કહાણી બોઈંગ-૭૪૭ ની

  - પી.કે.દાવડા

    ૧૯૬૦ના દાયકાની વાત છે, અમેરિકાના હવાઈદળને એક મોટા માલવાહક વિમાનની જરૂર હતી. અન્ય કંપનીઓની જેમ અમેરિકાની બોઈંગ વિમાનો બનાવનાર કંપની પણ એની ડીઝાઈન તૈયાર કરવામાં લાગી ગઈ. ૧૯૬૫ માં બોઈંગ ઓર્ડર મેળવવામાં નિષ્ફળ ગઈ, એ ઓર્ડર લોકહીડ કંપનીના C5A નામના વિમાનને મળ્યો.

     ૧૯૬૦ ના દાયકામાં બોઈંગ-૭૦૭ વિમાન પ્રખ્યાત હતું. એમાં વચ્ચે પેસેજ અને બન્ને બાજુ ત્રણ ત્રણ બેઠકો હતી. આ વિમાનમાં પેસેંજરોની સંખ્યા મર્યાદિત હોવાથી વિમાનોની સંખ્યા વધારે હતી, અને તેથી એરપોર્ટ ઉપર વિમાનોની ચડ ઉતર વધારે થતી. અમેરિકાની પ્રખ્યાત વિમાન કંપની પાન એમ ના વડા ટ્રીપે બોઈંગને સુચવ્યું કે, એ વધારે યાત્રીઓ સમાવી શકે એવું વિમાન બનાવે તો એ ૨૫ વિમાનો ખરીદશે.

     બોઈંગે એનો લાભ લઈ, એરફોર્સ માટે તૈયાર કરેલી માલવાહક વિમાનની ડીઝાઈનમાં ફેરફાર કરી એને યાત્રી વિમાનમાં ફેરવ્યું. એક ને બદલે બે પેસેજ રાખી, 3-૪-૩ આમ છ ને બદલે એક હારમાં દસ જણને બેસવાની વ્યવસ્થા કરી. વળી એમાં કેબીનનો ઉપલો માળ પણ ઉમેર્યો, જેથી દરેક ટ્રીપમાં મુસાફરોની સંખ્યા બેગણી થઈ ગઈ. 

     ૧૯૬૬ માં પાન એમ નો ૨૫ વિમાનોનો ઓર્ડર મળતાં બોઈંગ ૭૪૭ બનાવવાનો આરંભ થયો. માત્ર ઓર્ડર મળવાથી કંપનીના બધા પ્રશ્નોનો હલ થઈ ગયો એવું નથી. આ અગાઉ ફ્રાન્સમાં સુપરસોનિક કોનકોર્ડ વિમાન બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. બોઈંગે એની હરિફાઈમાં સુપર સોનિક વિમાન બનાવવાની ડીઝાઈન માટે પણ સારૂં એવું ધન લગાડેલું. આમ બે વિમાનોની ડીઝાઈનમાં શક્તિ લગાડવી એ બહુ કપરૂં કામ હતું. એક સર્વાધિક મોટું અને બીજું સર્વાધિક ઝડપી! આખરે કંપનીએ નિર્ણય લીધો કે ઝડપી કરતાં મોટું વેપારની દૃષ્ટિએ ફાયદેમંદ રહેશે.

     'જો શટર' કંપનીનો સૌથી વધારે અનુભવી એન્જિનિયર હતો. એને આ કામ સોંપવામાં આવ્યું. એની પ્રથમ મુશ્કેલી એ હતી કે આવા મહાકાય વિમાનને ઉડાડવા જે એન્જિનની જરૂર પડશે એ એન્જિન મળશે? એણે નવા વિમાનનું વજન જેટલું થઈ શકે એટલું ઓછું કરવાના બધા ઉપાય કરેલા. એની બીજી મુશ્કેલી એ હતી કે, આટલા વિશાળકાય વિમાન બનાવવા માટે જે વિશાળ ફેક્ટરી જોઈએ, એ બોઈંગ પાસે ન હતી. નવા વિમાનની લંબાઈ ૨૩૧ ફૂટ અને પાંખોની પહોળાઈ ૧૯૫ ફૂટ હતી.

      શટરે તરત જ નવી ફેક્ટરી બાંધવાનું કામ શરૂ કરાવ્યું. ૨૯ મહિનામાં ફેક્ટરી બનીને તૈયાર થઈ ગઈ. કદાચ વિશ્વની આ સૌથી મોટી ફેક્ટરી હતી. આ કામ કરવા માટે બોઈંગે સાત બેંકો પાસેથી કરજે નાણાં લીધેલાં. દરમ્યાનમાં એણે જે ફેફ્ટરીઓ અસ્તિત્વમાં હતી ત્યાં વિમાનના ઘણાં કલપુરજા બનાવી લીધેલા.

     ૩૦ મી સપ્ટેંબર, ૧૯૬૮ માં નવી ફેક્ટરીમાંથી પ્રથમ બોઈંગ ૭૪૭ બનીને બહાર આવ્યું. આ વિમાનને “સિટી ઓફ એવરેટ” નામ આપવામાં આવ્યું. હવે આને ઊડાવવા માટે જરૂરી રનવે ક્યાંથી કાઢવો? બીજા ચાર મહિનામાં એમણે ફેકટરીની નજીકમાં જ નવો રનવે બાંધ્યો. આ રનવે ઉપર આશરે એક વરસ સુધી ચકાસણીની ઉડાણૉ કરી, આખરે ૩૦ જાન્યુઆરી, ૧૯૭૦ ના પાન એમ એ ન્યુયોર્ક થી લંડનની પ્રથમ યાત્રી સેવા શરૂ કરી. ગણત્રીના સમયમાં આ વિમાન યાત્રીઓમાં આવકાર દાયક થઈ ગયું.

     આ વિમાનની પ્રથમ આવૃતિ બોઈંગ ૭૪૭-૧૦૦, ૩૬૬થી ૪૫૨ યાત્રીઓને સમાવી શકે છે. ખાલી વિમાનનું જ વજન ૩,૫૮,૦૦૦ પાઉન્ડ છે. પેસેંજરો અને લગેજ સાથે ઉડાન ભરતી વખતે એનું વજન ૭,૧૦,૦૦૦ પાઉન્ડ જેટલું હોય છે. રનવેથી વિમાનની વધુમાં વધુ ઉંચાઈ ૬૩ ફુટ છે. વિમાન ૪૫૦૦૦ ફુટની ઉંચાઈ સુધી જઈ શકે છે અને એની ઝડપ કલાકના ૬૦૦ માઈલ જેટલી છે.

       શરૂઆતમાં તો દુનિયાભરના એરપોર્ટસમાં અનેક અડચણો નડી. બેગેજ સિસ્ટમો બદલવી પડી, રનવે માં ફેરફાર કરવા પડ્યા, સીડીઓ બદલવી પડી, અને આવા તો અનેક ફેરફાર કરવા પડ્યા. પણ પછીના ૫૦ વરસ સુધી આ વિમાનનો સર્વાધિક વપરશ થયો.

પેસેંજરોની વધારે સંખ્યા હોવાથી ટીકીટ ભાડાં ઘટ્યા, ૨૦૧૮ સુધીમાં બોઈંગે આવા ૧૫૦૦ થી વધારે વિમાનો તૈયાર કર્યા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.