" ભૈલો મારો ડાહ્યો ,પાટલે બેસી નાહ્યો " અને ' ચક્કી બેન ,ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહિ " યાદ આવે છે એ ભવ્ય ભૂતકાળ જ્યા બધા જ ઘર માં આવા બાળગીત, હાલરડાં ગુંજતા રહેતા . એને બદલે "ફાઈવ લિટલ મંન્કી " જેવા Rhymes કાન માં ગૂંજ્યા કરે છે. જ્યાં મીઠાશ -મધુરતા સાવ નહિવત કે ઓછી છે. 'અંગ્રેજી બોલવા થી હોશિયાર દેખાઈએ ' એવી માન્યતા વધતી જાય છે .
અંગ્રેજી ભાષાનો વિરોધ કદી ન હોય. વિશ્વના ખુબ ઘણા { બધા નહિ } દેશોમાં વ્યવહારની ભાષા છે. વિદેશમાં વસતા ગુજરાતી પરિવારો માટે અનિવાર્ય પણ છે જ. પણ ક્યાંક ને ક્યાંક ટેવને કારણે કે પછી દેખાવ કે દંભ બતાવવા માટે અંગ્રજી અપનાવાય તે ખોટું જ છે .
સ્વાભાવિક છે કે વિદેશમાં તો શિક્ષણનું માધ્યમ અંગ્રેજી જ હોય. ગુજરાતમાં પણ ક્યાંક અનિવાર્ય તો ક્યાંક ઘેલછાથી કે દેખાદેખી થી અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ લેવાનો અભિગમ વધતો ચાલ્યો છે. આમ તો પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ, એવું સૌ ડાહયા વિદ્વાનો વર્ષો થી કહયા કરે છે. પણ અમલ લગભગ અશક્ય છે.અહીં શિક્ષણ માધ્યમ ની વાત નથી. કરવી છે વાત માતૃભાષા પ્રેમની. પાંચ કલાકની શાળા ને પાંચ કલાક ની ઊંઘ સિવાય બાકી નો સમય તમે ઘરમાં શુદ્ધ અને સંપૂર્ણ ગુજરાતી કેમ ન બોલો? ટીવી માં ગુજરાતી જોડકણા - બાળવાર્તાઓ પણ જોઈ જ શકાય ને? મૌલિક વિચાર એ વ્યક્તિ માત્રના વિકાસ નો પ્રથમ પાયો છે. જેટલું સ્વતંત્ર વિચારી શકે તેટલું વ્યક્તિ વિકસી શકે.
ખરેખર જો બાળકને તેજસ્વી, હોશિયાર બનાવવું હોય, તેની વિચાર શક્તિને પાંખ આપવી હોય તો તે માત્ર ને માત્ર માતૃભાષા જ કરી શકશે. મુક્ત મન થી વિચારી શકે, સાથે સાથે માતૃભાષાનું વિસ્તૃત શબ્દ ભંડોળ ( ડિક્ષનેરી નહિ પણ વોકેબ્યુલરી) તેની તમામ અભિવ્યક્તિ માટે આવશ્યક છે. જે તેની આસપાસના ઘર ના -પોતાના સમાજ માંથી જ મળશે. ભાષાંતર કરીને તે ઉપયોગ ચોક્કસ જગ્યાએ કરી શકશે .
માતૃભાષા મા ની ભાષા છે. પણ આજકાલમાં તે બાળક સાથે માતૃભાષા નથી વાપરતી; વર્ણસંકર - ભેળસેળિયા ભાષા વાપરે છે. પરિણામે બાવાના બે ય બગડે છે. 'જો બેટા ફિંગર પકડ ,સામે કાઉ આવે છે.' અથવા તો 'તુમને હોમવર્ક કર લિયા? વરના મોર્નિંગમેં ટીચરકી ડાંટ પડેગી' આ વાત બિલકુલ અયોગ્ય છે. ઘરના પૂરા સમય માં પરસ્પર માતૃભાષા જ વપરાય તે અતિશય અનિવાર્ય છે.
દરેક માબાપ પોતાના સંતાનને સારા સંસ્કાર આવે; સારી ટેવ પડે તેવું ઇચ્છતા જ હોય . એક વાત ચોક્કસ છે કે ઘરમાં માતૃભાષાના વિશેષ પ્રયોગથી આત્મીયતા, નિક્ટતતા, આદર જેવા લક્ષણો સહજ રીતે જ આવી જાય છે. દંભમાં જીવવા ટેવાયેલા માતા પિતા કદાચ આ વાત નહિ સ્વીકારે અને પેરન્ટિન્ગ ના વર્ગો ભરવા જશે.
તાજેતર માં જ બનેલી સત્યઘટના ટાંકવાનું મન થાય છે. ગુજરાતના જાણીતા કવિના પરિવાર નું એક સંતાન અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરે. શાળાએ, શાળા પ્રાંગણ માં ગુજરાતી ભાષા બોલવા મારે બાળક ને દંડ ફટકાર્યો. વાલીએ શાળામાં જઈ દંડ તો ભર્યો, પણ સાથે બીજી મોટી રકમ શાળાને ભરીને કહ્યું,"આ એડવાન્સ દંડ ની રકામ છે. અમારું બાળક અહીં ગુજરાતી બોલશે જ. જ્યારે બોલે ત્યારે દંડ આ રકમ માં થી વસૂલી લેજો ! "
ઇતિહાસ માંથી એક વધુ સત્ય ઘટના - કવિ બ.ક.ઠાકોરે ગાંધીજીને અંગ્રેજીમાં પત્ર લખ્યો. જવાબ માં રાષ્ટ્રપિતાએ જણાવ્યું કે "આઝાદી પછી, જો બે ગુજરાતી જણ પરસ્પર અંગ્રેજી બોલે કે લખે, તો છ માસ જેલની સજાનો કાયદો કરાવીશ "
આવો..... ગુજરાતી - ગુજરાતી મળીએ ત્યારે શુદ્ધ ગુજરાતીમાં જ વાતો કરીને માની ભાષાની પૂજા કરીએ.
જય ગુજરાતી ,જય જય ગુજરાતી .
ગુજરાતી – ગુજરાતી મળીએ ત્યારે શુદ્ધ ગુજરાતીમાં જ વાતો કરીને માની ભાષાની પૂજા કરીએ.જય ગુજરાતી ,જય જય ગુજરાતી .