-પી. કે. દાવડા
કોઝવે (Causeway) એટલે છીછરાં પાણી અને ગારાવાળી જમીનમાં માટીની પૂરવણી કરીને બનાવેલી કેડી. ભારતનું વાણિજ્ય પાટનગર મુંબઈ આજથી બે સદી પહેલા અરબી સમુદ્રમાં આવેલા સાત ટાપુઓનું બનેલું હતું.
આ ટાપુઓમાં અવર-જવર માત્ર ભરતીના સમયે હોડી મારફત જ થઈ શકતી. ઓટ વખતે તો ત્યાં માત્ર કીચડવાળી જમીન જ દેખાતી, જેમાં ખૂંપી જવાનો ભય રહેતો. ભરતીના સમયે પણ ચોમાસામાં હોડી ઊંધી વળી જવાના હાદસા થતા. ૧૯૪૧ માં માહીમ અને સાલસેત ટાપુઓની વચ્ચેની ખાડીમાં ૧૫-૨૦ હોડીઓ ઊંધી વળી જવાથી ઘણાં માણસો મરી ગયા હતા.
મુંબઈમાં એ સમયમાં ભાટિયા અને પારસી સખાવતીઓની સંખ્યા મોટી હતી. અન્ય ગુજરાતી અને મરાઠી સખાવતીઓ પણ હતા. માહીમની ખાડીમાં થયેલી હોનારતોથી એક પારસી મહિલા આવાબાઈ જમશેદજીનું હ્રદય દ્રવી ઊઠયું. સરકાર પાસે કંઈ ઠોસ કરવા નાણાં ન હતાં. આવાબાઈએ સરકારને કહ્યું, હું પૈસા આપીશ. તમે એક કોઝવે બનાવો. મારી શરત એટલી જ છે કે આ કોઝવે વાપરનારાઓ પાસેથી કોઈપણ જાતનો ટોલ વસૂલ કરવો નહીં. સરકારે એમની આ શરત માની.
આવાબાઈના પતિ સર જમશેદજી જીજીભાઈ બ્રિટીશ સરકારે નિમેલા પ્રથમ બેરોનેટ હતા. એ એક સફળ પારસી વેપારી હતા. આવાબાઈએ પહેલા એક લાખ રુપિયાનું દાન કોઝવે બાંધવા આપ્યું. એક પારસી કોન્ટ્રેકટર દોરાબજી નાયગામવાલાએ અઢી વરસમાં પુરૂં કરવાની શરતે ૧૮૪૩ માં કામ શરૂ કર્યું. કામ ધાર્યા કરતાં વધારે નીકળ્યું. આવાબાઈએ કામ પૂરૂં કરવા બીજા ચાલીસ હજાર રુપિયા આપ્યા. ૮મી એપ્રીલ, ૧૯૪૫ ના કામ પુરૂં થયું અને કોઝવે ખુલ્લું મૂકવામાં આવ્યું. ઉદઘાટન વખતે આવાબાઈએ બીજા બાવીસ હજાર રૂપિયા આપ્યા કે જેનાથી માહીમની બજારથી કોઝવે સુધીનો રસ્તો બાંધી શકાય. આ રોડનું કામ ૧૮૪૮ માં પુરૂં થયું. આ રોડને લેડી જમશેદજી રોડ નામ આપવામાં આવ્યું, જે આજે પણ એ જ નામથી ઓળખાય છે.
કહેવાય છે કે આવાબાઈને ત્રણ દિકરા હતા. એમની બે દિકરીઓનું બાળ મરણ થયેલું. આવાબાઈને દિકરીની ખૂબ ઇચ્છા હતી. એમણે માનતા માનેલી કે જો મને ફરી દિકરી જન્મે અને જો એ સાત વરસની થાય તો હું ત્યારે ઈશ્વરને ગમે એવું કામ કરીશ. ૧૯૩૪ માં આવાબાઈને દિકરી જન્મી અને એનું નામ પિરોજબાઈ રાખ્યું. પિરોજબાઈ સાત વરસની થઈ ત્યારે માનતા અનુસાર આવાબાઈએ માહીમ કોઝવે બંધાવીને માનતા પૂરી કરી.
નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.