપણે બધા જઇશું. બરાબર ને ? 

સંજુ:     પપ્પા, અમારી પાસે શું છે;  તે આજે અમને બરાબર સમજાઇ ગયું છે. અમારી પાસે પ્રેમાળ પપ્પા, મમ્મી છે. ભગવાને અમને આંખ, કાન હાથ, પગ બધું આપ્યું છે. અમારી પાસે ઘણું છે; જે દુનિયામાં કેટલાયે બાળકો પાસે નથી. આજે અમને એ સત્ય સમજાઇ ગયું છે. અમારા મિત્રોને આજે મૂકવા પણ આવીશું  અને પછી દર રવિવારે અમે પણ તમારી સાથે  આવીશું. અમારા આ અને તેના જેવા બધા મિત્રોને મળવા. બરાબરને પાવન? 

પાવન:  હા, જરૂર. 

( રિયા અંજુ તરફ ઇશારો કરે છે. )

અંજુ:  ( ઇશારો સમજી જાય છે. ) હા, રિયા હું પણ જરૂર આવીશ.  હવે તો..” હમ સાથ સાથ હૈ.” બરાબર ને ?

બધા સાથે:    બરાબર, બરાબર.  ( બધા બાળકો હાથ પકડી ઉભા રહી જાય છે. અને સાથે ગાય છે.) 

હમ હોંગે કામિયાબ.
હમ હોંગે કામિયાબ એક દિન.
મનમેં હૈં વિશ્વાસ, પૂરા હૈ વિશ્વાસ.

( પપ્પા, મમ્મી આનંદથી જોઇ રહે છે. અને પડદો પડે છે. ) 

    -     તેમનો બ્લોગ 'પરમ સમીપે' 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.