- દેવિકા ધ્રુવ
પ્રિય શબ્દપ્રેમી વિદ્યાર્થીઓ,
ગયા વખતે આપણે કલમ શબ્દ વિશે જાણ્યું. એ અંગે ‘સુરેશદાદા’એ ખૂબ મઝાની વીડિયો મૂકી અને કલમની ઉત્પત્તિ, તેનો ક્રમિક વિકાસ અને એ વિશેનો ઈતિહાસ પણ સમજાવ્યો. મને ખાત્રી છે તમને સૌને ખૂબ આનંદ આવ્યો હશે અને રસ પણ પડ્યો હશે. બરાબર ને? તો ચાલો, હવે કલમ થકી જેના ઉપર અક્ષરો લખાય છે તે ‘કાગળ’ વિશે થોડી વાત કરીએ.
કાગળ શબ્દના જુદા જુદાં સાત-આઠ જેટલા અર્થો થાય. જાણીતા શબ્દકોશો કહે છે તે મુજબ કાગળ એટલે પત્ર,દસ્તાવેજ,એક જાતનું ઝાડ, હૂંડીનો છેલ્લો ભાગ જેના પર લખાય તે, લોન, પત્રિકા, તુમાર, વગેરે. તુમાર એટલે કે લાંબો પત્રવ્યવહાર. હવે આ તો એના બધા અર્થો થયા.
કાગળ શબ્દનું મૂળ શોધતા શોધતા જાણવા મળ્યું કે મુસલમાનો જ્યારે હિંદમાં આવ્યા ત્યારે કાગઝ कागज़ શબ્દ પરથી ગુજરાતીમાં કાગળ શબ્દ દાખલ થયો. પેલું ગીત યાદ આવ્યું?
કોરા કાગઝ થા યે મન મેરા
લિખ લિયા નામ ઉસ પે તેરા.
એ કાગઝ.. પણ તે પહેલાં મૂળ તો ફારસીમાં શબ્દ હતો “કાગદ”. તે સમયે ચીંથરાઓને કોહાવ્યા બાદ તેને બરાબર મસળતા કે કૂટતા અને તે પછી તેને માવા જેવો લીસો બનાવી સફાઈદાર પતરાં જેવું બનાવતા અને તેની ઉપર લખતા. તે કાગદ. જૂના જમાનામાં તો લોકો તાડપત્ર પર લખતા. જાણવા મળ્યું છે, તે મુજબ પહેલ વહેલો જાપાન અને ચીનમાં કાગળ બનાવવામાં આવ્યો હતો. જુદા જુદા દેશમાં કાગળ જુદી જુદી રીતે બનાવવામાં આવે છે.
હા, તો આપણે ફારસી ભાષામાં ‘કાગદ’ શબ્દની વાત કરતા હતા. જો તમે અમદાવાદના હો તો માણેકચોક પાસે કાગદી બજારમાં જરૂર ગયાહશો. ત્યાં ‘કાગદી સોનીવાલા’ને ત્યાંથી જ લોકો વધુમાં વધુ નોટબૂકો ખરીદે. તે હવે સમજાય છે ને?!
હવે કાગળ અર્થવાળા બીજાં પણ કેટલાક શબ્દો જોઈએ. દા.ત. ટપાલ, ખત, સમાચાર, ચિઠ્ઠી, ચબરખી, વગેરે.. આ ઉપરાંત, કાગળ શબ્દની સાથે ઘણા બધા રૂઢિપ્રયોગો પણ સાંભળવા મળે છે. બરાબર ને? થોડા ઉદાહરણ લઈએ.
- કાગળિયા કરવા= છૂટાછેડા લેવા,
- કાગળ ફોડવો= વાત જાહેર કરી દેવી.
- કાગળ માંગવો=ભલામણ કરવી.
- કાગળની હોડીથી દરિયો ન તરાય= કામ પ્રમાણે સાધન વપરાય.
- કાગળે ચડવું= પ્રસિધ્ધ થવું,ચકચાર થવું..
- કાગળની કોથળી=નાજુક વસ્તુ.
- કાગળિયું કરવું=ન ગમતું કશું થવું. વગેરે વગેરે…
કલમ, કાગળ અને હવે એને લગતો શબ્દ કવિ. સંસ્કૃતમાં क्व् ધાતુ છે તેનો અર્થ થાય જોડવું.. કવિતા જોડનાર કવિ કહેવાય. તે ઉપરાંત શબ્દની વ્યુત્પત્તિશાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે, कु ધાતુ સાથે अच પ્રત્યય इ જોડીને કવિ શબ્દ બન્યો છે તેનો અર્થ થાય છે ‘આકાશ’, સર્વજ્ઞતા’. કવિઓની કલ્પના અગાધ હોય છે, આકાશ જેટલી.
જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.
હવે આ કવિઓ જે સુંદર રચના કરે તેને કાવ્ય કહેવાય. કાવ્ય શબ્દ कव् ધાતુ પરથી નિષ્પન્ન થયો છે. कव् નો અર્થ થાય છે બોલવું. જેમાં કોઈ વિશેષ કથન હોય, બોધ હોય તે જ કાવ્ય કહેવામાં આવે છે. विशेषणं कवनं भवति तत् काव्यम्। જો કે, કાવ્ય અંગે ઘણી જુદી જુદી વ્યાખ્યાઓ કરવામાં આવી છે. પણ આપણે એ બધી ચર્ચામાં ઊંડા ઉતરતા નથી. એટલું જ જાણી લઈએ કે,
કવિ શબ્દને સુંદર અને ભાગ્યવાન બનાવે છે,
તો શબ્દ કવિને અમર બનાવે છે.
અસ્તુ.