બકો જમાદાર – ૧૮

  -   જયશ્રી પટેલ

નમસ્તે બાળકો,

       અઠવાડિયાના સાત દિવસ ને વાર સાત એક પછી એક દિવસ જાયને પાછો આવે સોમ પછી મંગળવાર. તમે કંટાળતા નથીને? બહુ સરસ સરસ વાર્તાઓ સાંભળીએ છીએ, નહિં?

       આપણા બાળવાર્તા ના ગ્રુપમાં ક્યારેક તમે પણ લખો ને કહો તો મજા આવશે. જુઓ આજે તમને બરકેશ કહે છે કંઈક...

વાર્તા ન: ૧૮

      જંગલ હમેશાં બધા માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.એકવાર બરકેશ અને તેના મિત્રો નિકળી પડ્યા જંગલ તરફ . સુંદર લીલાછમ પહાડો અને નાનાં મોટાં વહેતા ઝરણાં. ઝાડ પર વસતા નાના મોટા પક્ષી અને વાંદરાઓ; જાતજાતના ફળફળાદિ અને દોડમદોડ કરતાં સસલાં અને ખિસકોલીઓ; જંગલી પ્રાણીઓ -  હાથી, વાઘ, સિંહ, વરૂ, શિયાળ અને જંગલી કૂતરા.સરસ વિનમ્ર હરણાં અને હરણીઓ; છલાંગો ભરતાં સાબર અને મોટા શરીરવાળા ગેંડાઓ વગેરે

      બધાને જોઈને બરકેશ અને મિત્રો તો એટલા ખુુશ થયા અને બરકેશે સરસ વાત પણ કહી “જોયું મિત્રો! બધા કેવા સ્વતંત્ર ફરે છે? કેવા હળીમળીને એક જ નદીએ ને ઝરણે પાણી પીએ છે? અને આપણા નગરમાં તો માનવ જ ભક્ષક બની ને તૂટી પડ્યો છે.”

      ફરતા ફરતાં નદીકિનારે પહોંચ્યા. ત્યાં જુએ છે તો નદી બે કિનારે ખળખળ વહેતી હતી. તેની પર એક મોટું જાડા થડવાળું વૃક્ષ આડું પડ્યુ હતું . બધા જાનવર આ કિનારેથી પેલા કિનારે જતા હતા. કેવો સરસ ઉપયોગ કરતા હતા?

  અચાનક બરકેશની નજર ગઈ અને એણે જોયું તો બે જંગલી કૂતરા આમને સામને થઈ ગયા. કૂતરાની જાત. ખબર છે ને ખારીલી હોય? જો એક શેરીનો કૂતરો બીજી શેરીમાં જાય તો પણ ભસી ભસીને અને ઝપાઝપી કરી ભગાડી દે. તો અહીં તો જંગલી ખૂંખાર કૂતરા. હવે બન્નેને સામસામે જવું . બન્ને એકબીજાને જોઈ ઘૂરકવા લાગ્યા અને અંતે બાખડી પડ્યા. સમતૂલા ગુમાવી અને પડ્યા નીચ, અને નદીમાં તણાઈ ગયા અને ધોધમાં ખેંચાઈ ગયા.

    બરકેશ અને મિત્રો તો હસી હસીને બેવડ થઈ ગયા. થોડીવાર માં તાજા ફળ ઘાસ ખાઈને પાછા જવાની તૈયારી કરતા હતા ત્યા એમની નજર પાછી પેલા વૃક્ષ પર પડી તો જોયું કે બે સુંદર હરણાં આમને સામને આવી ગયા હતા. બરકેશને મિત્રોને થયું - જો આ બે હુંશાતુંશી કરશે તો સુંદરતા નષ્ટ થઈ જશે.

      પણ અરે...સાનંદાશ્ચર્ય વચ્ચે જોયું તો બુદ્ધિશાળી અને વિનમ્ર હરણાંઓએ તો ખરેખર સરસ ઉપાય આચર્યો. તેઓમાનું એક થડ પર બેસી ગયું અને બીજું એના પરથી સમતોલપણું જાળવી ધીરે ધીરે પેલી તરફ ઊતરી ગયું. સામે કિનારે જઈ ઊભું રહ્યું ને જોવા લાગ્યું કે, બીજું હરણું હેમખેમ સામે કિનારે પહોંચ્યું કે નહિ? બન્ને આમને સામને કિનારે પહોંચી વિનમ્રતા થી એકબીજા માટે ગરદન હલાવી ને પ્રેમ થી પ્રેમનો આવિષ્કાર કર્યો.

      બરકેશથી બોલાઈ ગયું . "ધન્ય છે આ સમજદારીને!"

       બરકેશે મિત્રોને પૂછ્યુ, "બોલો મિત્રો આજે જંગલમાં આવી નવું શું શિખ્યા?"

      બધા મિત્રો એકબીજાની સામે જોઈ રહ્યા ત્યારે મિંદડીબેન તેમની માંજરી આંખો ચકળવકળ ફેરવી બોલ્યા કે, "બરકેશ મિત્ર! બળ કરતા કળથી અને ઘૃણા કરતાં પ્રેમથી કામ કરીએ, તો જરૂર સફળ થઈએ અને જાન બચે." 

     બરકેશે એ જ કહ્યુ કે "કૂતરાઓએ જાન ગુમાવ્યો અને હરણાંઓ એ સહીસલામત બુદ્દધિથી જાન બચાવ્યો અને પ્રેમનો સંદેશો આપ્યો."

       બોલો મિત્રો! હવે બળ કરતાં કળથી અને ઘૃણા કરતાં પ્રેમથી કામ કરશો ને?માનશોને બરકેશની આ આંખો દેખી વાત અને સમજદારીને? કશે પણ ફરવા જાઓ તો જરૂર કંઇક નિરીક્ષણથી શીખજો, જેથી મોટા થાઓ તો જીવનની દરેક કઠીનાઈ સરળ બની જાય.

      ચાલો ફરી પાછા આવતા મંગળવારે નવું કંઈક શીખશું અને માણીશું. 


પ્રતિલિપિ પર તેમની રચનાઓ અહીં ...

--
--

One thought on “બકો જમાદાર – ૧૮”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.