સ્વયંસિદ્ધા – ૮

    -    લતા હીરાણી

 

એકલપંથની પ્રવાસી

       ભારતમાં સ્ત્રીઓની દશા આટલી ખરાબ છે તેનું કારણ કિરણ બેદી માને છે કે, સ્ત્રીઓ જ્યાં સુધી લેવાની સ્થિતિમાં રહેશે ત્યાં સુધી એણે દબાઈને જ જીવવું પડશે. સ્ત્રીઓ આર્થિક રીતે પગભર હોતી નથી. એની કોઈ આવક હોતી નથી. પોતાની દરેક જરૂરિયાત માટે એણે ઘરના પુરુષવર્ગ પર આધાર રાખવો પડે છે - પછી તે પિતા હોય,પતિ હોય કે પુત્ર હોય. પુરુષની મહેરબાની પર જ સ્ત્રીનું સુખ કે દુ:ખ નિર્ભર રહે છે.

     આર્થિક રીતે સ્ત્રી સ્વતંત્ર ન હોવાથી તે પોતાના નિર્ણયો લઈ શકતી નથી. એણે પોતાનું જીવન પુરુષની ઇચ્છા પ્રમાણે ગોઠવવું પડે છે. પોતાના પ્રશ્નો હાલ કરવા માટે બીજાનો આધાર લેવો પડે છે. આ કારણે સ્ત્રીને અન્યાય સહન કરવો પડે છે. જો એ અન્યાય વેઠવાનો ઇન્કાર કરે તો એણે ઘર છોડવું પડે. આવે સમયે જો એ આર્થિક રીતે પગભર ન હોય તો જીવન કેમ ગુજારવું? - એ પ્રશ્ન એની સામે ઊભો થાય.

     આ સમસ્યાનો ઉકેલ એ છે કે સ્ત્રીએ લેવાની નહીં પરંતુ આપવાની સ્થિતિમાં આવવું પડશે. આર્થિક રીતે એ પગભર થઈ જાય, કમાતી થઈ જાય તો એણે દબાવું નહીં પડે. અન્યાય સહન નહીં કરવો પડે. પછી એનો પોતાનો અવાજ હશે અને પુરુષે એ સાંભળવો પડશે. જોકે આના માટે નૈતિક હિંમત કેળવવી ખૂબ જરૂરી છે, પરંતુ આર્થિક સ્વતંત્રતા એ પાયાની બાબત છે.

      આ વાત સમજાવવા એમણે એક ઉદાહરણ આપ્યું છે. સમાજમાં જ્યાં જ્યાં દારૂની બદી છે ત્યાં શું જોવા મળે છે ? ખાસ કરીને ગરીબ વર્ગના લોકોમાં કેવી પરિસ્થિતિ હોય છે? દારૂડિયો પુરુષ પીધેલી હાલતમાં ઘરમાં આવે. એને પૈસા જોઈતા હોય એટલે પત્નીને કે માને માર મારી એની પાસેથી પૈસા કે દાગીના ખૂંચવી જાય. ક્યાંય એવું સાંભળવા નહીં મળે કે દારૂડિયા પુરુષે એના પિતાને કે ભાઈને લૂંટી લીધા; કારણ એ જ કે, સ્ત્રીઓ જ દબાઈને રહેવા ટેવાયેલી છે. આથી એના પર જુલમ કરી શકાય છે.

     માત્ર નિરક્ષર કે ગરીબ સ્ત્રીઓ જ અન્યાય વેઠે છે એવું નથી. હવે શહેરોની સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ ઘણું વધ્યું છે. છોકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે છે. આ શૈક્ષણિક લાયકાત એને આર્થિક રીતે સ્વતંત્ર રહેવા માટે પૂરો ટેકો આપી શકે એમ હોય છે, પરંતુ સદીઓથી સ્ત્રીના માનસમાં એક ગુલામી ઘર કરી ગઈ છે. પુરુષના અન્યાય સામે રડીને ચૂપ રહી જવાનું અને દુ:ખી થવાનું જ એ શીખી છે. જુલમ સામે અવાજ ઉઠાવીને પોતાનો રસ્તો વિચારતાં કે જિંદગીમાં પોતાનું સુખ સ્વયં પ્રાપ્ત કરતાં એ શીખી જ નથી.

      કિરણ બેદીના એક પુસ્તક ‘What went wrong ?’ (શું ખોટું થયું ?)માં એમણે એક કિસ્સો વર્ણવ્યો છે. એમ.બી.એ.ની ડિગ્રી ધરાવતી યુવતી પોતાની સાથે ભણતા યુવકના પ્રેમમાં પડી. કુટુંબનો વિરોધ હોવાથી એમણે મંદિરમાં લગ્ન કરી લીધાં.

     થોડા સમય પછી એ યુવક પેલી છોકરીને છોડીને નાસી ગયો. એ છોકરીને માથે જાણે આભ તૂટી પડ્યું. એની પાસે લગ્નની કોઈ જ સાબિતી નહોતી. પેલા છોકરાને શોધવા એણે ખૂબ દોડધામ કરી પણ એ તો જાણે ક્યાંય અદશ્ય થઇ ગયો હતો. પેલી છોકરી જીવનથી હારી ગઈ. એણે આપઘાત કરવા પ્રયત્ન કરી જોયો પરંતુ બચી ગઈ.

      કિરણ બેદી સવાલ કરે છે કે આટલું શિક્ષણ એ છોકરીના મનમાં જીવવાનું બળ, હિંમત કેમ ન પૂરી શક્યાં? એણે  પહેલાંથી સાવધ રહેવાની જરૂર હતી, છતાં એ ભોળવાઈ ગઈ. કોઈ એને છેતરી ગયું પરંતુ એક છોકરાએ એની સાથે દગો કર્યો એનાથી એણે જિંદગીનો અંત શા માટે લાવવો જોઈએ ?

      આ સમસ્યા મૂળમાં આપણી ખોખલી શિક્ષણપ્રથા તો છે જ, પરંતુ આપણી ખોટી સામાજિક પરંપરા પણ એને માટે જવાબદાર છે - જે સ્ત્રીઓને પુરુષના સાથ વગર જીવી શકવાની કલ્પનાયે નથી કરવા દેતી. સ્ત્રી પુરુષના ટેકાથી જ જીવી શકે અને એના આધાર વગર કંઈ કરી ન શકે એવી ભાવના એની નસેનસમાં ભરી દેવામાં આવી છે. જરૂર છે સ્ત્રીએ સબળ બનવાની, આત્મવિશ્વાસ કેળવવાની અને મક્કમ બનવાની. પોતાની લડાઈ જાતે જ લડતાં એણે શીખવું પડશે.

      કિરણ બેદીએ ‘નવજ્યોતિ’ નામની સંસ્થા સ્થાપી છે. આ સંસ્થામાં વ્યસનીઓને વ્યસનમુક્ત કરવાની પ્રવૃત્તિ ચાલે છે. આ સંસ્થાનો હેતુ સમાજમાંથી ગુનાખોરી ઘટાડવાનો છે. અહીં સ્ત્રીઓને સ્વનિર્ભર બનાવવાની પ્રવૃતિઓ પણ ચાલે છે. યમુનાપુશ્તી ઝૂંપડપટ્ટીની સ્ત્રીઓને એમણે સીવવાના સંચા અપાવ્યા જેથી તેઓ પોતાની રોજી-રોટી કમાઈ શકે. સ્ત્રીઓને આવકનું સાધન મળે તો એ સ્વનિર્ભર રહે અને પૈસા માટે ખોટે રસ્તે જતી અટકે.

     કિરણ બેદીએ પોતાની જિંદગીમાં શું સિદ્ધ કર્યું છે ? તેઓ કહે છે કે મારા માટે માત્ર પોલીસ અધિકારી હોવું જ પુરતું નથી. હું મારી જરૂરિયાત જાતે જ પૂરી કરી શકું છું. જીવનમાં હું કોઈના પર નિર્ભર નથી. મારી વ્યવસાયિક જિંદગીમાં હું સત્યને વફાદાર રહીને જીવી શકું છું. મને જે યોગ્ય લાગે એ કામ હું કરું છું. એમ કરવામાં જે કંઇ મુસીબત આવે, અડચણ આવે એનો મુકાબલો હું જાતે કરી શકું છું. મુશ્કેલીઓ સામે કદી હિંમત હારતી નથી. ન્યાય મેળવવા માટે પૂરતો સંઘર્ષ કરી શકું છું અને એ માટે જે સહન કરવું પડે એ સહન કરવાની મારી પૂરી તૈયારી હોય છે. અંતે મારે જે જોઈએ છે એ મેળવીને જ જંપુ છું. હું હંમેશાં મારી ફરજને વફાદાર રહું છું. મારા કાર્યમાં મારું સર્વસ્વ હોમી દઉં છું. મારું જે ઉત્તમ છે એ મારાં કાર્યોમાં પ્રગટ થાય છે અને આથી જ અંતે સૌએ મારી વાતનો સ્વીકાર કરવો પડે છે.

માહિતી વિકિપિડિયા પર આ રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.